“નોખા હોય છે“
માનવીની જાતના અંદાઝ નોખા હોય છે;
એક સરખી વાતના અંદાઝ નોખા હોય છે.
રંગભૂમી આ જગત ને માનવી કઠપૂતળી;
પૂતળી રજુઆતના અંદાઝ નોખા હોય છે.
હર નદી સાગર મહીં ઠલવાય છે વહેતી રહી;
હર નદી આખાતના અંદાઝ નોખા હોય છે.
તીર કે તલવાર કે ખંજર ઘાવ ના આપી શકે;
નયન કેરા ઘાતના અંદાઝ નોખા હોય છે.
દિલ દઇ દિલ પામવાની છે રમત જૂની ઘણી;
પ્રીત ઝંઝાવાતના અંદાઝ નોખા હોય છે.
મધ જબોળી ને મધુરી જીભથી થાતાં બધા;
જખ્મ કે આઘાતના અંદાઝ નોખા હોય છે.
જન્મ જે પામે એ માનવ પાંમતા મૃત્યુ સદા;
મોત દેતા તાતના અંદાઝ નોખા હોય છે.
આ કવિ વણઝાર ચાલી ત્યાં “ધુફારી” પણ હશેઃ
એમની વિસાતના અંદાઝ નોખા હોય છે.
૦૫/૧૨/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply