“સુખિયા જીવ”(૧)

“સુખિયા જીવ”(૧)

    આજે ખરા બપોરે હું હોસ્પિટલવાળા બસસ્ટેન્ડ પાસે ગઢશીશાથી ભુજ જનારી બસની રાહ જોતો  ઊભો હતો.મેં મારી કાડાં ઘડિયાળમાં જોયું.હજુ પા કલાક રાહ જોવી પડશે.આવા સમયે માણસ શું કરે એટલે મેં ખિસ્સુ ફંફોસીયું અને પાકિટ કાઢી એક સિગારેટ સળગાવી સળગતી કાંડી પહેલી આંગળી અને અંગુઠામાં પક્ડી દૂર ઉછાળી ને હોઠની સિગારેટ પકડી ધુમાડાનો ગોટો છોડ્યો.બીજો ઊંડો કસ ખેંચતા આમતેમ નજર દોડવી.થોડી દૂર નજર કરી ત્યાં ચાર સેંથા ખોડી તે ઉપર આડીઓ મુકી બનેલ માંડવા ઉપર ગોદડીઓ નાખી એક ઘર માંડી એક સથવારાનો જોડલો આરામ કરતું હતું. ધણીએ તેની ઘરવાળીના ગોઠણ પર માથું રાખી લંબાવ્યું હતું જ્યારે તેણી ધણીના માથાના વાળ આગળ પાછળ કરી જૂ શોધી રહી હતી.
      એક બાજુ ત્રણ પથ્થરથી બનાવેલ ચુલ્હા પર એક હાંડલું પડ્યું હતું જે ઉધી તાવડી મૂકી ઢાંકેલું હતું, તો બીજી બાજુ એક મોટા પથ્થર પર પાણીનું માટલું પડ્યું હતું જેના ઉપર એક થાળી ઢાંકી ગ્લાસ મુકેલો હતો.તેની બાજુમાં પડેલા ખાટલા પર ચાર ગોદડાનું ફીડલું પડ્યું હતું.આ બધું જોઇને એક ફિલસુફનું કથન યાદ આવી ગયું કે,”સુખે સંસારમાં એક જ નર કુંભાર,ચિન્તા બાંધી ચાકડે ધન એનો અવતાર” તે આમ જ આરામથી સૂતા હશે.આ તો અભણ માણસ પણ જો ભણેલો કોઇ આરામથી રહે તો કેવી રીતે રહે એ વિચાર આગળ ચાલે એ પહેલા બસ આવી ગઇ.હું બસમાં પગ મુકુ ત્યાં તો બસમાં બેઠેલ મરિયમનો આવાજ આવ્યો
“કેમ છો પરભુભાઇ? આજે અહીં?”
“ઓલા રમેશને મળવા આવ્યો હતો”કહી તેણી જમણી તરફ્ની હરોળમાં બેઠી હતી તો ડાબી બાજુની હરોળમાં ખાલી સીટમાં હું બેઠો મારી પાસે  આવેલ કંડકટરે મને પુછ્યું
“કયાં ભુજ?” મેં કહ્યું
“ના શિવકૃપા નગર”
કંડકટરે ટક ટક પંચ કરી ટીકિટ પકડવી એટલે મેં તેને પચાસની નોટ પકડાવી પછી મરિયમને પુછ્યું
“તું ક્યાં માવતરે ગઇ હતી?”
“હા મારા કાકાના છોકરાના નિકાહ હતાં”
“હં….”
“ઓલ્યો તમારો દોસ્ત જયપરકાશ મળેલો રસ્તામાં જ્યારે અમે હાજીપીરવલીની સલામે ગયેલા”        
કંડકટરે આપેલ પૈસા ઉપરના ખીસ્સે નાખી મેં પુછ્યું
“છે તો મજામાં ને?”
“હો એકદમ,એની ઘરવાળી પુનમ પણ સાથે હતી”
મેં માથું સીટ પીઠ ઉપર ટેકવ્યું અને આંખો મીંચી.પેલા જોડલાનો વિચાર કરતો હતો.બસ માંડવીના સ્ટેશને આવીને ઊભી.ત્યાંથી પેસેન્જર લઇને પાછી રવાની થઇ કોડાયપુલ પાસે સારા એવા પેસેન્જર હતાં તેમને લેવા માટે બસ ઊભી રહી.મેં સામે નજર કરી તો એક મેકેનિક સ્કૂટર રીપેર કરી રહ્યો હતો.એ જોઇને મને જયુ યાદ આવી ગયો જેની વાત મારી માએ જન્મથી મુંબઇ મુક્યા સુધીની પોતે જોયેલી અને તેના મામા પાસેથી સાંભળેલી વિગતવાર કરેલી તેથી તેનો વિચાર આગળ ચાલ્યો.
     કરશન અમારા ફળિયામાં રહેતા કલ્યાણજીભાઇનો જમાઇ થાય.ચાર વરસ લગ્નને થયા પણ તેમને ઘેર પારણું ન બંધાણું.ઘણી બાધા માનતાઓ કરી કરીને આખર કરશનના માતુશ્રી રેવામા પૌત્રનું મોઢું જોવાની આશામાં ને આશામાં સ્વર્ગવાસી થઇ ગયા.મુંબઇથી આવેલ દિકરા વિરજી તથા પુત્રવધુ ગોદાવરી અંતિમક્રિયા સુધી રોકાઇને માની અંતિમ ઇચ્છા પુરી ન થયાનો અફસોસ મનમાં ભરી પાછા મુંબઇ ગયા.
      રેવામાના અવસાન બાદ કરશનના ઘરવાળા જમનાબાને ગર્ભ રહ્યો.સુવાવડ માટે જુના રિવાજ મુજબ જમનાબા માવતરે આવ્યા અને પુરા સમય પછી પુત્રને જન્મ આપ્યો.આ આનંદના સમાચાર મળતાં કાકા કાકી ભાઇને વધામણી આપવા મુંબઇથી માંડવી આવ્યા.જમનાબાને જેટલો હર્ષ પુત્રના જન્મથી થયો તેથી વધારે વિસાદ રેવામાના અંતિમ સમયના જોયેલા અફસોસની યાદ આવતાં થતો હતો કે આજે એ હયાત હોત તો કેટલા ખુશી થાત કે તેમનો કુળદિપક આવ્યો એ જોઇને વારી વારી જાત.નાનીમાએ કૃપાશંકર ગોરને બોલાવી ને કુંડલી બનાવડાવી તો કહ્યું મકર રાશી આવે છે એટલે એનું નામ ખ અથવા જ અક્ષર પરથી પાડવું એટલે જુનવાણી નાનીમાએ બન્ને અક્ષરો ને પકડીને નામ પડાવ્યું જખરો.
      જખરાએ કુળમાં પ્રકાશ તો પાથર્યો પણ બાર દિવસના બાળકની મા બાથરૂમમાં બેઠી હતી. ઊભી થવા જતાં પગ લપસ્યો અને માથાભેર બાથરૂમના ઉંબરા પર પડી.માથામાં એવી જાતનો માર લાગ્યો કે કોઇ સમજે કે શું થયું તે પહેલાં તો બે ડચકાં ખાઇને સાસુમા પાછળ તેણીએ પણ સ્વર્ગનો મારગ પકડી લીધો કેમ જાણે બાળકના અવતરણ માટે જ રોકાઇ હોય.ભાભીના અંતીમક્રિયા સુધી રોકાયેલા જખરાના કાકા કાકી જેટલા હર્ષથી આવ્યા હતાં એથી અનેક ઘણો વિસાદ હ્રદયમાં ભરીને પાછા મુંબઇ ગયા.
            મા મરી ગઇ છે અને બાળક રડે છે.નામકરણ માટે આવેલી જખરાની વિધવા ફઇ અનસુયાએ બાળક તરફ જોયું.મુંડાવ્યા પછી ઉગેલા ટૂંકા વાળ,સફેદ લાંબીબાયનો કમર સુધી લાંબો બ્લાઉસ,સફેદ સાડી,ગળામાં રૂદ્રાક્ષની માળા, કપાળે ગોપી ચંદનનો ચાંદલો, ગૌર વદનમાં સદા કરૂણા નીતરતી આંખો,જુઓ તો સાક્ષાત સત્યની મૂર્તિ.સવાર સાંજ બે વખત જબલેશ્વર મહાદેવના દર્શને જવાનો અતૂટ નિયમ અને લગભગ ભોળાનાથના સ્મરણમાં સમય વ્યતીત કરતી એવી ફઇએ બાળકને ખોળામાં લઇને શાંત કરવાનો પ્રયત્ન કરતી હતી.બાળક તેણીની છાતીમાં હાથ મારવા લાગ્યો.તેણી ના મનમાં શું સ્ફુર્ણા થઇ ભોળાનાથનું સ્મરણ કરી સાડીનો પાલવ ઊંચો કરીને જખરાને છાતીએ વળગાડ્યો તો જાણે ભોળાનાથે તેની અંતરની કામના સાંભળી હોય તેમ દુધની ગંગા પ્રકટી.સૌને એ વાતનું આશ્ચર્ય થયું કે નિઃસંતાન પરણી ને તરત વિધવા થયેલ એવી કુંવારી કાયાવાળી અનસુયાની છાતીમાં દુધ આવે કઇ રીતે? પણ જે હતું એ હકિકત હતી.તેણીએ જખરાને બે વરસ સુધી પોતાના ઘેર સાચવ્યો પણ મા ખોયેલા બાળકના નશીબમાં ફઇનું સુખ પણ જાજુ ન્હોતું લખાયેલું.
     એક દિવસ અનસુયા હંમેશના નિયમ મુજબ સાસુમાને જખરો સોંપી ગામના છેવાડે ઝાડીઓ વચ્ચે આવેલ જબલેશ્વર મહાદેવના મંદિરના સંધ્યા દર્શન કરીને પાછી ફરતી હતી ત્યારે હડકાઇ લોંકડી કરડી અને તેણીને હોસ્પિટલમાં લઇ જાય તે પહેલાં તેણીએ પણ મા અને ભાભી પાછળ ભોળાનાથના ધામનો રસ્તો પકડ્યો.ખબર પડી એટલે સૌથી પહેલાં મામા મામી અનસુયાના ઘેર આવ્યા અને બાળકનો હવાલો સંભાળ્યો.ફરી કાકા કાકી બહેનના મૃત્યુના સમાચાર જાણીને માંડવી આવ્યા.અંતિમક્રિયા બાદ જ્યારે મુંબઇ જતાં હતાં ત્યારે જખરાને મુંબઇ લઇ જવાની વાત કરી તો કરશને કહ્યું આનું મોઢું જોઇ તો જીવું છું ભલે રહ્યો મામાને ઘેર.જખરાના કાકા કાકી પાછા મુંબઇ ગયા.   
               કરશન તો પત્નિના વિયોગમાં આખો દિવસ બસ ગુમસુમ બેસીને બીડીઓ ફૂક્યા કર્તો હતો.જેમાં બહેનના અવસાનના આઘાતમાં તે તદન ભાંગી પડ્યો અને ખાટલો પક્ડી લીધો અને આખર સતત આવતી ઉધરસથી દિવસા દિવસ શરીર કંતાઇને હાડપિંજર થઇ ગયું. જખરો પાંચ વરસનો થયો ત્યાં સુધીમાં ઘરની મુડી ને કરશનનું શરીર બન્ને ખલાસ થઇ ગયા. મુંબઇથી જખરાના કાકા કાકી.બરફ્ની પાટ પર સાંચવેલા ભાઇના શબની ઉતરક્રિયા કરીને (કરશનના ઘરમાં આ ચોથો બનાવ હતો)જખરાને સાથે લઇ ગયા.
       સત્ર ખુલતાં સ્કૂલમાં નામ નોંધાવ્યું જયપ્રકાશ કરશન.જરાક સમજણો થયો ત્યારે કાકા સાથે સ્કૂલના હોમવર્ક માટે પેન,બોલપેન,કંપાસ બોક્ષ વગેરે લેવા ગયેલો.ઘેર આવતાં રસ્તામાં પડતા તેમના મિત્ર વીરજી લાલજીના કારખાનામાં તેમને મળવા ગયા.કાકા તેના મિત્ર સાથે વાતે ચડ્યા હતાં ત્યારે જયપ્રકાશ સુથારો કેમ કામ કરે છે એ જોતો હતો.ઘેર જવાનું થયું ત્યારે જયપ્રકાશે વીરજીભાઇને પુછ્યું
“હું અહીં કામ શીખવા આવું?
“દિકરા તું શિખવા આવીશ ભણશે કોણ?”
“લેશન કરીને રમવા જવાના બદલે અહીં આવું તો?”
“તો વાંધો નહીં”
      બે દિવસ પછી જયપ્રકાશ કામે લાગી ગયો.શરૂઆતમાં તો લાવ ઉપાડમાં મદદ કરતો અને જ્યારે બાકીના સમયમાં લાકડું છોલવામાં કરતો અને પછી તો પોતાની રીતે લાકડું  છોલતા શીખી ગયો.આગળ જતાં ફર્નિચર બનાવવા લાગ્યો.સાંગાડા ઉપર ખાટલાના પાઇયા, ધોડિયા, ડાંડિયા,કઠોળા,ભમરડા ઉતારતા શિખ્યો.તેણે ચડવેલા રંગો પણ આકર્ષક હ્તાં.                                                                                                                                      વિરજી લાલજી પોતે પણ એક એક્ષપર્ટ કારિગર હતો.માધુ મોચી પાસેથી વધેલા ક્રેપશોલના કટકાના  ઝીણા ઝીણા કટકા કરી પેટ્રોલમાં પલાળી તેમાંથી બનેલ સોલ્યુશનથી લાકડા સાંધીને મજબુત ફર્નિચર  બનાવતો જે વીરા પેટટન્ટ તરિકે ઓળખતું જેની માંગી કિમત મળતી.વિરજી લાલજીના હાથ નીચે ટ્રેઇન થયેલ જયપ્રકાશ પણ એક સારો કારિગર થયો.દિવસ ગુજરતા ગયા અને તે મેટ્રીકમાં આવ્યો ત્યારે કાકાએ એક દિવસ પુછ્યું
“મેટ્રીક પછી શું કરીશ?” (ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: