“નગ્ન આઝાદી“
કરીને દેશના કટકા,થયા આઝાદ કહેવાતા;
વિદેશી બોલતા બોલી,સ્વદેશી જોઇ શરમાતા.
નથી સુભાષ કે શાસ્ત્રી,નથી સરદાર લોખંડી;
ઊભી વણઝાર આખીમાં,પ્રપંચી દુષ્ટ પાખંડી.
ભિમારી જે હતાં કાલે,જુઓ છે આજના નેતા;
રહે છે ઠાઠ રજવાડી,સ્વયંને સેવકો કહેતા.
કરી કાળા બજારો ને,નશીલા દ્રવ્ય વેંચીને;
પ્રજાને પાંગળી કીધી,ઝહેર નસ નસમાં સીંચીને.
છે કાયર એદીઓ અણઘડ્,બની બેઠા જુઓ રક્ષક;
છુપાવવા દોષ પોતાના,થયા નિર્દોતાના ભક્ષક.
પ્રજા કલ્યાણને કાજે,બનાવે મંડળો બહોળા;
કરે કલ્યાણ પોતાનું,પ્રજાને કાઢતા ડોળા.
કરેલા કામ બીજાના,સ્વયંના નામથી રાખે;
ગજવવા નામ છાપામાં,હવનમાં હાડકા નાખે.
કરી એરણ તણી ચોરી,સોઇનું દાન એ દેતાં;
લૂંટીને લાજ અબળઅની,મગરના આસુંએ રડતાં.
નથી રોજી નથી રોટી,નથી ઘર કોઇ રહેવાને;
પ્રજાના રાજમાં જાવું,કહો ક્યાં વાત કહેવાને.
પ્રજાસત્તાકમાં દિઠી,”ધુફારી“આ શી બરબાદી;
ફરે છે પ્રૌઢ ચુમાળીસ,વરસની નગ્ન આઝાદી.
૧૪/૦૫/૧૯૯૧
Filed under: Poem |
Leave a Reply