“કાચો હીરો”(૩)

“કાચો હીરો”(૩)
(ગતાંકથી ચાલુ)

       રિસિપ્શન પુરૂં થઇ ગયું હતું,થોડાક એકાંત ખુણામાં ઊભા રહી છાયા અને યશવંત હાથમાં પ્લેટ પકડી ડિનર લઇ રહ્યા હતાં,વેલ વિશરનો જમેલો ગયો એટલે હું મારી પ્લેટ લઇને તેમની પાસે પહોંચી ગયો.
“હા…ય! સુમન,હજી ગુસ્સામાં છો?”
“નહી..તો?”
“તો જરા ગંભીરતા છોડી હસ ભાઇ”છાયાએ કહ્યું
“પણ…આમ…અચાનક એક કેમ થયા?”
“લગ્ન કરીને ભાઇ!…સાત ચોરી ફેરા ફર્યો છું ..નહી છાયા?”
“હા…ને”
“બસ…બસ…હવે બહુ ચિબાવલી નહી થા”
“ઓ…કે”
“મને ખબર છે બધા લગ્ન ચોરી ફેરા ફરી ને જ કરે છે”
“તો…?”યશવંતે છાયાને આંખ મારી
“આટલા સુધી વાત પહોંચી ને મને જ ખબર પડવા ન દીધી…?’
“ભોગ તારા”
“વિભા બહેન બધું જાણે છે”છાયાએ કહ્યું
“તેણીએ તો કોઇ દિવસ વાત નથી કરી”
“હ…શે..”
“બન્ન છુપા રૂસ્તમ નિકળ્યા”
“હં….”બન્ને મારા સામું જોઇ હસ્યા.
“પણ મને કહોતો ખરા કે આ બધું ક્યારે ને કેમ કર્યું”મેં ખીજમાં કહ્યું
“જો સુમન આ બહુ લાંબી અને રસિક વાત છે,આ ઝમેલામાં એ વાત કરવાની મજા ન આવે અને ડીનર પછી મારી લકઝરી વેનમાં  હનીમુન માટે અમે મહાબળેશ્વર જઇ રહ્યા છીએ.વાત જાણવાની બહુ જ તાલવેલી હોય તો અમારી સાથે ચાલ રસ્તામાં વાત કરીશું.વી ડોન્ટ માઇન્ડ”
“ના બાબા કબાબમાં હડ્ડી બનવાનો મને બહુ શોખ નથી અને તેમાં પણ તમારા જેવા જસ્ટ મેરીડ કપલમાં તો બિલકુલ નહી જ.”
“સમજદાર છે નહી?”યશવંતે છાયાને કહ્યું
“તો શું?મારા ભાઇને બુધ્ધુ સમજો છો?”છાયાએ મારા માથા પર હાથ ફેરવતાં કહ્યું
“બસ બસ બહુ ચાપલુસી કરવાનું રહેવા દે અને બહુ ચીબાવલી મ થા”મેં હાથ હટાવતાં કહ્યું
“……”મારી સામે જોઇ બન્ને હસ્યા.
“બુધ્ધુ જ બનાવ્યો મને બન્ને ભેગા થઇને બીજુ શું?”
“જો સુમન ત્રણ દિવસ પછી અમે મહાબળેશ્વરથી પાછા આવીશું ત્યારે હું તને ફોન કરીશ ત્યારે ઘેર આવજે,તને આરંભથી પૂર્ણાહુતી સુધી ની  બધી હકિકત કહીશ”
“યશવંત તારી વેન આવી ગઇ”યશવંતના પપ્પા માધુભાએ વાત કાપતાં કહ્યું અને અમારા સામે એક માપક નજરથી જોતાં જતાં રહ્યા કેમ જાણે અમે સૌ રીમાન્ડ પર લીધેલા ગુન્હેગાર હોઇએ.
“ઓ.કે.યશવંત ઓ.કે છાયા વીસ યુ બોથ હેપ્પી જર્ની એન્ડ પ્રોસ્પર્સ વેડેડ લાઇફ,હેપ્પી હનીમુન.”
“થેન્ક..યુ”
     હું ઘેર આવ્યો પણ મોડી રાત સુધી ઊંઘ પાસે ફરકવાનું નામ ન્હોતી લેતી.વિચારના વંટોળે ફરતાં છાયા અને યશવંત જ દેખતા હતાં. ક્યારેક મન ભૂતકાળના ભંમરિયા કૂવામાં ડુબકી મારતો હતો,પણ ક્યાંયથી કશા સગડ ન્હોતા મળતા.એ વિચારોમાં જ ક્યારે ઊંઘ આવી ગઇ ખબર ન પડી.બીજા દિવસ બપોરથી મદ્રાસ મિટિન્ગના રિપોર્ટ તૈયાર કરવામાં લાગી ગયો.ત્રણ દિવસ ક્યાં ગયા ખબર ન પડી.ચોથા દિવસે સવારના સાડા સાત વાગ્યામાં જ હું નાસ્તાની ટેબલ પર બેઠો હતો ત્યારે જ યશવંતનો ફોન આવ્યો.
“આવે છે ને?”
“હા!…હમણાં જ આવ્યો સમજ”
      હું યશવંતના ઘેર ગયો ત્યારે દરવાજા સામે મુકેલા સોફા પર બેસીને માધુભા છાપું વાંચતા હતાં.
“જ્યશ્રી કૃષ્ણ”
“જયશ્રી કૃષ્ણ…આવ સુમન,યશવંતને મળવા આવ્યો?”
“જી”
“આવ ભાઇ”રસોડામાંથી બહાર આવતી છાયાએ આવકાર્યો.
“યશવંત……?”
“ઉપર ટેરેસ પર તારી જ રાહ જોઇ રહ્યા છે”કહી છાયા સીડીઓ તરફ વળી અને ટેરેસ તરફ જવા લાગી હું પણ તેની પાછળ પાછળ જ ગયો.
“આવ સુમન,બેસ”કહી યશવંતે છાપું બાજુ પર મુકી ખાલી ખુરસી તરફ ઇશારો કર્યો,છાયા યશવંત ની બાજુમાં બેઠી.
કેમ છે તબિયત…?’મેં ઔપચારિક પ્રશ્ન કર્યો.
“મજામાં એટલે એકદમ મજામાં”
“કેમ રહ્યું મહાબળેશ્વર?”
“અરે!ફર્સ્ટકલાસ,ફરવા જવું હોય તો હમણાં આ સીઝનમાં જ જવું જોઇએ,બધ્ધે લીલુછમ અને ધુમ્મસ સુપર્બ…નહી છાયા?”
“તું આવ્યો હોત તો મજા પડત”
“પાછા ફિરકી લેવાના મુડમાં આવી ગયા?”
“અમે તો મુડમાં જ છીએ”
“ના,હું થડમાં છું”મેં કહ્યું ને બન્ને હસી પડ્યા.
     નોકર ચ્હા અને નાસ્તાની ટ્રે મુકી ગયો,છાયાએ કેટલમાંથી ત્રણ કપમાં ચ્હા રેડી અમને કપ આપી મારા તરફ નાસ્તો સરકાવતા કહ્યું
“લે,ભાઇ નાસ્તો કર”
“ના,નાસ્તો કરીને જ આવ્યો”
      ચુપચાપ ચ્હા પિવાઇ ગઇ,ચ્હાનો કપ ટીપોય પર મુકી સ્વસ્થ થતાં યશવંતે કહ્યું
“હં…તો હવે તને કહું કે આ બધું ક્યારે અને કેમ થયું”
“હા”
“વીથ યોર કાઇન્ડ પર્મિશન બધું જ કહી દઉ મેડમ?”યશવંતે ઊભા થઇ છાયા સામે ગોઠણિયા ટેકવી છાયાનો હાથ ચૂમતાં કહ્યું
“યા..ગો અહેડ,યુ મે પ્રોસીડ”છાયાએ શરમાતા કહ્યું
“થેન્ક…યુ માદામ”
“પેલી નાળિયેરની વાત તને ઇરાની હોટલમાં કહેલી અને તેં છાયા વિષે બધી વાત કરી કહેલું બધું ભુલી જા બરાબર?”
“અને પછી તું ક્યારે દેખાયો નહી કે મળ્યો નહી એટલે હું સમજેલો કે,વાત પુરી થઇ ગઇ ધી એન્ડ”
“બાકી ઘા ચુકી ગઇ,નહીતર નાળિયેર માથામાં જ મારવાનો વિચાર હતો નહી?”યશવંતે છાયા સામે જોઇ કહ્યું
“શું તમે પણ…..વાતની છાલ છોડતા નથી”છાયા મીઠો ઠપકો આપતાં કહ્યું
“ના,હો….!છાયાનો એવો કોઇ ઇરાદો ન્હોતો.તેણીએ તો તારા સ્પેર વ્હીલ પર જ મારેલું” મેં છાયાનો બચાવ કરતાં કહ્યું.
“અરે..!અરે…!હું તો મજાક કરતો હતો ભાઇ,મને બધી વાતની,ઇરાદાની વિગતવાર ખબર છે.”યશવંતે મારી પીઠ પર ધબ્બો મારતાં કહ્યું
“તો પછી આગળ ચલાવ”
“આપણે ઇરાનીમાંથી છુટા પડ્યા,પણ મને ક્યાંય ચેન ન્હોતું પડતું.મારે એકવાર છાયાને હકિકત જાણવા મળવું હતું.એક રવિવારે મેં વિભાને ફોન કરી બધી વાત કરી અને છાયાને એકસલવર્લ્ડમાં લઇ આવવા કહ્યું.નક્કી કરેલી જગાએ છાયા અને વિભા વેફર ખાતા વાતો કરતાં હતાં.હું સામે જઇ ઊભો રહ્યો.
“ચાલ વિભા આપણે બીજે ક્યાંક જઇએ”કહી છાયા ઊભી થઇ ગઇ.
“છાયા પ્લીઝ,હું તારી સાથે બે વાતો કરવા જ આવ્યો છું”
“છાયા પ્લીઝ બેસી જા અને સાંભળ,હું તને આ માટે જ અહીં લાવી છું”વિભાએ છાયાને બેસાડતા કહ્યું.
“વિભા શું તું પણ…?”કહેતા છાયા બેસી ગઇ અને બેસતાં કહ્યું
“જે કહેવું હોય તે વિભાની હાજરીમાં જ સાંભળિશ”
“ઓકે……”
“હું તને ગુંડો,મવાલી કે બદમાશ લાગું છું?”
“ના”
“કોઇ છોકરીઓને ફસાવનાર,લુચ્ચો,લફંગો કે આવારા લાગું છુ?”              
“ના”
“તો,હું શું તને કોઇ છોકરી પાછળ ફરતાં પાગલ પ્રેમી કે રોડ સાઇડ રોમિયો અથવા છોકરોની ઇજ્જતથી ખીલવાડ કરનાર ખંધો ખેલાડી લાગું છું?”
“ના”
“તો હું તને પસંદ નથી?”
“…..”છાયા મારા સામે જોઇ મરકી
“તને મારા પ્રેમમાં વિશ્વાશ નથી?”
“……”
“બોલ છાયા,તારા મનમાં જે પ્રશ્નો ઉદભવતા હોય એ ફ્રેન્કલી કહી દે”
“તું મને ગમે છે,પણ……”
“પણ શું?”
“પણ આપણો પ્રેમ પાંગરે અને પરિણયમાં ન પરીણમે તો જિન્દગીભરનો અફસોસ રહે.મારા પપ્પા મારૂં લગ્ન મારી મરજી મુજબ જ કરાવી આપે એમાં એ જરા પણ આનાકાની ન કરે.એમને બધી રીતે યોગ્ય લાગે અને પસંદ પડે એવા જ પાત્રને જ હું પસંદ કરૂં એ મારી ફરજ છે.પપ્પા ફકત માધુભાને શું તારા આખા ખાનદાનને ઓળખે છે અને તારા સાથે લગ્નની ના ન જ પાડે પણ….”
એકી શ્વાસે બોલતી છાયા શ્વાશ હેઠો બેસાડવા રોકાઇ.
“પણ શું….?”
“……”જરા થોભ એવા ભાવથી છાયાએ હાથ ઉચો કર્યો.
“પણ…મુખ્ય પ્રશ્ન એ છે કે,અમે રહ્યા સારસ્વત બ્રાહ્મણ અને તું છે ભાટિયા પરિવારનો,તું પરિવારમાં નાનો છે એટલે તારા પપ્પા તને કદાચ વધુ ચાહ્તા હશે, તો પણ આપણાં આંતરજ્ઞાતિય લગ્ન તેઓ મંજુર ન કરે,કદાચ તને ખોટી પાઇ પણ પરખાવ્યા વિના ઘરમાંથી રવાનો કરી દે તો?”
“…….”ત્યારે મેં ગાલ અને ખાડી પર હાથ ફેરવતાં વિભા સામે જોયું  
“…….”વિભાએ બનવા જોગ છે એવા ભાવથી મારા સામે જોયું
“મારા લીધે તારૂં થતું અપમાન હું સહન ન કરી શકું પણ…..”છાયા ફરી વખત અટકી
“પણ…..?”
“પણ જો તું તારા પગ ઉપર ઊભો રહી સ્વાવલંબી થઇ જાય તો,આપણા લગ્ન પછી આવો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આપણને કોઇના આશ્રિત થવાનો સવાલ જ ઊભો ન થાય.પ્રેમથી પેટ ભરાતા નથી.પ્રેમ સાથે પેટીયુ રળવા પુરુષાર્થ પણ એટલો જ જરૂરી છે.”
“…..”મેં સહમતી દર્શાવતા માથું ધુણાવ્યું
“બોલ તું સ્વાવલંબી થઇને મારો હાથ માંગવા આવી શકીશ?જેને લોકો માધુભાના દિકરા તરિકે નહીં પણ યશવંત તરિકે ઓળખતા હોય તો હું તારી રાહ જોઇશ.બોલ આમ કરી શકીશ?”
“ત્યારે હમણાં ટેકવ્યા હતાં એમ જ ગોઠણ ટેકવીને છાયાને કહ્યું હતું ધેટ્સ અ પ્રોમિસ અને છાયાએ પણ પહેલી વખત મારો હાથ ચુમી કહ્યું હતું કે હું પણ તે દિવસની રાહ જોઇશ અને અમે સાથે જ એક્સલવર્લ્ડમાંથી બહાર આવ્યા હતા.(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: