“સમયની વાત કર“
એકાંતમાં માશુક મળે એવા સમયની વાત કર;
આવ્યા પછી સંધ્યા ઢળે એવા સમયની વાત કર.
હર રોમથી ફૂટી કરી ખુશ્બુ ભરે આગોશને;
આલિંગતા વીટી વળે એવા સમયની વાત કર.
છલકાય સુરા આંખથી સાગર તણી ભરતી સમી;
પીધા વગર દિલને ચડે એવા સમયની વાત કર.
પ્રશ્નો હ્રદયથી ઉદભવે ને સ્પર્શથી પુછાય એ;
મૌનને ભાષા મળે એવા સમયની વાત કર.
દિપક પ્રકાશે પ્રેમના ચોપાસ દિલ અજવાળતા;
હર એક બિંદુ ઝળહળે એવા સમયની વાત કર.
સુનકારમાં ઝનકાર જાગે ને ભરે સંગિતને;
પ્રિયા “ધુફારી“ને મળે એવા સમયની વાત કર.
૨૩/૧૧/૨૦૦૫
Filed under: Poem |
Leave a Reply