‘સ્પંદન“
(રાગઃ ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં….)
આવ સખી તું બેસને પાસે વાત કહું હું મનની,
દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …
દુષિત થયેલી આંખો મારી ચાર દિશામાં ફરતી,
શુન્ય તણાં ઓ પાર જવાનો નિષ્ફળ પ્રયાસ કરતી;
હરએક પળ ઉભરાતી લ્હેરો આછેરા કંપનની,
દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …
વિચાર કેરા ચક્રવ્યુહમાં મન મારૂં આથડ્તું,
અંત અને આરંભનો તંતુ શોધુ છતાં ન મળતું;
મુજને છે બસ એક જ આશા તારા અવલંબનની,
દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …
મારા દિલની વાતો કહેવા શબ્દો ઓછા લાગે,
સ્પર્શ અને આંખો પ્રશ્નનો ઉત્તર દેવા માગે;
“ધુફારી“ની હાલત બસ સમજે તું માનેલા સાજનની,
દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …
૦૧/૦૫/૨૦૦૬
Filed under: Poem |
Leave a Reply