“સુખિયા જીવ”(૩)
(ગતાંકથી ચાલુ)
શિવજીભાઇની વાત સાંભળી જયુએ મનમાં ગાંઠ વાળી લીધી.એણે એક પ્લાન બનાવ્યો જે મુજબ અર્ધામાં રહેઠાણ અને અર્ધામાં વર્કશોપ થઇ શકે એવી ડિઝાઇન તૈયાર કરી એક નવી લે-લેન્ડ ટ્રકન ચેસીસ લીધી અને વર્કશોપની સામે ઊભી રાખી દીધી ત્યારે પ્રાણભાઇ વર્કશોપના દરવાજા પાસે ખુરશી રાખી ચ્હા પી રહ્યા હતા,ગાડીની નવી ચેસીસ જોઇને જયુને પુછ્યું
“આ ચેસીસ…..?,ટ્રાન્સપોર્ટરે બોડી બાંધવાનો ઓર્ડર છે?”
“ના,આ આપણી જ ગાડી માટે છે”
“શું વર્કશોપ સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલુ કરવો છે?”
“ઓફિસમાં આવો વાત કરીએ”કહી જયુ ઓફિસમાં ગયો.
“હા…બોલ…!!!!”સામેની ખુરશીમાં બેસતાં પ્રાણભાઇ કહ્યું
જયુએ ટેબલના ખાનામાંથી પોતે બનાવેલ પ્લાન પ્રાણભાઇને બતાવ્યો.
“આવી ટ્રક બનાવીને તારે શું કરવું છે દિકરા?”
“આ ટ્ર્ક લઇ કચ્છ જવું છે”
“કચ્છ…?”
“હા કચ્છ”
“પણ તો આ વર્કશોપ…..?”
“તમે છો,રામ અવતાર છે,કાસમ છે સાથે મળીને….સંભાળજો”
“વાલજીભાઇને વાત કરી છે?”
“ના,કાકાને ખબર નથી,આ ટ્રક તૈયાર થઇ જાય ત્યાં સુધી તમે જાણ પણ નહીં કરતાં”
“પણ…?”
“ને હા આપણા સ્ટાફમાં પણ એટલું જ કહેજો કે પ્લાન મુજબ ઓર્ડરથી બનાવવાની છે કોની છે કોના માટે છે એની ચર્ચા નહી કરતા નહિતર વાત વહેતી થઇ જશે”
“ભલે પણ તોયે….?”
“તમને કહું છું,તમારી જાણ ખાતર કે હવે અહીં રહેવામાં મન નથી માનતું”
“હું તારા મનની હાલત સમજું છું દિકરા,ભલે જેવી તારી મરજી” કહી પ્રાણભાઇ પ્લાન લઇને બહાર ચાલ્યા ગયા.
બહાર આવીને પ્રાણભાઇએ રામ અવતાર અને કાસમને બોલાવી પ્લાન દેખડ્યો અને કહ્યું આ
પ્રમાણે બહાર ઊભી લેલેન્ડ પર બોડી બનાવવાની છે.બધા તરફના માપ મુજબ જોઇતા માલનો ઓર્ડર કેપીટલવાળાને આપી આવો અને વહેલી તકે બધો માલ વર્કશોપ પર મોકલાવી આપે.ગાડીની ચેસીસમાં બે ફૂટ જેટલો વધારો થસે એટલે ચાર એકસ્ટ્રા ટાયરનો ઓર્ડર વર્મા ટાયર્સમાં આપી આવજો
કહેજો સાફટિન્ગ સહીત મોકલાવે.કિંગ્સ મોટર વાળા પાસે એક નવી રાજદુત બુક કરાવજો.પટેલ ઇન્જીનીરિન્ગમાં એક જનરેટર પ્લાન મુજબ ઓર્ડર આપજો.ત્રિવેદી ટ્રેડીન્ગમાં ટેન્ટનો ઓર્ડર આપજો.
વર્કશોપનું કામ ખોટી ન થાય એ માટે પ્રાણભાઇ બોમ્બે બોડી બોલ્ડર્સના માલિક રાજુભાઇને મળ્યા અને પોતાનો પ્લાન સમજાવ્યો અને મદદ માટે માણસની વ્યવસ્થા કરવા કહ્યું.બીજા દિવસે ત્રણ માણસો આવીને પ્રાણભાઇને મળ્યા.ત્રણ માસ સુધી પ્રાણભાઇ ને રામ અવતારની દેખરેખ નીચે
પ્લાન મુજબ ગાડી તૈયાર થઇ ગઇ.ગાડીને કલર કરવા પહેલા અને જરૂરી સામાન મુકવા પહેલાં જયુ ને એક વખત જોઇ તપાસી લેવા કે સુધારા વધારા માટે કંઇ જરૂર હોય તો સુચવા કહ્યું.જયુએ ગાડી જોઇ લીધી અને બાકીનું કામ પુરૂ કરવા કહ્યું.
અઠવાડિયા પછી સંપૂર્ણ સગવડવાળું રહેણાક અને વર્કશોપ તૈયાર થઇ ગયું.બે દિવસ પછી કાકા કાકીને પગે લાગી,વર્કશોપનો ચાર્જ પ્રાણભાઇને સોંપી જયુએ ગાડીનું સ્ટીયરીન્ગ વ્હીલ પકડી કચ્છનો રસ્તો પકડ્યો.આવી ઊભો ક્ચ્છના પ્રવેશદાર સામખિયાળીમાં.
રસ્તામાં આવતાં ગામડાઓના રીપેરિન્ગનું કામ કરતાં કરતાં એ આખરે ભુજ આવ્યો,ત્યાંના આજુબાજુના ગામડાની વાડીઓના એન્જીન રીપેર કરતાં કરતાં તે માંડવી આવ્યો.ગાડી ગામ બહાર પાર્ક કરી મામા મામીને મળ્યો અને પ્રારંભથી અંત સુધીની બધી વિગત તેમને જણાવી.સાંજે મામા મામીને પોતાની ગાડી બતાવી.ચાર દિવસ મામાના ઘેર રહી ત્યાંથી તેણે ગઢશીશાનો રસ્તો પકડ્યો.એક વણાંક ઉપર જોયું કે,એક યુવતી ઘડી ઘડી પાછળ ફરી જોતી દોડતી આવતી હતી.ગાડીથી થોડિક દૂર રહી ત્યારે તેણી લથડિયું ખાઇને રોડની એક બાજુ પડી ત્યાં એક પથ્થર સાથે માથું અફળાતા માથામાં ઘા લાગ્યો ને બેહોશ થઇ ગઇ.જયુએ ગાડીના ટોપ ઉપર ચડી આજુબાજુ નજર કરી પણ દૂર દૂર સુધી કોઇ દેખાયું નહી.જયુ ઠેકડો મારી નીચે આવ્યો.ગજવામાંથી રૂમાલ કાઢી યુવતીના માથા પર બાંધ્યો અને ઉચકીને ગાડીમાં
લઇ આવ્યો પોતાના પલંગ ઉપર સુવડાવીને સ્ટીયરીન્ગ સંભાળ્યું અને ગઢશીશા લઇ આવ્યો.
તેણીને ઉચકીને દવાખાને લઇ આવ્યો ત્યારે એક ડોઢડાહ્યાએ કહ્યું આ તો પોલીસકેસ છે એટલે પોલીસ બોલાવવામાં આવી જયુનું સ્ટેટ્મેન્ટ લીધું ત્યાં સુધીમાં યુવતીને ભાન આવી જતાં પોલીસે યુવતીને પુછ્યુ શું થયું હતું.
તેણીએ કહ્યું કે મારૂં નામ પુનમ છે અને તે એક અનાથ છે પણ પુનબાઇમાના આશરે રહે છે.ગામના એક ખેતરમાં રખેવાળી ને વૈયા(ચણવા આવનાર પક્ષી)ઉડાળવાનું કામ કરે છે.આજે આ જ ગામના શાહુકારનો દિકરો જગલો અને તેના બે સાથીદારો છગલો હજામ અને પુનશી દરજીએ તેણીને એકલી જાણીને જકડી.એ રાક્ષસો પાસે છટકીને ભાગતી હતી,રસ્તામાં વૈયા ઉડાડવાની ગોફણથી સારા એવા પથ્થર માર્યા હતા તોય ત્રણે પાછળને પાછળ હતા.લાજ બચાવવા ભાગતી હતી.વચ્ચે ઠેસ વાગી ને પડી ગઇ એ પછી શું થયું ખબર નથી.જયુ અને પુનમને પોલીસવેનમાં બેસાડી ગયા ગામમાં.છગલા અને પુનશીને શોધીને બેડી પહેરાવી અને શાહુકારના દિકરાને શકના આધારે સાથે લઇ ગયા.
યુવતી પુનબાઇમાના ઘેર ગઇ સાથે જયુને પણ લઇ ગઇ.ડેલીબંધ મકાનના આંગણામાં જયુ માટે ખાટલો ઢાળી આપ્યો,તેના ઉપર બગલાની પાંખ જેવી સફેદ ગોદડી પાથરી આપી અને પાણીનો લોટો આપ્યો.
ખાંડેલી બાજરા અને મગની ખીચડી રંધાણી ને ભેંસના દુધની જાડી છાસ અને ભેંસનું ઘી મેળવીને મહેમાનગતિ કરી,ખીચડી સાથે બાજરાનો રોટલો અને લસણની લાલ ચટણી આવી.જયુએ તે દિવસે આ બધું જોઇ ખુશ થઇને ભરપેટ ખાધા પછી લિબડાની છાયામાં ખાટલો ખેંચી સુઇ ગયો.એક દિવસ,બે દિવસ ત્રીજા દિવસે રજા લેતો હતો ત્યારે ગામના પોલીસે આવી કહ્યું ગામ મુકીને જતાં નહી જ્યાં સુધી કેસનો ફેસલો આવે નહીં.આમ પણ જયુને ક્યાં કશે જવાની ઉતાવડ હતી? એટલે તેણે ગામના સિમાડે વર્કશોપ શરૂ કરી.જેમ જેમ માણસોને ખબર પડ્તી ગઇ કામ મળતું ગયું.
ત્રણ માસ જેવો સમય પસાર થઇ ગયો.ત્રણ માસે કેસનો ફેંસલો આવી ગયો ને ત્રણેને નાખ્યા જેલમાં.માંડવીની કોર્ટમાં કેસ ચાલતો હતો એટલે જયુ પોતાની વેનના પાછળ મુકેલી અને અત્યાર સુધી જેને ઉતારવાનો વારો ન્હોતો આવ્યો એ રાજ્દુત પર પુનમને લઇને બે ત્રણ વખત માંડ્વીના ચક્કર મારી આવ્યો હતો.જયુને આ ભોળી ભાળી અને સરળ સ્વભાવની પુનમ મનમાં વસી ગઇ.ગઢથી રજા લેવા જયુ પાનબાઇમા ને ઠાકર મંદિરમાં મળ્યો ને મનની વાત કહી.
“મા તમે રજા આપો તો તમારા કળજાના કટકાને પરણી જાઉં”
“ભાઇ તું શહેરનો ભણેલો ગણેલો જુવાન ને આ ગામડાની ભુત”
“તમારા હિસાબે ભલે ભુત લાગતી હોય પણ મને ગમે છે”
“પછી…?”
“પછી પાછીપાની નહીં કરૂં બસ એ આ કાળીઆ ઠાકરની સામે કહું છું એ વચન યાદ રાખજો”
એ જ રાતના ટેલિફોન ખખડયા અને બે દિવસે કાકા અને કાકી કપડાં દાગિના લઇને માંડવી આવ્યા અને જયુના મામા મામીને વાત કરી.સૌ પ્રેમથી ગઢશીશા આવ્યા અને જયુને પ્રેમથી પરણાવ્યો.જ્યારે પરણીને મામા મામીને પગે લાગ્યા અને કાકા કાકીને પગે લાગી ને ઊભો થતાં જયુ એ કાકાને કહ્યું
“કાકા આ તમારી સાચી પુત્રવધુ”
“હા બાપ આ જ મારી સાચી પુત્રવધુ”કહી પુનમને જોઇ હરખાતા કાકાએ ભીની આંખ લુછી.
“આને લઇને મુંબઇ ચાલીશને?”કાકીએ પુનમને બાથમાં લેતાં જયુને પુછ્યું
“ના હવે તો કચ્છડો વ્હાલો વતન”
“તો તારી મરજી,પણ ચાર છ મહિને મ્હોં દેખાડવા મુંબઇ આવતો રહેજે”
“માંડવી તો બાજુમાં છે મામાને ઘેર પણ આવજે”મામીએ કહ્યું
પાનબાઇમાની રજા લેવા જયુના કાકા કાકી અને મામા મામી ગયા ત્યારે પાનબાઇમાના આંખમાં આભારના આંસુ ઉભરાયા અને હાથ જોડીને કહ્યુ
“તમે શહેરના મોટા માણસોએ એક અનાથને એનું પોતાનું ઘર માંડી આપ્યું.પુનીના તો ભાગ્ય ખુલી ગયા.તમે પૈસેથી નહી મનથી પણ મોટા છો.કાળીઓ ઠાકર તમને આ પુણ્યનો ફળ આપે.”
મામા મામી માંડવી અને કાકા કાકી મુંબઇ ગયા અને જયુ પોતાની વેન લઇને લખપત બાજુ રવાનો થયો.સાંજ ઉતરવામાં આવી હતી ત્યારે એક ગામડા પાસેના નદી કિનારે ગાડી ઉભી રાખી.ગાડીના પાછળથી રાજદુત ઉતાર્યો ને સાથે લીધું એક બોગરણું અને પતિ-પત્નિ ગયા ગામમાં ખપ પુરતો સામાન એક હાટ પરથી લીધુ અને એક માલધારીને ત્યાંથી દુધ.ગાડી પાસે આવી રાજદુત ટોપ ઠેકાણે મુકી, તંબુ ઉતાર્યો અને ઘર માંડ્યું.સાથે લાવેલા સ્ટવ ઉપર ખીચડી બનાવીને એકજ થાળીમાં દુધ ભેળવીને ખાધી.નદીની રેતી ઉપર ચોફાર પાથરી ગોદડું પાથરીને પુનમ બેઠી હતી તેણીના ગોઠણ પર માથું રાખી જયુ સુતો છે.એ ક્યારેક પુનમના ચહેરા સામે તો કયારે આભમાંના ચંદ્રને જોય છે તો પુનમની આંગળીઓ જયુના વાળમાં ફરે છે અને……”
“પરભુભાઇ ઉતરવું નથી?”બસમાંથી ઉતરતા મરિયમે કહ્યું ત્યારે વિચારમાંથી બહાર આવ્યો અને ધૂળ ડમરી ઉડાડતી બસ ચાલી ગઇ ત્યારે ડમરીની જમણી બાજુ પેલા સથવારાનો જોડલો અને ડાબી બાજુ જયુ અને પુનમનો જોડલો બેઠા હોવાનો આભાસ ક્ષણિક થયો.બન્ને સુખી જીવડા પોતાની રીતે પોતામાં મસ્ત હતા.
સંપૂર્ણ.
Filed under: Stories |
Leave a Reply