“અમે જીવ્યા“
(રાગઃ હ્રદયના શુધ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે…)
કહું કે ના કહું એવા વિચારોમાં અમે જીવ્યા;
જતી વણજાર લાંબીની કતારોમાં અમે જીવ્યા.
ગરીબોની ત્વચા ખેંચી મઢેલા ઢોલ પીટીને;
અજબ માહોલ સર્જીને ચમારોમાં અમે જીવ્યા.
ચડીને વ્યાસપીઠો પર ગજવતા‘તા સભા મોટી;
જણાતા‘તા જનો જ્ઞાની ગમારોમાં અમે જીવ્યા.
ન‘તા કરવા કશા કામો છતાં પણ રાખતા નામો;
સદા અટવાયેલા એવા તુમારોમાં અમે જીવ્યા.
કદી તો લાંચ રૂસવદિયા કદી તો ભ્રષ્ટ લોકોમાં;
કદી તો મોંઘવારીના બજારોમાં અમે જીવ્યા.
કદી વિસ્ફોટની વચ્ચે કદી ધરણી ઘણી ધ્રુજી;
કદી ઇન્સાનિયત કેરા હત્યારોમાં અમે જીવ્યા.
હતાં ઊભા ધરાતલ પર વિહરતા વ્યોમ માનીને;
ચમકતાં આગિયા માની સિતારોમાં અમે જીવ્યા.
લખાયું જે છપાયું તે છપાયું તે જ વંચાયું;
“ધુફારી“તો સદા માટે કટારોમાં અમે જીવ્યા.
૨૯/૦૩/૨૦૦૧
Filed under: Poem | 1 Comment »