Posted on December 7, 2008 by dhufari
“સુખિયા જીવ”(૩)
(ગતાંકથી ચાલુ)
શિવજીભાઇની વાત સાંભળી જયુએ મનમાં ગાંઠ વાળી લીધી.એણે એક પ્લાન બનાવ્યો જે મુજબ અર્ધામાં રહેઠાણ અને અર્ધામાં વર્કશોપ થઇ શકે એવી ડિઝાઇન તૈયાર કરી એક નવી લે-લેન્ડ ટ્રકન ચેસીસ લીધી અને વર્કશોપની સામે ઊભી રાખી દીધી ત્યારે પ્રાણભાઇ વર્કશોપના દરવાજા પાસે ખુરશી રાખી ચ્હા પી રહ્યા હતા,ગાડીની નવી ચેસીસ જોઇને જયુને પુછ્યું
“આ ચેસીસ…..?,ટ્રાન્સપોર્ટરે બોડી બાંધવાનો ઓર્ડર છે?”
“ના,આ આપણી જ ગાડી માટે છે”
“શું વર્કશોપ સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલુ કરવો છે?”
“ઓફિસમાં આવો વાત કરીએ”કહી જયુ ઓફિસમાં ગયો.
“હા…બોલ…!!!!”સામેની ખુરશીમાં બેસતાં પ્રાણભાઇ કહ્યું
જયુએ ટેબલના ખાનામાંથી પોતે બનાવેલ પ્લાન પ્રાણભાઇને બતાવ્યો.
“આવી ટ્રક બનાવીને તારે શું કરવું છે દિકરા?”
“આ ટ્ર્ક લઇ કચ્છ જવું છે”
“કચ્છ…?”
“હા કચ્છ”
“પણ તો આ વર્કશોપ…..?”
“તમે છો,રામ અવતાર છે,કાસમ છે સાથે મળીને….સંભાળજો”
“વાલજીભાઇને વાત કરી છે?”
“ના,કાકાને ખબર નથી,આ ટ્રક તૈયાર થઇ જાય ત્યાં સુધી તમે જાણ પણ નહીં કરતાં”
“પણ…?”
“ને હા આપણા સ્ટાફમાં પણ એટલું જ કહેજો કે પ્લાન મુજબ ઓર્ડરથી બનાવવાની છે કોની છે કોના માટે છે એની ચર્ચા નહી કરતા નહિતર વાત વહેતી થઇ જશે”
“ભલે પણ તોયે….?”
“તમને કહું છું,તમારી જાણ ખાતર કે હવે અહીં રહેવામાં મન નથી માનતું”
“હું તારા મનની હાલત સમજું છું દિકરા,ભલે જેવી તારી મરજી” કહી પ્રાણભાઇ પ્લાન લઇને બહાર ચાલ્યા ગયા.
બહાર આવીને પ્રાણભાઇએ રામ અવતાર અને કાસમને બોલાવી પ્લાન દેખડ્યો અને કહ્યું આ
પ્રમાણે બહાર ઊભી લેલેન્ડ પર બોડી બનાવવાની છે.બધા તરફના માપ મુજબ જોઇતા માલનો ઓર્ડર કેપીટલવાળાને આપી આવો અને વહેલી તકે બધો માલ વર્કશોપ પર મોકલાવી આપે.ગાડીની ચેસીસમાં બે ફૂટ જેટલો વધારો થસે એટલે ચાર એકસ્ટ્રા ટાયરનો ઓર્ડર વર્મા ટાયર્સમાં આપી આવજો
કહેજો સાફટિન્ગ સહીત મોકલાવે.કિંગ્સ મોટર વાળા પાસે એક નવી રાજદુત બુક કરાવજો.પટેલ ઇન્જીનીરિન્ગમાં એક જનરેટર પ્લાન મુજબ ઓર્ડર આપજો.ત્રિવેદી ટ્રેડીન્ગમાં ટેન્ટનો ઓર્ડર આપજો.
વર્કશોપનું કામ ખોટી ન થાય એ માટે પ્રાણભાઇ બોમ્બે બોડી બોલ્ડર્સના માલિક રાજુભાઇને મળ્યા અને પોતાનો પ્લાન સમજાવ્યો અને મદદ માટે માણસની વ્યવસ્થા કરવા કહ્યું.બીજા દિવસે ત્રણ માણસો આવીને પ્રાણભાઇને મળ્યા.ત્રણ માસ સુધી પ્રાણભાઇ ને રામ અવતારની દેખરેખ નીચે
પ્લાન મુજબ ગાડી તૈયાર થઇ ગઇ.ગાડીને કલર કરવા પહેલા અને જરૂરી સામાન મુકવા પહેલાં જયુ ને એક વખત જોઇ તપાસી લેવા કે સુધારા વધારા માટે કંઇ જરૂર હોય તો સુચવા કહ્યું.જયુએ ગાડી જોઇ લીધી અને બાકીનું કામ પુરૂ કરવા કહ્યું.
અઠવાડિયા પછી સંપૂર્ણ સગવડવાળું રહેણાક અને વર્કશોપ તૈયાર થઇ ગયું.બે દિવસ પછી કાકા કાકીને પગે લાગી,વર્કશોપનો ચાર્જ પ્રાણભાઇને સોંપી જયુએ ગાડીનું સ્ટીયરીન્ગ વ્હીલ પકડી કચ્છનો રસ્તો પકડ્યો.આવી ઊભો ક્ચ્છના પ્રવેશદાર સામખિયાળીમાં.
રસ્તામાં આવતાં ગામડાઓના રીપેરિન્ગનું કામ કરતાં કરતાં એ આખરે ભુજ આવ્યો,ત્યાંના આજુબાજુના ગામડાની વાડીઓના એન્જીન રીપેર કરતાં કરતાં તે માંડવી આવ્યો.ગાડી ગામ બહાર પાર્ક કરી મામા મામીને મળ્યો અને પ્રારંભથી અંત સુધીની બધી વિગત તેમને જણાવી.સાંજે મામા મામીને પોતાની ગાડી બતાવી.ચાર દિવસ મામાના ઘેર રહી ત્યાંથી તેણે ગઢશીશાનો રસ્તો પકડ્યો.એક વણાંક ઉપર જોયું કે,એક યુવતી ઘડી ઘડી પાછળ ફરી જોતી દોડતી આવતી હતી.ગાડીથી થોડિક દૂર રહી ત્યારે તેણી લથડિયું ખાઇને રોડની એક બાજુ પડી ત્યાં એક પથ્થર સાથે માથું અફળાતા માથામાં ઘા લાગ્યો ને બેહોશ થઇ ગઇ.જયુએ ગાડીના ટોપ ઉપર ચડી આજુબાજુ નજર કરી પણ દૂર દૂર સુધી કોઇ દેખાયું નહી.જયુ ઠેકડો મારી નીચે આવ્યો.ગજવામાંથી રૂમાલ કાઢી યુવતીના માથા પર બાંધ્યો અને ઉચકીને ગાડીમાં
લઇ આવ્યો પોતાના પલંગ ઉપર સુવડાવીને સ્ટીયરીન્ગ સંભાળ્યું અને ગઢશીશા લઇ આવ્યો.
તેણીને ઉચકીને દવાખાને લઇ આવ્યો ત્યારે એક ડોઢડાહ્યાએ કહ્યું આ તો પોલીસકેસ છે એટલે પોલીસ બોલાવવામાં આવી જયુનું સ્ટેટ્મેન્ટ લીધું ત્યાં સુધીમાં યુવતીને ભાન આવી જતાં પોલીસે યુવતીને પુછ્યુ શું થયું હતું.
તેણીએ કહ્યું કે મારૂં નામ પુનમ છે અને તે એક અનાથ છે પણ પુનબાઇમાના આશરે રહે છે.ગામના એક ખેતરમાં રખેવાળી ને વૈયા(ચણવા આવનાર પક્ષી)ઉડાળવાનું કામ કરે છે.આજે આ જ ગામના શાહુકારનો દિકરો જગલો અને તેના બે સાથીદારો છગલો હજામ અને પુનશી દરજીએ તેણીને એકલી જાણીને જકડી.એ રાક્ષસો પાસે છટકીને ભાગતી હતી,રસ્તામાં વૈયા ઉડાડવાની ગોફણથી સારા એવા પથ્થર માર્યા હતા તોય ત્રણે પાછળને પાછળ હતા.લાજ બચાવવા ભાગતી હતી.વચ્ચે ઠેસ વાગી ને પડી ગઇ એ પછી શું થયું ખબર નથી.જયુ અને પુનમને પોલીસવેનમાં બેસાડી ગયા ગામમાં.છગલા અને પુનશીને શોધીને બેડી પહેરાવી અને શાહુકારના દિકરાને શકના આધારે સાથે લઇ ગયા.
યુવતી પુનબાઇમાના ઘેર ગઇ સાથે જયુને પણ લઇ ગઇ.ડેલીબંધ મકાનના આંગણામાં જયુ માટે ખાટલો ઢાળી આપ્યો,તેના ઉપર બગલાની પાંખ જેવી સફેદ ગોદડી પાથરી આપી અને પાણીનો લોટો આપ્યો.
ખાંડેલી બાજરા અને મગની ખીચડી રંધાણી ને ભેંસના દુધની જાડી છાસ અને ભેંસનું ઘી મેળવીને મહેમાનગતિ કરી,ખીચડી સાથે બાજરાનો રોટલો અને લસણની લાલ ચટણી આવી.જયુએ તે દિવસે આ બધું જોઇ ખુશ થઇને ભરપેટ ખાધા પછી લિબડાની છાયામાં ખાટલો ખેંચી સુઇ ગયો.એક દિવસ,બે દિવસ ત્રીજા દિવસે રજા લેતો હતો ત્યારે ગામના પોલીસે આવી કહ્યું ગામ મુકીને જતાં નહી જ્યાં સુધી કેસનો ફેસલો આવે નહીં.આમ પણ જયુને ક્યાં કશે જવાની ઉતાવડ હતી? એટલે તેણે ગામના સિમાડે વર્કશોપ શરૂ કરી.જેમ જેમ માણસોને ખબર પડ્તી ગઇ કામ મળતું ગયું.
ત્રણ માસ જેવો સમય પસાર થઇ ગયો.ત્રણ માસે કેસનો ફેંસલો આવી ગયો ને ત્રણેને નાખ્યા જેલમાં.માંડવીની કોર્ટમાં કેસ ચાલતો હતો એટલે જયુ પોતાની વેનના પાછળ મુકેલી અને અત્યાર સુધી જેને ઉતારવાનો વારો ન્હોતો આવ્યો એ રાજ્દુત પર પુનમને લઇને બે ત્રણ વખત માંડ્વીના ચક્કર મારી આવ્યો હતો.જયુને આ ભોળી ભાળી અને સરળ સ્વભાવની પુનમ મનમાં વસી ગઇ.ગઢથી રજા લેવા જયુ પાનબાઇમા ને ઠાકર મંદિરમાં મળ્યો ને મનની વાત કહી.
“મા તમે રજા આપો તો તમારા કળજાના કટકાને પરણી જાઉં”
“ભાઇ તું શહેરનો ભણેલો ગણેલો જુવાન ને આ ગામડાની ભુત”
“તમારા હિસાબે ભલે ભુત લાગતી હોય પણ મને ગમે છે”
“પછી…?”
“પછી પાછીપાની નહીં કરૂં બસ એ આ કાળીઆ ઠાકરની સામે કહું છું એ વચન યાદ રાખજો”
એ જ રાતના ટેલિફોન ખખડયા અને બે દિવસે કાકા અને કાકી કપડાં દાગિના લઇને માંડવી આવ્યા અને જયુના મામા મામીને વાત કરી.સૌ પ્રેમથી ગઢશીશા આવ્યા અને જયુને પ્રેમથી પરણાવ્યો.જ્યારે પરણીને મામા મામીને પગે લાગ્યા અને કાકા કાકીને પગે લાગી ને ઊભો થતાં જયુ એ કાકાને કહ્યું
“કાકા આ તમારી સાચી પુત્રવધુ”
“હા બાપ આ જ મારી સાચી પુત્રવધુ”કહી પુનમને જોઇ હરખાતા કાકાએ ભીની આંખ લુછી.
“આને લઇને મુંબઇ ચાલીશને?”કાકીએ પુનમને બાથમાં લેતાં જયુને પુછ્યું
“ના હવે તો કચ્છડો વ્હાલો વતન”
“તો તારી મરજી,પણ ચાર છ મહિને મ્હોં દેખાડવા મુંબઇ આવતો રહેજે”
“માંડવી તો બાજુમાં છે મામાને ઘેર પણ આવજે”મામીએ કહ્યું
પાનબાઇમાની રજા લેવા જયુના કાકા કાકી અને મામા મામી ગયા ત્યારે પાનબાઇમાના આંખમાં આભારના આંસુ ઉભરાયા અને હાથ જોડીને કહ્યુ
“તમે શહેરના મોટા માણસોએ એક અનાથને એનું પોતાનું ઘર માંડી આપ્યું.પુનીના તો ભાગ્ય ખુલી ગયા.તમે પૈસેથી નહી મનથી પણ મોટા છો.કાળીઓ ઠાકર તમને આ પુણ્યનો ફળ આપે.”
મામા મામી માંડવી અને કાકા કાકી મુંબઇ ગયા અને જયુ પોતાની વેન લઇને લખપત બાજુ રવાનો થયો.સાંજ ઉતરવામાં આવી હતી ત્યારે એક ગામડા પાસેના નદી કિનારે ગાડી ઉભી રાખી.ગાડીના પાછળથી રાજદુત ઉતાર્યો ને સાથે લીધું એક બોગરણું અને પતિ-પત્નિ ગયા ગામમાં ખપ પુરતો સામાન એક હાટ પરથી લીધુ અને એક માલધારીને ત્યાંથી દુધ.ગાડી પાસે આવી રાજદુત ટોપ ઠેકાણે મુકી, તંબુ ઉતાર્યો અને ઘર માંડ્યું.સાથે લાવેલા સ્ટવ ઉપર ખીચડી બનાવીને એકજ થાળીમાં દુધ ભેળવીને ખાધી.નદીની રેતી ઉપર ચોફાર પાથરી ગોદડું પાથરીને પુનમ બેઠી હતી તેણીના ગોઠણ પર માથું રાખી જયુ સુતો છે.એ ક્યારેક પુનમના ચહેરા સામે તો કયારે આભમાંના ચંદ્રને જોય છે તો પુનમની આંગળીઓ જયુના વાળમાં ફરે છે અને……”
“પરભુભાઇ ઉતરવું નથી?”બસમાંથી ઉતરતા મરિયમે કહ્યું ત્યારે વિચારમાંથી બહાર આવ્યો અને ધૂળ ડમરી ઉડાડતી બસ ચાલી ગઇ ત્યારે ડમરીની જમણી બાજુ પેલા સથવારાનો જોડલો અને ડાબી બાજુ જયુ અને પુનમનો જોડલો બેઠા હોવાનો આભાસ ક્ષણિક થયો.બન્ને સુખી જીવડા પોતાની રીતે પોતામાં મસ્ત હતા.
સંપૂર્ણ.
Filed under: Stories | Leave a comment »
Posted on December 7, 2008 by dhufari
“સુખિયા જીવ”(૨)
(ગતાંકથી ચાલુ)
“ઓટોમોબાઇલ ઇન્જીનીયર થઇશ પણ એજ્યુકેશનલ સાથે પ્રેક્ટિકલ પણ જરૂરી છે.તે માટે કોઇના વર્કશોપમાં કામ કરવું જોઇએ”
“બસ..ને? તે માટે આપણે પ્રાણલાલને મળીએ”કાકાએ કહ્યું. પ્રાણભાઇને મળ્યા અને આખી વાત સમજાવી તો પ્રાણભાઇએ કહ્યું
“ભલે આવે અને પોતાનો વર્કશોપ સમજીને પોતાની રીતે કામ કરે”
સમય પસાર થતો ગયો અહી એ ગાડી અને સ્કૂટર રિપેરિન્ગ,મોટર રીવાડિન્ગ,વેલ્ડિન્ પણ લેથ મશીન પર કામ કરતાં વિરજીભાઇના કારખાનામાં સાંગાડા પર કરેલ કામનો અનુભવ બહુ કામ લાગ્યો.જ્યારે જયુના હાથમાં ડિગ્રી આવી ત્યાં સુધી એ પ્રેકટિકલી પણ તૈયાર થઇ ગયો હતો.એક દિવસ વર્કશોપના ટેબલ પર વિચાર કરતા જયુને પ્રાણભાઇએ કહ્યું
“શું વિચારે છે?”
“આપણું વર્કશોપ ગલીના ખાંચામાં છે”
“એ તો છે.તો શું કરીશું?”
“એક નવું વર્કશોપ ખોલીયે ગામના છેવાડે જ્યાં વધારે ટ્રક પાર્ક થતાં હોય”
જયુએ જેમ ધાર્યુ હતું તે પ્રમાણે જમીન લેવાઇ તેના પર તેના પ્લાન પ્રમાણે વર્કશોપનું બાંધકામ થયું નવા ઓજાર લેવાયા અને નવા અનુભવી કરિગરો નોકરી પર રાખ્યા અને એ તો ધમધોકાર ચાલવા લાગ્યું.પ્રાણભાઇની એક જ લાડકી દિકરી હતી પ્રેમિલા.તેણી અને જયું સાથે જ ભણતાં હતાં.જયુ ઓટોમોબાઇલ ઇન્જીનીયર થયો જ્યારે પ્રેમિલા ડોકટર થઇ.પહેલાંથી જ જયુની પ્રાણભાઇના ઘરમાં આવ જા સારી હતી જેથી સમય સાથે બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો એનો અણસાર પ્રાણભાઇને આવી જતાં એક દિવસ જયુના કાકા વાલજીભાઇ પાસે આવ્યા ને કહ્યું
“જો તમે રજા આપો તો… … …!!!!”
“હું પ્રેમિલાને પુત્રવધુ તરિકે સ્વિકારવા તૈયાર છું”
“… …!!!!!”પ્રાણભાઇ તો જોઇ જ રહ્યા
“હું એ જ કહેવાનો હતો પણ મારી વાત કાપી એ જ વાત તમે કરી એ તમારી મોટાઇ લેખાય”
“આપણામાં દિકરીનો બાપ સામેથી બોલે નહી એટલે મેં તમને બોલતા રોક્યા”
બન્ને મિત્રો ખુશી થઇ ગળે મળ્યા તારીખ પાકી થઇ તે પ્રમાણે વેવિશાળ થયા અને તરત જ લગ્ન લખાયા ને જયુ ને પ્રેમિલા ચાર ફેરા ફરી પરણી પણ ગયા.દોઢ મહિનો હનીમુનમાં લગભગ આખું ભારત ફર્યા ને પાછા આવ્યા ત્યાર બાદ ઘેરથી બે ગાડી નિકળતી એક જ્તી વર્કશોપ પર અને બીજી જતી ક્લિનીક પર.એક દિવસ જયુ વર્કશોપનો હિસાબ તપાસતો હ્તો ત્યારે તેને નવાઇ લાગી ક્યાં પણ પેટ્રોલખર્ચના એક પણ આંકડો દેખાયો નહી.તેણે વિશનજીભાઇ મ્હેતાજીને બોલાવ્યા અને પુછ્યું
“વર્કશોપની ગાડીમાં વપરાતા પેટ્રોલના પૈસા ક્યાં ઉધાર્યા છે?”
“ભાઇ પેટ્રોલના પૈસા તો બન્ને ગાડીના ઘેરથી ચુકવાય છે એટલે ઘરખર્ચમાં આવે છે”
“તમને નામાવટીકોણે બનાવ્યા?મારી ગાડી વર્કશોપ ખાતે વપરાય છે અને પ્રેમિલાની ક્લિનીક ખાતે બન્ને ગાડીના બીલ અલગ તારવો મારી ગાડીના પૈસા વર્કશોપ ખાતે માંડો અને ક્લિનીકના બીલના પૈસા ક્લિનીકથી મંગાવી લેજો.”
સાંજે દવાખાનાથી પ્રેમિલાનો ફોન આવ્યો.
“પેટ્રોલના પૈસા મોકલાવી આપ્યા છે અને ગાડી રિપેરીન્ગના પૈસા મંગાવી લેજો યાદ અપાવું છું”
હનીમુન પરથી આવ્યા બાદ આમતો જયુને પ્રેમિલાના સ્વભાવ અને વર્તન પરથી એટલું તો સમજાઇ ગયું હતું કે,આ પ્રેમ ન્હોતો જુવાનીનો ક્ષણિક આવેગ હતો.ત્યાર બાદ ઘરમાં ચડભડ થવાની શરૂઆત થઇ હતી પણ તે દિવસની રાતના ઘરમાં પહેલી તીરાડ પડી જ્યારે જયુએ કહ્યું
“ક્લિનીકની આવકમાંથી તો તું ઘરમાં રાતી પાઇ પણ આપતી નથી ને વડચકા શેના ભરે છે?”
એ વાત પરથી ઘરમાં પોટા પાયે ઝઘડો થયો.એકાદ અઠવાડિયા પછી વિરજીભાઇની પુત્રવધુને પ્રેમિલાના ક્લિનીકમાં દાખલ કરી તો જયુએ ક્લિનીક પર પ્રેમિલાને ફોન કરી કહ્યું
“મારા ઉસ્તાદના દિકરાવહુનો કેસ તારા ક્લિનીકમાં દાખલ કર્યો છે તો બરોબર સંભાળ લેજે”
જયુના કહેવાથી એમ વાત માને તો પ્રેમિલા શાની એતો કેસ પોતાના આસિસ્ટન્ટને સોંપી પોતે બહાર જ્તી રહી.આખરે વિરજીભાઇની દિકરા વહુને જનરલ હોસ્પિટલમાં ઇમર્જન્સી કેસ તરિકે દાખલ કરી પણ માલકની મહેરબાનીથી મા તો બચી ગઇ પણ સાત માનતા માન્યા બાદ અવતરેલો દિકરો ગુજરી ગયો.તે રાત્રે જયુ ને પ્રેમિલા વચ્ચે સખત ગરમા ગરમી થઇ.
“તને લેડી ડૉક્ટર કોણ કહેશે? તું ડૉક્ટર નહીં ડાકણ છો ડાકણ જે પેલા નવજાતને ભરખી ગઇ”
એ સાંભળી ને પ્રેમિલા મ્હોં બગાડી પગ પછાડ્તીને જોરથી બારણાં પછાડતી બહાર ચાલી ગઇ.આ વાતને બે અઠવાડિયા થયા હશે તો જયુના વર્કશોપમાં ટાયર રીથ્રેડીન્ગ પ્લાન્ટનું ઉદઘાટ્ન થવાનું હતું.કાર્ડ છપાઇને આવી ગયા ત્યારે વર્કશોપ મેનેજરે કહ્યું
“ભાઇ આપણે કેક ટાયરના આકારનું બનાવીએ તો?પેલી બેકરી કરતાં આપણે પ્રિન્સ હોટલમાં ઓર્ડર આપીએ તો ભલે બે રૂપિયા વધારે લેશે પણ બનાવશે અફલાતુન”
“ભલે તમને યોગ્ય લાગે તેમ કરો”
“આજે સાંજે સાત વાગે આપણા નવા પ્લાન્ટનું ઉદઘટન છે તો સમયસર આવી જજે ખાસ યાદ અપાવું છું”જયુએ બપોરે ક્લિનીકમાં ફોન કરી પ્રેમિલાને કહ્યું
“હું નહીં આવી શકું આજે અમેરિકન ડૉક્ટરનું એક ગ્રુપ જનરલ હોસ્પિટલમાં આવવાનું છે એટલે મારે એ મિટીન્ગ અટેન્ડ કરવાની છે”કહી ફોન પછાડ્યો.
ઉદઘાટનની તૈયારી ચાલતી હતી એટલામાં મેનેજરની બુમાબુમ સંભળાઇ અરે જલ્દી જાવ કોઇ પ્રિન્સ હોટલમાંથી ઓર્ડર આપેલ કેક લઇ આવો એટલે જયુએ કહ્યું
“હું જાઉ છું.મારા સાથે કોઇને મોકલાવો જે કેકને સાંચવે.”
જ્યુ પ્રિન્સ હોટલમાં પહોંચ્યો તો તેણે જોયું કે,કોલેજના જુના મિત્રો વચ્ચે બેસીને પ્રેમિલા વાઇન પી રહી હતી.જયુને બે ત્રણે મિત્રોએ બુમ પણ મારી.
“ઓહો! જે.પી.કેમ છો? આવીજા ભાભી પણ હાજર છે ચીઅર અપ મેન”
જયુએ કેક સાથે આવેલ માણસને આપી ગાડીમાં રાહ જોવા કહી બધા બેઠા હતાં ત્યાં ગયો.
“તો આ છે તારૂં અમેરિકન ડેલીગેશન?”
“જયુ મોઢું સંભાળ તું નથી ઓળખતો આ લોકો કોણ છે?”
“મને શિખામણ આપે છે?બધા વચ્ચે મારી મશ્કરી કરે છે?”કહી જયુએ પ્રેમિલાને બાવડેથી પક્ડી ઊભી કરી ને તમાચો મારી ત્યાંથી નીકળી ગયો.
ઉદઘાટન સમારંભ પુરો થયો.સૌને વળાવીને જયુ ઘેર આવ્યો ત્યારે લમણે હાથ દઇ કાકા બેઠા હતાં.સામે પડેલી ટીપોય પર એક એટેચી ખુલ્લી પડી હતી જેમાં રૂપિયાઓની થપ્પીઓ હતી તેના પર એક સ્ટેમ્પ પેપર પડયો હતો.
“શું થયું કાકા?”
“પ્રેમિલા વહુ ચાલ્યા ગયા”
“તો….?”
“આ મુકી ગઇ છે પાંચ લાખ રૂપિયા રોકડા દવાખાનાની ગાડીની કિંમત અને છૂટાછેડાના કાગળિયા”
“તો….?”
“ખોટું થયું આપણે ક્યાં પૈસાની કે છૂટાછેડાની વાત કરી હતી?”
“હું છૂટાછેડા લેવાનો જ હતો સારૂં થયું તેણીએ સામેથી વાત કરી”કહી જયુએ છૂટાછેડાના કાગળ પર સહી કરી કાકાને આપતાં કહ્યું
“બાકી રહી પૈસાની વાત તો તમારે રાખવા ન હોય તો બા બાપુજીના નામે ટ્રષ્ટ બનાવો ને તેમાંથી ગરિબોને મફત ઇલાજ થાય માટે મદદ કરજો”કહી અટેચી કાકાને સોંપી.
આ બનાવ પછી જયુનું મન ક્યાં પણ લાગતું ન હ્તું તેમાં એક દિવસ કચ્છનો એક કણબી ગાડી બગડી જતાં જયુના વર્કશોપ પર રીપેરીન્ગ માટે લાવ્યો.સાથેના માણસ સાથે વાત કરતાં સાંભળીને જયુ તેની નજીક જઇને પછ્યું
“કચ્છમાં ક્યું ગામ ભાઇ?”
“બળદિયા,તમે કચ્છી લાગો છો… ક્યાંના છો?
“માંડવીનો”
“આવો ગાડી રીપેર થાય ત્યાં સુધી ઓફિસમાં બેસીએ,અરે નારાયણ જરા ત્રણ ચ્હા મંગાવજો”કહી જયુ તેમને ઓફિસમાં લઇ ગયો.
“બેસો”
ચ્હા આવી અને પિવાઇ ગઇ ત્યાં સુધીમાં કાસમ આવીને કહી ગયો ગાડી થઇ ગઇ.
“શું હતું કાસમ?”
“કાંઇ નહી, ઓઇલ ફિલ્ટરનો નટ ઢીલો પડી ગયો હતો ને ફેન બેલ્ટ બદલાવ્યો”
“કેટ્લા થયા? જરા રામ અવતારને મોકલ”
“૭૫ થયા ભાઇ”રામ અવતારે આવીને કહ્યું
“પંચોતર……!!!!”
“કેમ વધારે લાગે છે?”આશ્ચર્યથી જયુએ પુછ્યું
“અરે..શું વાત કરો છો ભાઇ”
“તો….?”
“અરે શું વાત કરૂં કચ્છમાં લાઇટના ઠેકાણા નથી અને ઇન્જીન રીપેરિન્ગવાળા તો લોહી પી ગયા છે.ક્યાંક ક્યાંક તો શું લૂટ ચાલે છે એ તો તમે નજરોનજર જુઓ તો ખબર પડે.આજકાલના શિખાઉ છોકરડા એક વાઇસર બદલી આપે તો કહેશે આપો વીસ રૂપિયા”
“શું વાત કરો છો?”
“હા સાચું કહું છું,ક્યારેક કચ્છ આવોતો મળજો.બળદિયા બસ સ્ટેશન પર ખાલી કહેજો શિવજી વાલા ક્યાં રહે છે?કોઇપણ મારૂં ઘર બતાવશે,ભલે જય સ્વામિનારાયણ”પૈસા આપતાં કહ્યું
“જય સવામિનારાયણ”
(ક્રમશ)
Filed under: Stories | Leave a comment »
Posted on December 7, 2008 by dhufari
“સુખિયા જીવ”(૧)
આજે ખરા બપોરે હું હોસ્પિટલવાળા બસસ્ટેન્ડ પાસે ગઢશીશાથી ભુજ જનારી બસની રાહ જોતો ઊભો હતો.મેં મારી કાડાં ઘડિયાળમાં જોયું.હજુ પા કલાક રાહ જોવી પડશે.આવા સમયે માણસ શું કરે એટલે મેં ખિસ્સુ ફંફોસીયું અને પાકિટ કાઢી એક સિગારેટ સળગાવી સળગતી કાંડી પહેલી આંગળી અને અંગુઠામાં પક્ડી દૂર ઉછાળી ને હોઠની સિગારેટ પકડી ધુમાડાનો ગોટો છોડ્યો.બીજો ઊંડો કસ ખેંચતા આમતેમ નજર દોડવી.થોડી દૂર નજર કરી ત્યાં ચાર સેંથા ખોડી તે ઉપર આડીઓ મુકી બનેલ માંડવા ઉપર ગોદડીઓ નાખી એક ઘર માંડી એક સથવારાનો જોડલો આરામ કરતું હતું. ધણીએ તેની ઘરવાળીના ગોઠણ પર માથું રાખી લંબાવ્યું હતું જ્યારે તેણી ધણીના માથાના વાળ આગળ પાછળ કરી જૂ શોધી રહી હતી.
એક બાજુ ત્રણ પથ્થરથી બનાવેલ ચુલ્હા પર એક હાંડલું પડ્યું હતું જે ઉધી તાવડી મૂકી ઢાંકેલું હતું, તો બીજી બાજુ એક મોટા પથ્થર પર પાણીનું માટલું પડ્યું હતું જેના ઉપર એક થાળી ઢાંકી ગ્લાસ મુકેલો હતો.તેની બાજુમાં પડેલા ખાટલા પર ચાર ગોદડાનું ફીડલું પડ્યું હતું.આ બધું જોઇને એક ફિલસુફનું કથન યાદ આવી ગયું કે,”સુખે સંસારમાં એક જ નર કુંભાર,ચિન્તા બાંધી ચાકડે ધન એનો અવતાર” તે આમ જ આરામથી સૂતા હશે.આ તો અભણ માણસ પણ જો ભણેલો કોઇ આરામથી રહે તો કેવી રીતે રહે એ વિચાર આગળ ચાલે એ પહેલા બસ આવી ગઇ.હું બસમાં પગ મુકુ ત્યાં તો બસમાં બેઠેલ મરિયમનો આવાજ આવ્યો
“કેમ છો પરભુભાઇ? આજે અહીં?”
“ઓલા રમેશને મળવા આવ્યો હતો”કહી તેણી જમણી તરફ્ની હરોળમાં બેઠી હતી તો ડાબી બાજુની હરોળમાં ખાલી સીટમાં હું બેઠો મારી પાસે આવેલ કંડકટરે મને પુછ્યું
“કયાં ભુજ?” મેં કહ્યું
“ના શિવકૃપા નગર”
કંડકટરે ટક ટક પંચ કરી ટીકિટ પકડવી એટલે મેં તેને પચાસની નોટ પકડાવી પછી મરિયમને પુછ્યું
“તું ક્યાં માવતરે ગઇ હતી?”
“હા મારા કાકાના છોકરાના નિકાહ હતાં”
“હં….”
“ઓલ્યો તમારો દોસ્ત જયપરકાશ મળેલો રસ્તામાં જ્યારે અમે હાજીપીરવલીની સલામે ગયેલા”
કંડકટરે આપેલ પૈસા ઉપરના ખીસ્સે નાખી મેં પુછ્યું
“છે તો મજામાં ને?”
“હો એકદમ,એની ઘરવાળી પુનમ પણ સાથે હતી”
મેં માથું સીટ પીઠ ઉપર ટેકવ્યું અને આંખો મીંચી.પેલા જોડલાનો વિચાર કરતો હતો.બસ માંડવીના સ્ટેશને આવીને ઊભી.ત્યાંથી પેસેન્જર લઇને પાછી રવાની થઇ કોડાયપુલ પાસે સારા એવા પેસેન્જર હતાં તેમને લેવા માટે બસ ઊભી રહી.મેં સામે નજર કરી તો એક મેકેનિક સ્કૂટર રીપેર કરી રહ્યો હતો.એ જોઇને મને જયુ યાદ આવી ગયો જેની વાત મારી માએ જન્મથી મુંબઇ મુક્યા સુધીની પોતે જોયેલી અને તેના મામા પાસેથી સાંભળેલી વિગતવાર કરેલી તેથી તેનો વિચાર આગળ ચાલ્યો.
કરશન અમારા ફળિયામાં રહેતા કલ્યાણજીભાઇનો જમાઇ થાય.ચાર વરસ લગ્નને થયા પણ તેમને ઘેર પારણું ન બંધાણું.ઘણી બાધા માનતાઓ કરી કરીને આખર કરશનના માતુશ્રી રેવામા પૌત્રનું મોઢું જોવાની આશામાં ને આશામાં સ્વર્ગવાસી થઇ ગયા.મુંબઇથી આવેલ દિકરા વિરજી તથા પુત્રવધુ ગોદાવરી અંતિમક્રિયા સુધી રોકાઇને માની અંતિમ ઇચ્છા પુરી ન થયાનો અફસોસ મનમાં ભરી પાછા મુંબઇ ગયા.
રેવામાના અવસાન બાદ કરશનના ઘરવાળા જમનાબાને ગર્ભ રહ્યો.સુવાવડ માટે જુના રિવાજ મુજબ જમનાબા માવતરે આવ્યા અને પુરા સમય પછી પુત્રને જન્મ આપ્યો.આ આનંદના સમાચાર મળતાં કાકા કાકી ભાઇને વધામણી આપવા મુંબઇથી માંડવી આવ્યા.જમનાબાને જેટલો હર્ષ પુત્રના જન્મથી થયો તેથી વધારે વિસાદ રેવામાના અંતિમ સમયના જોયેલા અફસોસની યાદ આવતાં થતો હતો કે આજે એ હયાત હોત તો કેટલા ખુશી થાત કે તેમનો કુળદિપક આવ્યો એ જોઇને વારી વારી જાત.નાનીમાએ કૃપાશંકર ગોરને બોલાવી ને કુંડલી બનાવડાવી તો કહ્યું મકર રાશી આવે છે એટલે એનું નામ ખ અથવા જ અક્ષર પરથી પાડવું એટલે જુનવાણી નાનીમાએ બન્ને અક્ષરો ને પકડીને નામ પડાવ્યું જખરો.
જખરાએ કુળમાં પ્રકાશ તો પાથર્યો પણ બાર દિવસના બાળકની મા બાથરૂમમાં બેઠી હતી. ઊભી થવા જતાં પગ લપસ્યો અને માથાભેર બાથરૂમના ઉંબરા પર પડી.માથામાં એવી જાતનો માર લાગ્યો કે કોઇ સમજે કે શું થયું તે પહેલાં તો બે ડચકાં ખાઇને સાસુમા પાછળ તેણીએ પણ સ્વર્ગનો મારગ પકડી લીધો કેમ જાણે બાળકના અવતરણ માટે જ રોકાઇ હોય.ભાભીના અંતીમક્રિયા સુધી રોકાયેલા જખરાના કાકા કાકી જેટલા હર્ષથી આવ્યા હતાં એથી અનેક ઘણો વિસાદ હ્રદયમાં ભરીને પાછા મુંબઇ ગયા.
મા મરી ગઇ છે અને બાળક રડે છે.નામકરણ માટે આવેલી જખરાની વિધવા ફઇ અનસુયાએ બાળક તરફ જોયું.મુંડાવ્યા પછી ઉગેલા ટૂંકા વાળ,સફેદ લાંબીબાયનો કમર સુધી લાંબો બ્લાઉસ,સફેદ સાડી,ગળામાં રૂદ્રાક્ષની માળા, કપાળે ગોપી ચંદનનો ચાંદલો, ગૌર વદનમાં સદા કરૂણા નીતરતી આંખો,જુઓ તો સાક્ષાત સત્યની મૂર્તિ.સવાર સાંજ બે વખત જબલેશ્વર મહાદેવના દર્શને જવાનો અતૂટ નિયમ અને લગભગ ભોળાનાથના સ્મરણમાં સમય વ્યતીત કરતી એવી ફઇએ બાળકને ખોળામાં લઇને શાંત કરવાનો પ્રયત્ન કરતી હતી.બાળક તેણીની છાતીમાં હાથ મારવા લાગ્યો.તેણી ના મનમાં શું સ્ફુર્ણા થઇ ભોળાનાથનું સ્મરણ કરી સાડીનો પાલવ ઊંચો કરીને જખરાને છાતીએ વળગાડ્યો તો જાણે ભોળાનાથે તેની અંતરની કામના સાંભળી હોય તેમ દુધની ગંગા પ્રકટી.સૌને એ વાતનું આશ્ચર્ય થયું કે નિઃસંતાન પરણી ને તરત વિધવા થયેલ એવી કુંવારી કાયાવાળી અનસુયાની છાતીમાં દુધ આવે કઇ રીતે? પણ જે હતું એ હકિકત હતી.તેણીએ જખરાને બે વરસ સુધી પોતાના ઘેર સાચવ્યો પણ મા ખોયેલા બાળકના નશીબમાં ફઇનું સુખ પણ જાજુ ન્હોતું લખાયેલું.
એક દિવસ અનસુયા હંમેશના નિયમ મુજબ સાસુમાને જખરો સોંપી ગામના છેવાડે ઝાડીઓ વચ્ચે આવેલ જબલેશ્વર મહાદેવના મંદિરના સંધ્યા દર્શન કરીને પાછી ફરતી હતી ત્યારે હડકાઇ લોંકડી કરડી અને તેણીને હોસ્પિટલમાં લઇ જાય તે પહેલાં તેણીએ પણ મા અને ભાભી પાછળ ભોળાનાથના ધામનો રસ્તો પકડ્યો.ખબર પડી એટલે સૌથી પહેલાં મામા મામી અનસુયાના ઘેર આવ્યા અને બાળકનો હવાલો સંભાળ્યો.ફરી કાકા કાકી બહેનના મૃત્યુના સમાચાર જાણીને માંડવી આવ્યા.અંતિમક્રિયા બાદ જ્યારે મુંબઇ જતાં હતાં ત્યારે જખરાને મુંબઇ લઇ જવાની વાત કરી તો કરશને કહ્યું આનું મોઢું જોઇ તો જીવું છું ભલે રહ્યો મામાને ઘેર.જખરાના કાકા કાકી પાછા મુંબઇ ગયા.
કરશન તો પત્નિના વિયોગમાં આખો દિવસ બસ ગુમસુમ બેસીને બીડીઓ ફૂક્યા કર્તો હતો.જેમાં બહેનના અવસાનના આઘાતમાં તે તદન ભાંગી પડ્યો અને ખાટલો પક્ડી લીધો અને આખર સતત આવતી ઉધરસથી દિવસા દિવસ શરીર કંતાઇને હાડપિંજર થઇ ગયું. જખરો પાંચ વરસનો થયો ત્યાં સુધીમાં ઘરની મુડી ને કરશનનું શરીર બન્ને ખલાસ થઇ ગયા. મુંબઇથી જખરાના કાકા કાકી.બરફ્ની પાટ પર સાંચવેલા ભાઇના શબની ઉતરક્રિયા કરીને (કરશનના ઘરમાં આ ચોથો બનાવ હતો)જખરાને સાથે લઇ ગયા.
સત્ર ખુલતાં સ્કૂલમાં નામ નોંધાવ્યું જયપ્રકાશ કરશન.જરાક સમજણો થયો ત્યારે કાકા સાથે સ્કૂલના હોમવર્ક માટે પેન,બોલપેન,કંપાસ બોક્ષ વગેરે લેવા ગયેલો.ઘેર આવતાં રસ્તામાં પડતા તેમના મિત્ર વીરજી લાલજીના કારખાનામાં તેમને મળવા ગયા.કાકા તેના મિત્ર સાથે વાતે ચડ્યા હતાં ત્યારે જયપ્રકાશ સુથારો કેમ કામ કરે છે એ જોતો હતો.ઘેર જવાનું થયું ત્યારે જયપ્રકાશે વીરજીભાઇને પુછ્યું
“હું અહીં કામ શીખવા આવું?
“દિકરા તું શિખવા આવીશ ભણશે કોણ?”
“લેશન કરીને રમવા જવાના બદલે અહીં આવું તો?”
“તો વાંધો નહીં”
બે દિવસ પછી જયપ્રકાશ કામે લાગી ગયો.શરૂઆતમાં તો લાવ ઉપાડમાં મદદ કરતો અને જ્યારે બાકીના સમયમાં લાકડું છોલવામાં કરતો અને પછી તો પોતાની રીતે લાકડું છોલતા શીખી ગયો.આગળ જતાં ફર્નિચર બનાવવા લાગ્યો.સાંગાડા ઉપર ખાટલાના પાઇયા, ધોડિયા, ડાંડિયા,કઠોળા,ભમરડા ઉતારતા શિખ્યો.તેણે ચડવેલા રંગો પણ આકર્ષક હ્તાં. વિરજી લાલજી પોતે પણ એક એક્ષપર્ટ કારિગર હતો.માધુ મોચી પાસેથી વધેલા ક્રેપશોલના કટકાના ઝીણા ઝીણા કટકા કરી પેટ્રોલમાં પલાળી તેમાંથી બનેલ સોલ્યુશનથી લાકડા સાંધીને મજબુત ફર્નિચર બનાવતો જે વીરા પેટટન્ટ તરિકે ઓળખતું જેની માંગી કિમત મળતી.વિરજી લાલજીના હાથ નીચે ટ્રેઇન થયેલ જયપ્રકાશ પણ એક સારો કારિગર થયો.દિવસ ગુજરતા ગયા અને તે મેટ્રીકમાં આવ્યો ત્યારે કાકાએ એક દિવસ પુછ્યું
“મેટ્રીક પછી શું કરીશ?” (ક્રમશ)
Filed under: Stories | Leave a comment »