Posted on November 12, 2008 by dhufari
“ઉધારી જિન્દગી“
મોત પાસેથી મળેલી છે ઉધારી જિન્દગી;
આપનારાની ઘડેલી છે ઉધારી જિન્દગી.
સદનશીબી બદનશીબી ના કશી ચર્ચા કરો;
લાગણી આંસુ ભરેલી છે ઉધારી જિન્દગી.
મન તણાં કારણ બધા છે ને નજરનો ખેલ છે;
માનવે ઢાળી ઢળેલી છે ઉધારી જિન્દગી.
ઝાંઝવાના જળ સમાણી ઝંખના જાગે સદા;
પામતા ઓછી પડેલી છે ઉધારી જિન્દગી.
કોઇને ફૂલો સમી તો કોઇને કાંટા સમી;
ભાગમાં આવી પડેલી છે ઉધારી જિન્દગી.
આયખું માગે “ધુફારી” કેટલું ઓછું–વધુ;
હાથમાં સરતી રહેલી છે ઉધારી જિન્દગી.
૧૨/૧૦/૧૯૯૪
Filed under: Poem | Leave a comment »
Posted on November 12, 2008 by dhufari
“સંગાથમાં“
ચાર ડગલા ચલજો સંગાથમાં;
બે ઘડી બસ ચાલજો સંગાથમાં.
જિન્દગી કેવી જશે કોને ખબર?
યાદ થઇ બસ ચાલજો સંગાથમાં.
ફૂલ કે કાંટા મળે પરવા નથી;
મ્હેક થઇ બસ ચાલજો સંગાથમાં.
છે હ્રદય આ એક પરવાના સમું;
થઇ શમા બસ ચાલજો સંગાથમાં.
આ “ધુફારી” માંગશે તો કેટલું?
જિન્દગી થઇ બસ ચાલજો સંગાથમાં.
૨૬/૦૯/૧૯૯૪
Filed under: Poem | Leave a comment »
Posted on November 12, 2008 by dhufari
“કોણે કહ્યું?“
પ્રેમમાં પડજે તને કોણે કહ્યું?
ખાઇમાં પડજે તને કોણે કહ્યું?
છે લલાટે લેખના નિર્માણ આ;
ને છતાં રડજે તને કોણે કહ્યું?
દર્દના દરિયા મહીં ડૂબ્યા પછી;
આમ તરફડજે તને કોણે કહ્યું?
ખેલ છે ખાંડા તણા જાણ્યા પછી;
ધાર પર ચડ્જે તને કોણે કહ્યું?
ના કદી મૃગજળ ભરાયા પાત્રમાં;
આમ ટળવળજે તને કોણે કહ્યું?
ઝેર તો જાણી “ધુફારી” ના પીએ;
ફાંસીએ ચડજે તને કોણે કહ્યું?
૨૫/૦૯/૧૯૯૪
Filed under: Poem | 2 Comments »
Posted on November 12, 2008 by dhufari
“ના જશો“
આંખમાં આંસુ ભરીને ના જશો;
આહ! દર્દીલી ભરીને ના જશો.
રાત અજવાળી પવન શીતળ મહીં;
દર્દ દાવાનળ ભરીને ના જશો.
સત્ય કડવું પણ કહ્યે મીઠું થશે;
મૌનની માયા ભરીને ના જશો.
રાતભર મુંજાઇ મરશે મન બહુ;
મુંજવણથી મન ભરીને ના જશો.
દર્દનો દરિયો “ધુફારી” પી ગયો;
અંજલી અમથી ભરીને ના જશો.
૧૮/૦૯/૧૯૯૪
Filed under: Poem | Leave a comment »
Posted on November 12, 2008 by dhufari
“વેંચવાનું છે“
ખરીદે જો હ્રદય કોઇ હવે એ વેંચવાનું છે;
નથી રહેતું હવે કોઇ હવે એ વેંચવાનું છે.
જરા જો જો તપાસી લો પછી ફરિયાદ ના કરતાં;
મરમ્મત ના થઇ કોઇ હવે એ વેંચવાનું છે.
ખરે છે ધૂળ ટીકાની નથી છત ધીરની કયાં પણ;
ભરેલી મુંજવણ જોઇ હવે એ વેંચવાનું છે.
નથી દિવાલ કો‘કોરી સમયના પોપડા ખરતાં;
ફરસ પર જખ્મના લોહી હવે એ વેંચવાનું છે.
ખરીદી કોઇ શું કરશે નથી ભાડેથી રહેનારૂં;
“ધુફારી” આંખડી રોઇ હવે એ વેંચવાનુ છે.
૨૭/૦૮/૧૯૯૪
Filed under: Poem | Leave a comment »
Posted on November 12, 2008 by dhufari
“ચાંદની ખિલ્યા કરે“
આજ તું આવી મળે ને ચાંદની ખિલ્યા કરે;
રેશ્મી ઝુલ્ફો મહીં અટવાઇ મન ઝુલ્યા કરે.
આજ જેવી કેટલીય રાત ઉગી આથમી;
રોજ દરવાજા ઉમીદોના બધા ખુલ્યા કરે.
વાટ જોતી આંખડી મિંચાય છે થાકી જઇ;
તે છતાં પણ રોજ એ થાકો બધા ભુલ્યા કરે.
આશકી તારી મળી છે યાદ એ કરતાં સતત;
ડોક પારેવા સમાણી રાત‘દી ફૂલ્યા કરે.
યાદની શબનમ સતત વરસી રહે છે રાતભર;
ને “ધુફારી” પ્રીતના મોતી મહીં મુલ્યા કરે.
૧૪/૦૪/૧૯૯૪
Filed under: Poem | Leave a comment »
Posted on November 12, 2008 by dhufari
“મળતી નથી“
મુક્તકો લખવા હતાં પણ મુક્તતા મળતી નથી;
ખુબ ખંખેરી છતાં પણ સુસ્તતા ટળતી નથી.
ક્યાં લઘુ ને ક્યાં ગુરૂ ગુંગળાવતા ભેગા થઇ;
અછાંદસ લખવા છતાં પણ કાવ્યતા મળતી નથી.
કલ્પના આકાશમાં કહેવાય છે કવિઓ વસે;
વિહરવા ચાહું છતાં પણ સફળતા મળતી નથી.
ચૌદમા અક્ષર સમાણો આ “ધુફારી“છે કવિ;
ખૂબ મંથન એ કરે પણ માન્યતા મળતી નથી.
૦૩/૦૩/૧૯૯૪
Filed under: Poem | Leave a comment »
Posted on November 12, 2008 by dhufari
“થવાના“
ગણો છો સગા જે સગા ના થવાના;
તમારા હતા ના તમારા થવાના.
ઘડી બે ઘડી જરા સાથ આપો;
જીવનભર પડેલા પનારા થવાના.
ચરણરજ સમાણા જણાતા હતા જે;
અચાનક ચમકતા સિતારા થવાના.
ફરકતું હતું ના ફકિરીમાં કદી‘કો;
અમીરી મળે સૌ લુંટારા થવાના.
બજારે મળેના કદી ક્યાંય બુધ્ધી;
ઘમંડે ભરેલા પટારા થવાના.
મજધારમાંથી તરી પાર આવે;
એ કસ્તી ડુબોતા કિનારા થવાના.
તમોને કહુ કે કહુ ના ન જાણું;
અજાણે અચાનક ઇશારા થવાના.
નકામી ગઝલ જે “ધુફારી“ગણી‘તી;
પઠન એ ગઝલના દુબારા થવાના.
૦૩/૦૩/૧૯૯૪
(પ્રયત્ન જુન‘૯૪માં પ્રકાશિત્)
Filed under: Poem | Leave a comment »
Posted on November 12, 2008 by dhufari
“જવાના“
સિતમગર સિતમથી સતાવી જવાના;
તમારા એ કાંડા કપાવી જવાના.
કરીને કતલ એ તમોને પછીથી;
સજામાં ઉતારી ફસાવી જવાના.
કરીને કલંકિત કાળી કમાણી;
તમારી સફેદી ઉડાવી જવાના,
કરે છે નરકની નદીની બદી જે;
મગરના એ આંસુ વહાવી જવાના.
વિપદમાં તમોને ન કો‘ કામ આવે;
વમળમાં ધકેલી ડુબાવી જવાના.
સગો બાપ વેંચી સગા બાપને એ;
ચણાની પડીકી થમાવી જવાના.
વહેલું કે મોડું જવાનું એ રસ્તે;
“ધુફારી“હસેલા રડાવી જવાના.
૦૩/૦૩/૧૯૯૪
Filed under: Poem | Leave a comment »
Posted on November 12, 2008 by dhufari
“શિખ્યો નથી“
માનવી આકાશમાં ઉડી શકે તો શું થયું?
વાડ કાંટાળિ ઉપર એ બેસતાં શિખ્યો નથી.
વાંક બીજાના સતત એ સહેજમાં શોધ્યા પછી;
દોષ પોતાના હજુ એ દેખતાં શિખ્યો નથી.
શોધવાથી ના જડે છીદ્રો છતાં શોધ્યા પછી;
આંગળી મૂકી કદી એ ઢાંકતાં શિખ્યો નથી.
જીભની કાતરવડે છે વેતર્યા લોકો પછી;
સોઇ થઇને કો સબંધો સાંધતા શિખ્યો નથી.
હું કરૂં છું શું કરૂં છું મનમહીં મુંજાઇને;
આ“ધુફારી“તો કહે છે જીવતાં શિખ્યો નથી.
૧૨/૧૦/૧૯૯૩
(પ્રયત્ન દિપોત્સવી‘૯૩માં પ્રકાશિત)
Filed under: Poem | Leave a comment »