“દાબેલીનો ફાઉન્ડર કોણ?”

“દાબેલીનો ફાઉન્ડર કોણ?”

         આજે દેશના કોઇ પણ ખુણે અને ભારત બહાર પણ તમને ફાસ્ટફૂડ રસિકોમાં માંડવીની સ્પેશિયલ દાબેલી અથવા અસલ કચ્છી દાબેલી નામ સાંભળવા મળશે.કોઇ અજાણ્યા પ્રદેશમાં ગયેલા સૌ ફાસ્ટફૂડ રસિકોના મ્હોંમાં પણ આ દાબેલીનું નામ સાંભળતાં પાણી આવવા લાગે છે,દાબેલી ક્યાં મળશે એ જાણવા અને માણવા જરૂર ઇચ્છશે.
    તમે જો દાબેલીના ચાહક હો તો કોઇપણ સ્થળે જાવ અને ફાસ્ટ ફૂડના ચાહકને અહીં દબેલી ક્યાં મળશે એમ પુછશો તો એ તમને જરૂર ગાઇડ કરશે.હું માંડવીનો રહેવાસી છું એટલે “દાબેલી” એ શબ્દ ક્યાં પણ વાંચુ અગર સાંભળુ છું તો,મારી માંડવીની આટલી નામના બદલ મને ગર્વ થાય છે.
                        માંડવીની દાબેલી કે અસલ કચ્છી શરૂ કઇ રીતે થઇ,એ વાતના મૂળમાં જશો તો લગભગ તમને એક જ જવાબ મળશે કે,મોહનભા બટાટાવાળાએ શરૂ કરી.દાબેલીના વેંચાણની જ્યાં થી શરૂઆત થઇ એ એરિયામાં રહેતાં મારા અંતરંગ મિત્રે પણ જ્યારે આ જ જવાબ આપ્યો ત્યારે થયું કે,અસલ દાબેલીનો અવિસ્કાર કરનાર કે,ફાઉન્ડરના નામથી પણ લોક અજાણ છે તો શરૂઆત ની અસલ દાબેલીનું રૂપ કેવું હતું એ પણ નહીં જાણતા હોય.આ બાબતનો લેખ મેં તૈયાર કરી એક જાણીતા સાપ્તાહિકને પણ મોકલાવેલ, પણ આ કહેવાતા પ્રતિષ્ઠીત સામયિકો નવોદિતો કે અનામીના લેખ છાપવાથી અચકાય છે.તેથી થયું કે આ જ વાત હું મારા બ્લોગમાં જ સમાવેશ કરી લઉ તો કેમ?
         આજની કહેવાતી દાબેલી બટાટાવાળી,મસાલાવાળા દાડિયાના દાણા વાળી કે મસાલાવાળા સિંગદાણાવાળી,મસાલાવાળા કેળાની જૈન,બટાટા સાથે જીણીસેવવાળી કે બટાટા સાથે ટૂટીફ્રૂટીવાળી કે સેકેલી દાબેલી વિગેરે વિગેરે વિવિધ જાતની વેરાઇટીમાં મળે છે.સૌ કોઇએ પોતાની આગવી ઓળખ ઊભી કરવા પોતાની સ્ટાઇલથી બનાવે છે ફકત નામ “દાબેલી” હોય છે જે અસલ દાબેલીથી અલગ જ હોય છે.
         જે મોહનભાનું નામ દાબેલીના ફાઉન્ડર તરિકે લેવાય છે તેમને હું ત્યારથી જાણું છું જ્યારે શરૂઆતમાં તેઓ મિશ્ર-ભુવનના(હાલ સુધી જે વિઠ્ઠલવાડી તરિકે ઓળખાતું હતું અને ભુકંપથી ધરાસાહી થયેલ હાલતમાં છે તે)જેના શ્રીલક્ષ્મીનારાયણ મંદિર સામે પડતા મુખ્ય દરવાજાની બન્ને
બાજુના બે ઓટલા (હજુ મોજુદ છે)તે બન્ને ઓટલા વચ્ચે સ્ટુલ મુકીને મોહનભા ખારી સિંગ અને ભૂતડા(છિલકાવાળી શેકેલી મગફળી) ઓટલા પર મુકેલી પેટ્રોમેક્ષના આજવાળે વેચતા. અમારી બેસતી મિત્રમંડળીને તેઓ દુહા,છંદ કે છપ્પા સંભળાવતા.
          સમય જતાં તેમણે હાથલારી શરૂ કરી. શ્રીલક્ષ્મીનારાયણ મંદિરની દિવાલને અડીને ખુણા પર તેઓ લારી ઊભી રાખી તેઓ ખાલી મસાલા વાળા બટાટા વેંચતા.એક કાગળના કટકા પર તેઓ મસાલાવાળા બટાટાના ચપ્પુથી ચાર કટકા કરતા તેના પર વધારામાં મસાલો અને લાલ મરચાની લસણવાળી ચટણી નાખીને આપતા અને લોકો હોશેં હોશેં ખાતા.
                   જૂના વખતમાં માંડવીના સાંજીપડી ચોકમાં ભાટિયા બિસ્ક્ટ ફેકટરી હતી.તેનો એક દરવાજો સાંજીપડીના ચોકમાં પડતો હતો જે સેલ્સ કાઉન્ટર હતો જ્યારે બીજો દરવાજો પઠાણ પાન વાળાની દુકાનને અડીને આવેલ ખૂણા પર સાંજીપડીથી બ્રહ્મક્ષત્રિયની રંગચુલી તરફના રસ્તે પડતો હતો જ્યાં બેકરી હતી (આ વિસ્તારથી વર્ણન લખવાનું હેતુ કચ્છના વાંચકમિત્રોને સમજાય તે માટે છે,કારણ કે વાત ઘણી જૂની છે અને આજે ભુકંપ બાદ માંડવીનો નક્શો જ બદલી ગયૉ છે.) એ બેકરીના સીંધી માલિક મી.રૂપનને આ મોહનભાના મસાલા વાળા બટેટા બહુ ભાવતા હતાં. દરરોજ સાંજે માણસ મોકલાવીને તેઓ મસાલાવાળા બટેટા મંગાવતા અને પોતાની બેકરીમાં જ બનતા બન્સ વચ્ચે કાપો મૂકી અને બે અડધિયા વચ્ચે મસાલાવાળો બટેટો મૂકી પછી એ બન્સને બે હથેળી વચ્ચે દબાવીને ખાતા.
    એક દિવસ તેમને વિચાર આવ્યો કે,આમ બન્સ વચ્ચે દબાવેલા બટેટા મને ભાવે છે તો લોકોને પણ જરૂર ભાવશે.આ વાત તેમણે મોહનભાને કરી પણ મોહનભા બન્સ રાખવા તૈયાર ન હતાં. મી.રૂપને કહ્યું કે તમે રાખી તો જુઓ જો બન્સ ન વેંચાય તો મને પાછા આપી જાજો અને આખર મોહનભા માની ગયા અને મી.રૂપનનો આ અવિસ્કાર સફળ થયો અને એ રીતે અસલ દાબેલીની શરૂઆત થઇ.  શરૂઆતની દાબેલી આ રીતે બનતી અને એ જ સ્વરૂપમાં વેંચાતી.
                  સમયના બદ્લાતા પ્રવાહ સાથે દાબેલીના સ્વરૂપ બદલાતા ગયા અને લોકો પોતાની સ્ટાઇલમાં ઢાળતા ગયા.મોહનભા જે વાપરતાં એ મસાલા જેવા મસાલાના વપરાસના લીધે માંડવીની દાબેલી તરિકે પ્રખ્યાત થઇ ગઇ પણ એના અસલ ફાઉન્ડર મી.રૂપનનું નામ અંધારામાં રહ્યું.