Posted on November 13, 2008 by dhufari
“આરામ છે“
આપના આવ્યા પછી આરામ છે;
દિલ હતું બેતાબને આરામ છે.
આરઝુ મારી હતી તો એટલી;
કોઇ તો ચાહે મને આરામ છે.
આ ખલક ભાસી મને ખાલી બધી;
પ્રીતની ભરતી ચડી આરામ છે.
પ્રીતના કેરા રંગ કો હોતા નથી;
પ્રીત કેરા નામથી આરામ છે.
છો ભલે મુકી મને ચાલ્યા જશો;
છે “ધુફારી” ખ્વાબમાં આરામ છે.
૨૪/૦૬/૧૯૯૫
Filed under: Poem | Leave a comment »
Posted on November 13, 2008 by dhufari
“હું હસી લઉ છું“
કો ઘમંડી રૂપ જોતાં હું હસી લઉ છું જરા;
જોઇ એની પ્રેમ લીલા હું હસી લઉ છું જરા.
તું હતી તેજાબ જેવી કત્લ તેં કીધો મને;
ઝેર એ પીધા છતાં પણ હું હસી લઉ છું જરા.
દિલ કુંવારા પગ તળે કચડ્યા હશે તેં કેટલા;
એ નઠારી ચાલ જોતાં હું હસી લઉ છું જરા.
રૂપનું અભિમાન છે પણ એ ટકે તો કેટલું?;
રૂપ એ નિસ્તેજ થાતાં હું હસી લઉ છું જરા.
એક માથાનો મળ્યો બસ “ધુફારી” એકલો;
યાદ આવે છે કદી તો હું હસી લઉ છું જરા.
૨૪/૦૬/૧૯૯૫
Filed under: Poem | Leave a comment »
Posted on November 13, 2008 by dhufari
“શોભે નહીં“
બે જુબાની આ નરી શોભે નહીં;
બે રૂખી કેમે કરી શોભે નહી.
ભુલ મારી શી હતી કહીદો જરા;
બંધ હોઠો જરી શોભે નહી.
પ્રીત મારી ના કબુલો ના સહી;
વાતમાં જાવું ફરી શોભે નહીં.
આ દિવાનો આપનો ચાલ્યો જશે;
નેણમાં નફરત ભરી શોભે નહી.
ઝખ્મ છે “ધુફારી“ના દિલ પર ઘણા;
આંખની કાતીલ છરી શોભે નહી.
૨૪/૦૬/૧૯૯૫
Filed under: Poem | Leave a comment »
Posted on November 13, 2008 by dhufari
“મારી સાથે“
મારી સાથે મેળે ચાલ(૨),લાલ કસુંબલ તને ચુંદડી ઓઢાડું
સખી આજ મેળે ચાલ(૨),લાલ કસુંબલ તને ચુંદડી ઓઢાડું…મારી સાથે
લાલ કસુંબલ ચુદલડીમાં,ઉપર લીલી કોર(૨)
ચુંદલડીની ભાત મહીંથી,બોલે જીણા મોર્..મોર..મોર.. …મારી સાથે
લાલ કસુંબલ ચુંદલડીમાં,ફૂલ મજાના પીળા(૨)
ચુંદલડી સમ હોઠ કરી દઉ પીળા..પીળા..પીળા .. … …મારી સાથે
લાલ કસુંબલ ચુંદલડીમાં,ભાત ભરેલા ચોક(૨)
ચુંદલડીની ભાત ભરેલી,જોવા આવ્યા લોક..લોક..લોક . …મારી સાથે
લાલ કસુંબલ ચુંદલડીમાં,રાસ રમીલે રંગે(૨)
આજ સખીરી મનભર રમજે,રાસ “ધુફારી” સંગે..સંગે..સંગે .મારી સાથે
૨૪/૦૬/૧૯૯૫
Filed under: Poem | Leave a comment »
Posted on November 13, 2008 by dhufari
“આવશે“
રોજ મારૂં મન કહે છે તું અચાનક આવશે;
ભાવમાં ભરતી ઉછળશે તું અચાનક આવશે.
શબ્દ તારા સાંભળી ને ઉર મહીં હલચલ થશે;
હોઠ પણ ના ઉગડશે જો તું અચાનક આવશે.
વાત કરતાં જો અચાનક પુછશે તું કેમ છો?;
વેદનામાં વિલસસે જો તું અચાનક આવશે.
છે “ધુફારી“ને ખબર ના તું કહે કે હું કહું;
નેણ આપસમાં જ મળશે તું અચાનક આવશે.
૨૩/૦૬/૧૯૯૫
Filed under: Poem | Leave a comment »
Posted on November 13, 2008 by dhufari
“મોસમ છલકે“
મોસમ છલકે હૈયા મલકે વાયુ હલકે વાતો‘તો;
એક અટુલો મારગ ભૂલો કે રંગીલો જાતો‘તો.
ચાલ લચીલી વેગ ભરેલી ને મદઘેલી મતવાલી;
એ છલકાતા ને મદમાતા ગીત મધુરા ગાતો‘તો.
ભાવ ભરેલી આંખ ઢળેલી રૂપમઢેલી ઉભેલી;
સ્વપ્ન સુંદરી સપના પેરી મંદમંદ મલકાતો‘તો.
આંખ શરાબી ગાલ ગુલાબી હોઠ શબાબી “ધુફારી“;
માસુક મળવા હૈયે જડવા વ્યાકુળ થઇ રઘવાતો‘તો.
૨૪/૦૬/૧૯૯૫
Filed under: Poem | Leave a comment »
Posted on November 13, 2008 by dhufari
“કારણ વગર“
વાતમાંથી વાત લાંબી થઇ ગઇ કારણ વગર;
ને છતાં પણ એ અધુરી રહી ગઇ કારણ વગર.
આમ જોવા જાવ તો ના સ્નાન કે સુતક હતું;
ને છતાં પણ ભાર દિલ પર દઇ ગઇ કારણ વગર.
ના મળ્યા‘તા ના લડ્યા‘તા રૂબરૂમાં કોઇ દી‘;
ને છતાં પણ દુશ્મનાવટ થઇ ગઇ કારણ વગર.
સ્નેહ કેરો તાંતણો તો ખેંચતા તૂટી ગયો;
સાંધતા એ ગાંઠ વચ્ચે રહી ગઇ કારણ વગર.
બે કદમ ચાલ્યો સહજમાં એમની મંજીલ તરફ;
રાહમાં તો રાત કાળી થઇ ગઇ કારણ વગર.
કલ્પના પણ ના હતી ને ઝંખના પણ ના હતી;
ચોરવીને દિલ “ધુફારી” લઇ ગઇ કારણ વગર.
૧૨/૦૨/૧૯૯૫
Filed under: Poem | Leave a comment »
Posted on November 13, 2008 by dhufari
“હશે“
શી ખબર કે આમ પણ થાતું હશે;
જણતા અણજાણતા થાતું હશે,
ધોમ ધખતા તાપ કે વેરાનમાં;
નીર મીઠાં કોઇ તો પાતું હશે.
પાનખરમાં પાન વેરાયા પછી;
ગીત કોકીલ કંઠ કો ગાતું હશે.
ચાંદની પથરાય છે પુનમ તણી;
મસ્ત થઇને કોઇ તો ન્હાતું હશે.
નફરતો કરનારના ટોળા મહીં;
કોઇ તો તમને ખરે ચ્હાતું હશે.
યમસદનના ચોપડાના પાન પરઃ
આ “ધુફારી“રામનું ખાતું હશે.
૧૮/૧૧/૧૯૯૪
Filed under: Poem | Leave a comment »