“મહારાણી(૩)

“મહારાણી(૩)
(ગતાંકથી ચાલુ)

કેબીનમાંથી બહાર નીકળતાં કાઉન્ટર પર વિઠ્ઠલભાઇને વજલાએ કહ્યું
“કમ સો વીઠુ માલમ?”
“વીઠુ માલમ?”મેં પુછ્યું
“હા..ભાઇ..!વિરજીશેઠ કહે એ સાચું” કહી વિઠ્ઠલભાઇ હસ્યા.
“વરી ગાર ડીધીને?મું તો તમે મારા માટે મારી ચદી ખમીસ સીવતા’તા તઇએ પણ વજલો હતો ને આજે પણ સુ ને રઇસ.જોયે તો બે લાફા મારી લો પણ વિરજી શેઠ મ કે’જો”
“અરે…!નારાજ થઇ ગ્યો?નહી કહું બસ”કહી વિઠ્ઠલભાઇએ વજલાના ખભા પકડી લીધા અને પીઠ થાબડી.
મોટી બજારમાં અમે કચ્છ બેકરી પર આવ્યા ત્યારે રૂખી બ્રેડ બિસ્કીટની ગોઠવણીમાં વ્યસ્ત હતી.  
“હા…!બોલો?” પોતાનું કામ કરતાં બેપરવાઇથી પુછ્યું.
“કિલો ખારી ભિસકુટ”
“બીજું?”
“બસ”સો રૂપિયાની નોટ સરકાવતાં વજલાએ કહ્યું.હું વજલાની બાજુમાં ઊભો હતો.હું તો તેણીને એકી ટશે જોતો હતો.મને નવો ગ્રાહક સમજી ભ્રકુટી ખેંચીને તેણીએ મારા સામે જોયું.
“હા…! બોલો?”વજલાને બિસ્કીટ અને પૈસા પાછા આપતાં મને પુછ્યું.
“હું…તો” તેણીના આ ઓચિન્તા સવાલથી હું ગુંચવાતા બોલ્યો.
“શું..હું…તો?”
“અરે…!રૂખી આ મારે હારે જ સે,આપણા જનુકાકાનો અનિલ”
“તો શું કરૂં આરતી ઉતારૂં?,ને તું મને શું રૂખી રૂખી કર્યા કરશ રૂક્ષ્મણી કે’તા તારી જીભને ઝાટકા લાગે છે?તું વિરજીશેઠ હશે તો સલાયામાં મારે શું?..હુંહ્”ખભા ઉલાડ્તા એક નજર મારી તરફ પછી વજલા તરફ કરી પાછી પોતાના કામમાં લાગી ગઇ.
“હા…ભઇ રૂ..ખ..મ..ણી બસ”કહી વજલો અને હું દુકાનમાંથી બહાર આવ્યા.
“ગાડીમાં બેસતાં મારાથી બેકરી તરફ જોવાઇ ગયું ત્યારે રૂક્ષ્મણીએ કટાક્ષ ભરી એક નજર કરી.
“ડોબો”વજલાએ કહ્યું
“હે…!”મેં વજલા તરફ જોયું
“મેં નહી,રૂખીએ તુને કહ્યું ડો…બો”ગાડી ઉપાડતાં વજલાએ કહ્યું.
“ઉફ્!!!કમાલ નમુનો છે યાર!”મેં સ્વસ્થ થતાં કહ્યું  
“હા…યાર એક તો પોતે નમુનો સે પાછું એની બેકરી જવા ભિસકુટ ક્યાંય બનતા નથ”
“માંડવીની કોઇ બેકરીમાં નહી?”મેં આશ્ચર્યથી પુછ્યું
“ના,ઇનો બાપ કરપોગોર ભારેનની કોઇ ભિસકુટ ફેકતરીમાં કામ કરતો’તો ત્યાંથી શીખી આવીયોસે બે પૈસા ગાંઠે થયા એટલે કછ આવીને આ કછ બેકરી અગારી.માલ જાતે બનાવે તી પણ ઘરે ઇનાથી કોઇને ખબર ન પરે કે કવી રીતે ભનાવેસ.માણસો  ફક્ત માલ સેકવાનું ને અતારવાનું કામ કરે તેના પર કરપોગોર ચોકી કરે.ગયા વરસે બુઢ્ઢો ચાર મઇના ખાટ્લામાં રીયો તારથી બધો કારભાર આ નમુનો જ હંભરે સે”
“હં.!!!!”
નુરચાચાના ઘર પાસે વજલાએ પોતની વેન ઊભી રાખી મારી સાઇકલ ઉતારી કહ્યું
“ઘેર આવજે”
“હા..આવીસ”
             હું સાંજના નુરચાચા અને વજલાના ઘેરથી પાછો ફર્યો ત્યાં સુધી રૂક્ષ્મણી જ મારા મનમાં ઘુમરાયા કરતી હતી.અતુલને ત્યાં નક્કી થયા મુજબ રાત્રે સૌ મિત્રો તળાવની પાળે મળ્યા અને પછી વજલાની વેનમાં બધા કાશીવિશ્વનાથ ગયા.દર્શન કરી મંદિરની પાછળ દરિયા કિનારે રેતી માં બેઠા ત્યારે મેં મારા બધા મિત્રોના ખબર અંતર પુછ્યા,અનેક વાતો થઇ અને વાત ફરતી ફરતી રૂક્ષ્મણી પર આવી ગઇ.
“હં.!!! હવે આવ્યા મેઇન પોઇન્ટ પર,આખર તબલો સમ પર આવ્યો ખરો”લવજીએ ટીખળ કરી
અને જાણે એની જ રાહ જોવાતી હોય તેમ આખરે શરૂ થયું મોટી બજારની મહારાણીનું રૂક્ષ્મણી પુરાણ.સૌએ એક પછી એક પોતાના અનુભવ કહેવાનું શરૂ કર્યુ.
“અતુલ તને યાદ છેને?ઓલ્યા મમુ મસાલાવાળાની દુકાનના મેરામણે રૂખીને જોતાં ખાંડની બદલે મીઠું જોખેલું”
“રૂખીની ચપ્પલની પટી તૂટી ગયેલી તે સંધવા આવી તેમાં પમુડાએ પ્રાણુભાઇના નવા જોડા પર લાલ ના બદલે કાળી પાલીસ  લગાડેલી”
“ઓલો નટુ,એક જમાનામાં કાતરા મુછો રાખતો અને હંમેશા મુછપર તાવ દેતો ફરતો,એક દિવસ કાના માલમની દુકાને રૂખીના ઘેર આવેલ કોઇ મહેમાન માટે તાજછાપ સિગારેટનું પાકિટ લેવા આવી ત્યારે ત્યાં સિગારેટ સળગાવતા નટુની એક તરફની કાતરા મુછ સળગી ગઇ એનું પણ એને ભાન ન રહ્યું” 
“ઓલો વિશ્યો બાડો ગાંઠિયા પાડતો હતો,તેણે રૂખીને હસનની દુકાને ઊભેલી જોતાં ઝારાને બદલે કળ કળતા તેલમાં હાથ જાવા દિધેલો”
“ગાભાના મઠિયાએ તો સુમારની દુકાને ઊભેલી રૂખીને જોતાં જોતાં જ તપેલીના બદલે ચોકડીમાં ચ્હા ગાળેલી ને ગાભાની માર ખાધી નફામાં”
“ધના ધોબીએ તો કમાલ કરી,હાજીની દુકાને આવેલી રૂખીને જોવામાં દુલાશેઠની નવી નકોર પેન્ટ પર ગરમ ઇસ્ત્રી મુકી બાળી નાખી.”
“ખબર છે ને?રૂખીની દુકાન પાસે જ કલાપી ટોકીઝનું બોરડ લાગે છે,એક દિવસ ભનિયાનું બોરડ લગાડ્વા ઉપર ચડવું ને રૂખીનું કઇ ફિલમ છે એ જોવા ડોકિયું કરવું બન્ને એક સાથે થતાં ભનિયો બોરડ સમેત નીચે પડેલો અને બોરડ ફાટી કરીને એની ડોકમાં ભેરવાઇ ગયેલું”
“શેઠ સ્ટુડિયોમાં ફિલ્મનો રોલ લેવા રૂખી આવી,તેમાં પુનમ પ્રિન્ટીંગ પ્રેસના ચતિયાએ મશીનમાં પેપર ના બદલે પોતાનો હાથ જાવા દીધેલો”
“નવાપરામાં ગિરધરના નંગ નવલાએ…….”
“એ જ ગિરધર તો નહી જ્યાં વિઠ્ઠલભાઇ કામ કરતાં હતાં?”અરજણ આગળ કંઇ બોલે એ પહેલા મેં પુછ્યું.
“એ…જ મારા ભાઇ એ જ ગિરધરના નવલાએ બહેનપણી સાથે વાત કરવા પા કલાક રૂખી શું ઊભી રહી એટ્લામાં એક ગ્રાહકના પેન્ટના કાપડમાંથી બીજા ગ્રાહકની જાકિટ વેતરી નાખી”
“કમાલના પરચા છે”મેં ઘડિયાળ જોતાં વજલાને કહ્યું.
“પરચા? હજુ તો આ પાશેરાની પહેલી પુણી છે બીજા તો બાકી છે આમાં તો રાત આખી ઓછી પડે” લવજીએ ઊભા થતાં કહ્યું.
“ચાલો ભાઇ,મોડું થાય છે,ઘેર બધા રાહ જોતા હશે”મેં ઊભા થતાં કહ્યું
“અચ્યુતમ્ કેશવમ્ શ્રીરામ નારાયણમ્……..”લવજી તાળી પાડી ગાવા લાગ્યો.
“બસ..બસ..બસ..લવા મારાજ ખમૈયા કરો” વજલાએ હાથ જોડી કહ્યું.
“આ વળી શું? મેં પુછયું
“રૂખમણી પુરાણ આજ દિવસ પુરતું પુરુ થયું ને?એટલે આરતી તો ગાવી પડેને?”કહી લવજી વેનમાં બેઠો અને હસ્તાં હસ્તાં બધા વેનમાં ગોઠવાયા,વજલો એક એક કરીને બધાના ઘેર ઉતારી ગયો.
       માંડ્વીમાં મારા ઘરથી નજીક અતુલ બુટિક જ હતું અને એમાં પણ ભેનીમાશીની ચ્હામાં શું જાદુ હતું કે,એ મારૂં એક વ્યશન થઇ ગયું. મિત્રોને મળવા જતો,લાયબ્રેરીમાં છાપા,સામયિક, ચોપાનિયા વગેરે ઉથલાવતો,વાંચતો પણ મોટા ભાગનો સમય અહી જ પસાર થતો.રૂખી જ્યારે પણ અહીથી પસાર થતી અને જો મને બેઠેલો જુવે તો તેણી મને એક નવો આશિક માની એક કટાક્ષ ભરી નજર કરી પસાર થઇ જતી.
     એક દિવસ હું અતુલ બુટિકથી ઘેર જવા નીકળ્યો.મારૂં સાઇકલ પર બેસી બુટિક સામેની ગલી માં દાખલ થવું અને તેણીનું ગલીમાંથી બહાર આવવું બન્ને એક જ સમયે જ થતાં હું ખચકાઇ ગયો.મેં મારેલી બ્રેક જરા મોડી લાગી તેથી સાઇકલનું આગલું પૈડું અમસ્થું તેણીના પગને અડી ગયું.હું કંઇ સમજુ,બોલું તે પહેલાં તો તેણીએ મારી સાઇકલનું હેન્ડલ પકડી સાઇકલ મારી પાસેથી ખેંચતાં કહ્યું
“સાઇકલ ચલાવતાં આવડતી ન હોય તો બેસતો શું હોઇશ ડોબા”કહી તેણીએ તો મારવાના જનુનમાં આવીને હાથ ઉગામ્યો જે મેં પકડી લીધો.એ રૂપગર્વિતાનો અહમ્ કદાચ પહેલી વખત ઘવાયો.હાથ છોડાવી ને છણકો કરતી,બબડ્તી તેણી જતી રહી.બુટિકમાંથી વિઠ્ઠલભાઇ, અતુલ,ભેનીમાશી બધા બહાર ધસી આવ્યા.
“શું થયું?શું થયું?”  
“અરે…! કાંઇ નહી..રે…!હું સાઇકલ પર ઘેર જતો હતો,મારૂં ગલીમાં વળવું અને રૂખીનું ગલી માંથી બહાર આવવું એક સાથે થયું,સાઇકલની બ્રેક બરાબર લાગી નહી તેથી પૈડું અમસ્થું અડી ગયું તેમાં તો મને લાફો મારવાના મુડમાં આવી ગઇ જાણે રણચંડી”સાંભળી સૌ હસી પડ્યા  ઓટલા પર બેસતા મોટા ભાગના મજનુંઓને આ સાંભળી મજા આવી ગઇ કે,આખર રૂખીને કોઇ માથાનો મળ્યો ખરો.
    આ ઘટના પછી મને લાગે છે,તેણીનો અહમ્ ગવાતા વધુ મગરૂર થઇ ગઇ પણ વર્તનમાં ખાસ ફરક પડ્યો નહી,એ જ અદાથી બુટિક પાસેથી પસાર થતી હતી.એક દિવસ તેણી એ જ ગલીમાંથી ધોયેલા કપડાની ડોલ લઇને આવી રહી અને કડાકા સાથે કમોસમનો વરસાદ તૂટી પડ્યો.ગલીના નાકે આવી ત્યારે સફેદ વસ્ત્રોમાં સજ્જ અપ્સરાના આખાય શરીર પર ભીંના વસ્ત્રો એવા ચીપકી ગયા હતાં કે ઉપવસ્ત્ર વગરના તેણીના ભીંના વસ્ત્રો નીચેથી તેણીના આખા અંગની ભૂગોળ પ્રત્યક્ષ થતી હતી.આ પરિસ્થિતીમાં ગલીની બહાર ઓટલા પર બેઠેલા મજનુંઓ વચ્ચેથી કેમ પસાર થવું તેની અવઢવમાં તેણી ત્યાં જ ખચકાઇને ઊભી રહી ગઇ હતી. 
     દરરોજની જેમ બુટિકના કાઉન્ટર પાસે મારા માટે મુકેલી ખુરશી પર બેસી હું કચ્છમિત્ર વાંચતો હતો.મેં પાનુ ફેરવતાં ઉપર જોયું અને ગલીના નાકા પર આરસ પ્રતિમા સમ ખચકાઇ ઉભેલી રૂખીને જોતાં મને તેણીની સમસ્યા સમજાઇ ગઇ.મેં કાઉન્ટર પાસે ટીંગાતો મારો રેઇનકોટ ઉપાડ્યો અને જઇ ને તેણીને ઓઢાળ્યો ત્યારે અહોભાવના આંસુ તેણીની આંખમાંથી સરીને ગાલપર પડેલી વર્ષા બુંદ સાથે ભળી ગયા.હાથમાંની ડોલ જમીન પર મુકી,એક પળ માટે તેણી એકીટશે મને જોતી મારો હાથ પકડી ઊભી રહી ત્યાર બાદ મારા હાથને આંખે લગાડી,ચૂંમીને ડોલ ઉપાડી જતી રહી.
       એક રવિવારે ભાંગેલા નાકામાંથી દરિયાની નાળમાં ઉતરી સલાયામાંથી થઇને અમે મિત્રો પગે ચાલીને કાશીવિશ્વનાથ જઇ રહ્યા હતાં. વજલો તો મુંબઇ ગયો હતો જે અમને વેનમાં લઇ જતો હતો.હું ફાતિમાચાચીને મળીને કાશીવિશ્વનાથ આવું છું એમ કહી મિત્રોને રવાના કર્યા અને હું નુર ચાચાના ઘર તરફની સુનસાન ગલીમાં વળ્યો ત્યારે મને આભાસ થયો કે,કોઇ મારી પાછળ આવે છે.હું ખચકાઇને ઉભો રહી ગયો.મેં પાછા ફરીને જોયું તો રૂખી.હું મ્હોં ફેરવીને ચાલવા લાગ્યો.
“અનિલ”
સાંભળીને હું પાછો વળીને ઊભો રહ્યો.આંખો ઢાળી ધીમી ચાલે મારી નજદીક આવીને મારા બન્ને હાથ પકડી મારી આંખોમાં આંખ પરોવી તેણીએ કહ્યું,
“અનિલ,તું સ્વાવલંબી થઇ જાય,સેટલ થઇ જાય અને યોગ્ય સમય આવે ત્યાં સુધી હું તારી રાહ જોઇશ”              
તેણીની વાણીની ને નેણની ભાષા હું સમજુ તે પહેલાં ઓચિંતો વરસાદ તૂટી પડ્યો.સાથે લાવેલા રેઇનકોટ નીચે અમે બન્ને છુપાઇ ગયા ત્યારે તેણીના માદક સ્પર્શે મારા બધા સવાલોના જવાબ દઇ દીધા.
આ બધું ઘરની બારીમાંથી જોતા ફાતિમાચાચીએ બુમ પાડી.
“છોકરાઓ ઘરમાં આવી જાવ”
સાંભળી રેઇનકોટ નીચેથી નીકળી મ્હો છુપાવતી શરમાઇને રૂખી નુરચાચાના ઘરમાં દોડી ગઇ ને રેઇન કોટ ઉચું કરી ફાતિમાચાચી સામે જોઇ હું હસ્યો.       
 (સમાપ્ત)

2 Responses

  1. Kharekhar…Dhufari ni vat alag che…..me maharani na 3 part vachya…ne jevi rite tame jini jini vastu o nu ullekh karyu che je gani anad dayak che…..juna mitro nu malvu….e hasi majak….ne vache prem ni kupan nu futvu…kharekhar admya…anand che….varta vachine kachchh ni yad aavi gayi…….

    • ભાઇ મનિષ
      તારો પ્રતિસાદ વાંચી આનંદ થયો.આ વાર્તાની પાર્શ્વભૂમી જ કચ્છ છે,અને એની સાથે વણાયેલી વાતો વાંચીને કચ્છના વતની ને કચ્છની યાદ આવી જાય. મારો એક અંતરંગ મિત્ર જ્યારે પણ મળતો ત્યારે તે જે ભાષામાં વાત કરતો હતો તે માટે જ વાર્તા વજલા ઉર્ફે વિરજીશેઠની આજુબાજુ ગુંથેલી છે જેની તળપદી ભાષાથી લોકો ને પરિચિત કરાવવાના ઉદેશ્યથી તેની જ ભાષા તે જેમ મિત્રો સાથે બોલે છે તેવા શબ્દો મૂક્યા છે.મેં ઘણી એવી વ્યક્તિને જોઇ છે જેમને જરા ઊંચો હોદો અથવા બે પૈસા મળેથી જુના મિત્રો જો અત્મીયતા દાખવી તુંકારે બોલાવે તો મ્હોં મચકોળે અથવા આપણી ઉપેક્ષા કરે જ્યારે વજલામાંથી વિરજીશેઠ થયેલ વજલો મિત્રો માટે એ જ જુનો વજલો છે.જે મહારાણીનો પાત્ર ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે તેણી હકિકતમાં ખરેખર પોતાના રૂપ પ્રત્યે સભાન કિશોરીની છે,જેના તરફ આકર્શાયેલ દિવાનાની જમાત મોટી હતી.બાકીની વાર્તાના પાત્રો પણ લેખકના અંતરંગ મિત્રો નથી પણ કાલ્પનિક છે.
      -પ્રભુલાલ “ધુફારી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: