“નોંધપોથી”

નોંધપોથી

 

ચમનમાં ફૂલની ચાદર ખસેડી કંટકો વેરી;

અમારા હાથથી લીધી અનેરી ચોટ ઘેરી.

 

હતાં જ્યાં વૃક્ષ વાવેલાં તજી રાજમાર્ગોને;

અમે આનંદની ખાતીર અટુલી કોધરી કેડી.

 

હતાં મિત્રો બધા મીઠા અને આનંદ દેનારા;

તફાવત પામવા ખાતર અમે ઊભા કર્યા વેરી.

 

જરા અણસારના આવ્યો અને ગફલત કરી બેઠા;

સજા મોટી મળી એની હતી ભુલ નાનેરી.

 

ટકોરા મારતી આવી તકો હરએક અમ દ્વારે;

ઉગાડી ના શક્યા દ્વારો ધકેલી છેક આગેરી.

 

હવે પૂરી થવામાં છે અમારી નોંધપોથી પણ;

લખેલી છેધુફારીની સદાયે યાદ દેનારી.

 

૨૯/૦૩/૨૦૦૧

“લાલ રાખું છું”

લાલ રાખું છું

 

તમાચો ગાલ પર મારી વદનને લાલ રાખું છું;

મદીરા કંઠમાં ધારી અડગ મુજ ચાલ રાખું છું.

 

ગમો ઊંડાણમાં ધરબી સમાધી મેં ચણી લીધી;

બનાવી બાગ ચોપાસે હરખનો ફાલ રાખું છું.

 

ગયેલી હાથથી બાજી કદી તાજી નથી કરતો;

નથી કહેતો નથી ફરતો અજાણી કાલ રાખું છું.

 

નથી પરવાનગી કોને મળું છું હું જ્યાં મુજને;

અનામત જગા કેરી સલામત ચાલ રાખું છું.

 

નથી લોકો કદી કોને અમનથી જીવવા દેતાં;

સમયની ચાલની સામેધુફારીઢાલ રાખું છું.

 

૧૪/૧૨/૧૯૯૯

“કાગળ”

કાગળ

 

ઉડીને ક્યાંકથી આવ્યો મળ્યો છે કોઇનો કાગળ;

હવાનો વેગ લઇ આવ્યો જડ્યો છે કોઇનો કાગળ.

 

લખેલો કોણે અને કોને અકળ છે સમજતું;

હજુ મેજ પર મારી પડ્યો છે કોઇનો કાગળ.

 

ગુલાબી રંગ છે એનો અને અત્તર લગાડેલો;

છે ભાષા મધ ભરેલીથી ગળ્યો છે કોઇનો કાગળ.

 

છે અક્ષરો મોતીઓ જેવા બહુ ઘૂટી લખેલા છે;

ધુફારીકોઇ તો પૂછે જડ્યો છે કોઇનો કાગળ.

 

૧૦/૧૦/૧૯૯૯

“કુલા?”(કચ્છી)

કુલા?”(કચ્છી)

 

પરેમ તું કેવે છતાં ટારે કુલા?;

ઝેર નફરતજો જટે હારે કુલા?.

 

કૈક વેરા સામ સામે મલી;

વાટ વચમેં ખલી ન્યારે કુલા?.

 

ભરમ તું પેધા કરેને લોક મેં;

મું જરા ગાલ કઇ ખારે કુલા?.

 

વાયધો કેવે છતાં અચણું વો;

વાત નેરીંધો હડાં વ્યારે કુલા?.

 

ચાલ તોજી કીં હલધી મું વટે;

સૈધુફારીકેં તડે વારે કુલા?.

 

૦૯/૦૯/૧૯૯૯

“વાર લાગે છે”

વાર લાગે છે

 

જગતના રૂપરંગોને સમજતા વાર લાગે છે;

કદી ઉભરાય નફરત તો કદી તો પ્યાર જાગે છે.

 

ભલે હો રાત અંધારી મહીં દેખાય છે જેને;

રવિના તાપની વચ્ચે બધે અંધાર લાગે છે.

 

હશે સૌ સાજ સાજા પણ છતાં બેસુર વાગે છે;

તૂટેલાં તારમાંથી પણ કદી ઝંકાર જાગે છે.

 

ફસી તોફાનની વચ્ચે તરી જાતા નરો જ્યારે;

ડૂબી જાતા કિનારા પર સદા મજધાર લાગે છે.

 

બનવાનું બને જ્યારે પડે કો ઘાત કુદરતનો;

ધુફારીના કશું બોલ છતાં ચકચાર જાગે છે.

 

૦૯/૦૯/૧૯૯૯

“અજંપો”

અજંપો

 

અજંપાને પંપાળી રહ્યો છું કેમ શા માટે?;

લઇને ગોદમાં ફરતો રહ્યો છું કેમ શા માટે?.

 

કદી એકાંતમાં બેસી અજંપાને ખંખેરૂં;

મળે છે વેગ બમણાથી જાણું એમ શા માટે?.

 

કદી જાગે અનુકંપા કદી ગુસ્સો અજંપા પર;

નથી સમજી શકાતું છતાં પણ રહેમ શા માટે?.

 

ગયા છે હાથ પણ થાકી નથી ભાર સહેવાતો;

નથી મુકી શકાતું ક્યાં પણ વ્હેમ શા માટે?.

 

હશે અસ્તિત્વ મારૂં જ્યાં કશે ત્યાં હશે સાથે;

ધુફારીજાણવું મારે થયો પ્રેમ શા માટે?.

 

૨૨/૦૨/૧૯૯૯

“પરવા નથી”

પરવા નથી

 

મારા ગમા કે અણગમાની કોઇને પરવા નથી;

વાતો કરે સૌ કોઇપણ કામો કશા કરવા નથી.

 

ઉપદેશ તમને સૌ આપશે પોથી તણું જ્ઞાન છે;

સૌ આચરે શ્રોતાજનો વક્તાને આચરવા નથી.

 

માગો તમારા કાજ તો જિન્દગી શું ચીજ છે?;

એવું ઘણા કહેતા હશે તૈયાર કો મરવા નથી.

 

ડૂમા ભરેલા દિલ મહીં છે કેટલા કોને ખબર;

આંસુ બધા તો પી ગયા છું આંખથી ખરવા નથી.

 

માણસ દુઃખી હોતો નથી જેટલો સમજી રહ્યો;

દોષ છે દૃષ્ટિ તણો પણ કોઇને પરવા નથી.

 

જ્યાં જ્યાં નજર ફરતા જુઓ ત્યાં ડર તણા ઓથાર છે;

જણેધુફારીજિન્દગી કંઇ ડારવા ડરવા નથી.

 

૨૧/૦૧/૧૯૯૯

“કરે લોકો”

કરે લોકો

 

ચમનમાં ફૂલ બદલે કંટ્કો વાવ્યા કરે લોકો;

તમોને ભેટ ધરવા કાજ લાવ્યા કરે લોકો.

 

સુધ્નવા હું નથી અથવા નથી પ્રહલાદનો દવો;

છતાં ખટરાગ કેરા તેલમાં તાવ્યા કરે લોકો.

 

ગણીને શર્કરા મીઠી ચગળવા ચાર બાજુથી;

ડરાવીને કદી ધમકી દઇ ચાવ્યા કરે લોકો;

 

સગા સમજી સબંધી કે બની મિત્રો સદા હસતાં;

સ્વંયનો લાભ મેળવવા સદા આવ્યા કરે લોકો.

 

ધુફારીઆંગળી આપે પકડશે હાથનું કાંડું;

સમજદારી વરતશો જો નહીં ફાવ્યા કરે લોકો.

 

૧૭/૦૨/૧૯૯૯

“જોતો રહ્યો”

જોતો રહ્યો

 

ઊર્મિઓના તારલા ખરતા સતત જોતો રહ્યો;

દોડતું મન ઝીલવાને રમત જોતો રહ્યો.

 

જિન્દગાની રંગભૂમિ ખેલ જે દેખાડતી;

હું અદબ બીડી કરીને હર વખત જોતો રહ્યો.

 

ઘણ અનુભવના મને ઘડતા રહ્યા શિખ્યો ઘણું;

ને છતાં પણ લાગતી ક્યાં ક્યાં અછત જોતો રહ્યો.

 

શું લખ્યું છે ભાગ્યમાં કોઇ ના વાંચી શકે;

ક્યાંયથી જો હાથ લાગે કોલખત જોતો રહ્યો.

 

ધુફારીજિન્દગી છે જે ગણો સારી બુરી;

મોત સાથે ચાલતી એની લડત જોતો રહ્યો.

 

૧૪/૦૨/૧૯૯૯

“બુધ્ધુ”*

બુધ્ધુ“*

 

શું લખો છો મને દેખાડજો;

ના મળું તો મને પહોંચાડજો.

 

હા ગઝલ લખવી બહુ સહેલી નથી;

છંદ કેરા બંધનો સંભાળજો.

 

ક્યાં લઘુ ને ક્યાં ગુરૂ સમજી વળી;

પ્રાસ કે અનુપ્રાસને ના ટાળજો.

 

દિલ મહીંથી જે તરંગો ઉદભવે;

નોંધવાનું યાદ રાખી પાળજો.

 

બસધુફારીએટલું કહેવું હવે;

ના કદી લખવા થકી કંટાળજો.

 

૧૨/૦૨/૧૯૯૯

 

*મારા ઓમાનમાં અંતરંગ મિત્ર શ્રી હેમંત કારિયાબુધ્ધુંજેમણે મને ગઝલો લખવા  પ્રોત્સાહિત કર્યો અને એમણે જે કહેલું તે શબ્દો ને સમાવી ને કૃતિ રચી છે.