“ખબર તો ના હતી”

ખબર તો ના હતી

 

મારો પરિચય માંગશો એવી ખબર તો ના હતી;

જાણ્યાં છ્તાં પણ માંગશો એવી ખબર તો ના હતી.

 

આવા સવાલો ઉદભવે એવી ખબર પણ ક્યાં હતી?

ઉદભવી ઊભા રહે એવી ખબર તો ના હતી.

 

ઊભા કતારોમાં હશે એવી ખબર પણ ક્યાં હતી?

વણઝાર જેવી હારમાં એવી ખબર તો ના હતી.

 

ગમતા હશે દિલને બધા એવી ખબર પણ ક્યાં હતી?

કો અણગમો પેદા કરે એવી ખબર તો ના હતી.

 

ઉત્તર વગરના કેટલા એવી ખબર પણ ક્યાં હતી?

ઉત્તરધુફારીશું આપશે એવી ખબર તો ના હતી.

 

૨૦/૦૨/૨૦૦૪

“કોને ખબર?”

કોને ખબર?”

 

પવન વંટોળ ક્યારે થઇ જશે કોને ખબર?;

સાથમાં ક્યાં ક્યાં અને શું લઇ જશે કોને ખબર?

 

પાંદડાઓ રાસડા જે લઇ રહ્યા છે ગેલમાં;

ક્યાં લઇ પછડાવશે પથરાવશે કોને ખબર?

 

ધૂળની ડમરી તણાં પડદા મહીં અટવાઇને;

આંધળા જણ કેટલા એમાં થશે કોને ખબર?

 

વાદળા યુધ્ધે ચડે ને વીજના તણખા ઝરે;

ક્યાં વળી વરસાદ પણ વરસાવશે કોને ખબર?

 

દૂરના ઓરા થશે નજદીકના આઘા જશે;

છેધુફારીમધ્યમાં તો શું થશે કોને ખબર?

 

૨૮/૦૭/૨૦૦૩

 

“આંસુ”

આંસુ

 

બગાસુ આવતાં આવી ગયાતા આંખમાં આંસુ;

નથી ગમના કે ખુશીના છે અમસ્થા આંખના આંસુ.

 

સમયનું માન સાચવવા પ્રયત્નોથી નથી આવ્યા;

નજીવી વાત પર ઉભરી પડે છે આંખના આંસુ.

 

છે પસ્તાવો અમર ઝરણું થયો માનવ મહીં પાવન;

છતાં પણ લોક તો કહેતા મગરની આંખના આંસુ.

 

સદા છે છીપને આશા ફકત એક બુંદ વર્ષાની;

બને મોતી અમુલખ ગગનની આંખના આંસુ.

 

નથી નોંધપોથી શબ્દની કે કવિતાની;

ધુફારીને લાગે છે કલમની આંખની આંસુ.

 

૦૬/૦૭/૨૦૦૨

“નખરાળી”

નખરાળી

 

એલી ગરબે રમવા આવજે રે નખરાળી

પેલા ઢોલીના તાલે રમજે રે નખરાળી

પછી એકતાળી ત્રણતાળી ચારતાળી

દઇને રમજે રે નખરાળી

 

પેલા ચંદુડાની હાટે જાજે રે નખરાળી

પેલા ચંદુડાની ચુંદડી લાવજે રે નખરાળી

પછી એકતાળી ત્રણતાળી ચારતાળી

દઇને રમજે રે નખરાળી

 

પેલા બાબુડાની હાટે જાજે રે નખરાળી

પેલા બાબુડાની બંગડી લાવજે રે નખરાળી

પછી એકતાળી ત્રણતાળી ચારતાળી

દઇને રમજે રે નખરાળી

 

પેલા જેંતીડાની હાટે જાજે રે નખરાળી

પેલા જેંતીડાના ઝાંઝર લાવજે રે નખરાળી

પછી એકતાળી ત્રણતાળી ચારતાળી

દઇને રમજે રે નખરાળી

 

પેલા કેશલાની હાટે જાજે રે નખરાળી

પેલા કેશલાનું કંકુ લાવજે રે નખરાળી

પછી એકતાળી ત્રણતાળી ચારતાળી

દઇને રમજે રે નખરાળી

 

પેલા મામધાની હાટે જાજે રે નખરાળી

પેલા મામધાની મહેંદી લાવજે રે નખરાળી

પછી એકતાળી ત્રણતાળી ચારતાળી

દઇને રમજે રે નખરાળી

 

૨૯/૧૦/૨૦૦૧

“પચાવે છે”

પચાવે છે

 

ગમો ભેગા મળીને બંધનોથી કચકચાવે છે;

હ્રદયમાં એક પીડા વણકહી મોટી મચાવે છે.

 

કરવું કૌરવો સમ છે ને કરવું પાંડવો જેવા;

સદા નારદ બનીને મન મહાભારત રચાવે છે.

 

જવાની તો જતીતી પણ જીવન પર વેર વાળી ગઇ;

હવે ઘડપણ જીવનના મૂળ કેવા હચમચાવે છે.

 

નથી હોતા બધા માનવ કદી નર્તક સમાણા પણ;

પરિસ્થિતી છે નખરાળી સદા સૌને નચાવે છે.

 

જમાનાના બધા ઝેરો કદી ઘેરી વળે તો શું;

ધુફારીતો બધા ઝેરો હસી પી ને પચાવે છે.

 

૩૧/૧૨/૨૦૦૧