“ભાવરાવ”

“ભાવરાવ”

(ભગવાનનો માણસ)

      અમારી ફેક્ટરીમાં એક સામન્ય મજુર હતો.નામ તેનું ભાવરાવ.ભોળો ભટાક માણસ એટલે ભાવરાવ.ભાવરાવ એટલે પારકી છઠ્ઠીનો જાગતલ નિખાલસ,મિત્રપ્રેમી અને તરત ભોળવાઇ જવાના સ્વભાવવાળો મસ્તરામ માણસ.આ બધા સદગુણોના સાથે સાથે દારૂ જુગાર તથા આંક ફરકના જુગાર નો પણ શોખીન.આ બધા દુર્ગુણોને પ્રોત્સાહન મળે એવી એક કુદરતી બક્ષીસ તેને હતી.તેને જ્યારે સખત પૈસા ની જરૂર પડ્તી ત્યારે તેને ઉંઘમાં આંક ફરકના સંકેતો મળતા અને એ મુજબ આંક ફરક નો જુગાર એ રમતો.તેને એ જુગારના વલણમાં હંમેશા તેની જરૂરિયાતથી વધુ રકમ તેને મળતી તેમાંથી તે પોતાની ખપ પૂરતા જ પૈસા પોતા પાસે રાખી બાકીના પત્નિ કૌશલ્યાને આપી દેતો.આજ

દિવસ સુધીમાં ક્યારે પણ તેણે સારા નરસાની કોઇ ત્રિરાશી ન્હોતી માંડી.     

     એક દિવસ રાતના વાળુ વેળાએ કૌશલ્યાએ ભાવરાવને કહ્યું

“કહું છું આપણી ઉષાના સાસુ મને મળવા આવ્યા હતા”

“હં…”

“તેઓ ગોકુળિયા લગન પર જોર આપે છે તો કંઇક પૈસાનો જોગ સમયસર કરજો”

“ભલે જોઇશું”કહી ભાવરાવે જમી લીધું અને આરામથી લંબાવ્યું

         બે દિવસ બાદ મિત્રોને ઉધાર આપેલ પૈસાની ઉઘરાણી કરીને પૈસા ભેગા કરવા લાગ્યો.એક દિવસ સવારે દોલુમલ સિંધીની હોટલમાં ચ્હા પીધી અને ચ્હાના પૈસા ચુકવવાની સાથે ખીસ્સામાં જે જમા પૈસા હતા એ ધરી દઇને આંકડો મંડાવ્યો.રાત્રે ૧૨ વાગે ભાવરાવે લખાવેલ આંકડો  લાગ્યો અને વલણમાં રૂપિયા ૨૫૦૦ મળ્યા.ભાવરાવ તો ખુશખુશાલ થઇ ગયો,ચાલો ઉષાના લગ્નખર્ચની જોગવાઇ તો થઇ ગઇ.ભાવરાવ પાસે આટલી મોટી રકમ જોઇને મિત્રોએ બે ઘુંટડા ભઇ જાય એવી જીદ કરી અને મિત્રપ્રેમી ભાવરાવ ના ન પાડી શક્યો.

          વાત એટલેથી જ પતી હોત તો સારૂં હતું પણ દારૂના ઘેનમાં મસ્ત થયેલા મિત્રોએ તેને નંદુને ત્યાં તીનપત્તી રેવા ઘસડી ગયા.દારૂના ઘેનમાં પડ્યા પછી સારા નરસાનું ક્યાં ભાન રહે છે.ભાવરાવ તો ભોળીયો એટલે એ મિત્રોના પ્રોત્સાહનથી રમવાની લાલચ ન રોકી શક્યો.તેમાં પણ શરૂઆતમાં ચારેક બાજી તે જીત્યો પણ પછીની બાજી હારી જતાં હવે પછી સારી બાજી આવશે એ જ

લાલચમાં લગભગ બધું જ હારી ગયો.કહે છે કે,હાર્યો જુગારી બમણું રમે.ઉષાના લગ્નખર્ચના પૈસા

ભેગા કરવા મરણિયા થયેલા ભાવરાવની ભગવાને સાંભળી હોય તેમ તેને બહુજ સરસ બાજી આવી પણ ચાલ માટે પૈસા ક્યાં? જુગારમાં ઉધારી તો ચાલે નહી.તાહાથના પાના ગજાનનને સોંપી સામે જ પડેલી શામરાવની સાઇકલ ઉપાડી જતાં જતાં કહ્યું

“ભડના દિકરાઓ અહીં જ બેસજો ભાવરાવ ગયો ને આવ્યો”

     રાત્રે બે વાગ્યે ઘરની સાંકળ ખખડાવી,કૌશકલ્યાએ દરવાજો ખોલતાં જ

“મને ૨૦૦ રૂપિયા આપ”

“રાતપાળીમાં છો?ચ્હા બનાવું?”

“ચ્હા પડી ચુલામાં મને ૨૦૦ રૂપિયા આપ”

“પણ તમે બેસો તો ખરા”

“૨૦૦ રૂપિયા આપ….” કહેતાક કૌશલ્યાના ગળામાંથી મંગળસુત્ર ખેંચી ભાવરાવ અંધારામાં અદ્શ્ય થઇ ગયો.

       રામવિલાસ મારવાડી પાસેથી મંગળસુત્ર પર ૨૦૦ રૂપિયા લઇને નંદુને ત્યાં પહોચ્યો.ગૃહલક્ષ્મીના મંગળસુત્રના પૈસે ગયેલી લક્ષ્મી જાણે પાછી વળી તેમ ભાવરાવ બાજી પર બાજી જીતવા લાગ્યો.કાગળના ડુચા જેમ નોટો ખીસ્સામાં ભરી વધારાની માથાપર બાંધેલા ગમછામાં

બાંધી.સવારના કુકડાની બાંગે રામવિલાસ મારવાડીને ૨૧૦ રૂપિયા આપી મંગળસુત્ર પાછું લીધું.ઘેર

આવ્યો ત્યારે રડી રડીને કૌશલ્યાની આંખો સુજી ગઇ હતી.

“તું કહેતી હતી ને પૈસાનો જોગ કરજો? લે આ પૈસા લે આ પૈસા”કહી ખીસ્સામાંની ગમછામાંની નોટો

કૌશલ્યા પર પુષ્પવૃષ્ટી કરતો હોય તેમ ઉડાડી.

“કેમ જોયા શું કરે છે?” એકી ટસે જોયા કરતી કૌશલ્યા નજીક જઇને મંગળસુત્ર પહેરાવતા પુછ્યું

“હું આ પૈસાને હાથ પણ નહી લગાડું જેમાં મારા મંગળસુત્ર પર જોખમ હોય”કહી કૌશલ્યાએ મંગળસુત્રને આંખે લગાડ્યું

“તો….?”

“હા!…જો તમે હાથ પાણી લ્યો કે,હવે પછી ક્યારે પણ દારૂને હાથ નહી લગાડો,જુગાર કે મટકો (આંક ફરક)નહી રમો તો જ આ પૈસા ઉષાના લગ્નખર્ચમાં વપરાય”

            કૌશલ્યાએ ભાવરવને પીવા માટે આપેલ પાણીના લોટામાંથી અંજલી ભરી પાણી મુક્યું અને કાન પક્ડી તોબા કરીને કહ્યું

“હવે ખુશ?”

“એકદમ”સાવ સાચા ભગવાનના માણસ એવા ભોળા ભરથાર પર કૌશલ્યા વારી ગઇ.

%d bloggers like this: