“મુશ્કેલ છે”

મુશ્કેલ છે

 

માનવીના મન તણાં અંદાઝ બહુ મુશ્કેલ છે;

એકને જ્યાં અંત લાગે અન્યને મન પહેલ છે.

 

પ્રયત્નોના તાંતણે કઠપુતળી સમ નાચતો;

માનવી મજબુર છે કે વિધીના ખેલ છે.

 

કોયલાની ખાણમાંથી જિંદગીની છે સફર;

ડાઘ ના લાગે કશે પણ એટલું ના સહેલ છે.

 

ધન બહુ ખરચી કરીને ખૂબ પ્રાસાદો રચ્યા;

પ્રેમ કે સંતોષ ના હો મહેલ નહી પણ જેલ છે.

 

ભાગમાં આવી પડેલી જિંદગી જીવી ગયો;

બસધુફારીજે કહે પાસ બાકી ફેલ છે.

 

૩૦/૦૩/૨૦૦૧

“ગણેલી છે”

ગણેલી છે

 

ખુશહાલ જે પળ છે બધી વેઢે ગણેલી છે;

બાકી બધી ગમગીન તો દિલને હણેલી છે.

 

સેતુ બધા તૂટી ગયા ખંડેર ઊભા છે;

ચોપાસ બસ નજરે પડે ખીણો ખણેલી છે.

 

ક્યાં લાગણી પથરાયેલી પાપી જમાનાની;

બંધાયેલી છે હર દિશા જાળો વણેલી છે.

 

પાક્યા હતાં જે કણસલાં ચાડિયા પેટે ગયા;

બાકી રહેલા ઘાસની ભારી લણેલી છે.

 

જાવું હશે તો ક્યાં જવું અંધાર ઊંડા છે;

બારી નથી કે બારણાં ભીંતો ચણેલી છે.

 

ના શીખવો મુજને કશું બાઘો મને ધારી;

બુધ્ધીધુફારીની બધા શાસ્ત્રો ભણેલી છે.

 

૨૫/૦૩/૨૦૦૧

“ડરાવે છે”

ડરાવે છે

 

ગમોથી ના ડરો નાહક તમોને ડરાવે છે;

કરવાના ઘણાં કામો તમારાથી કરાવે છે.

 

રહી છે દુશ્મનાવટ એમની ઝાઝી ખૂશી સાથે;

પલકમાં દૂર હડસેલી તમોને રોવડાવે છે.

 

કદી  ઉન્માદથી ઇર્ષા થકી કે મોહમાયાથી;

સતાવા કાજ સાધન અનોખા આજમાવે છે.

 

ટ્કી શકતા નથી ક્યારે મનોબળ હો તમારામાં;

હસીને ઝુંઝનારાઓ હંમેશાથી હરાવએ છે.

 

ધુફારીને ઘણા ગમ જિંદગીમાં ભેટતા આવ્યા;

હસીને આવકારીને પછી પાછા વળાવે છે.

 

૧૯/૦૫/૨૦૦૦

“કાંચનું ઘર”

કાંચનું ઘર

 

કાંચના ઘરમાં રહું છું પણ રહું છું મોજથી;

કાંચ વીધી આવતા તાપો સહું છું મોજથી.

 

પ્રેમથી હો તરબતર કે ગમોથી દુજતી;

શાયરીને શાયરી સમજી કહુ છું મોજથી.

 

હાથમાં લીધી કલમ તો શબ્દને શું શોધવા;

ઉર થકી ઉભરાય બસ એને લહું છું મોજથી.

 

ના કશું છાનું કે છપનું છેધુફારીપાસ ક્યાં?

એટલે તો કાંચના ઘરમાં રહું છું મોજથી.

 

૦૫/૦૧૧/૨૦૦૦