“મહારાણી”(૧)
નુરચાચાએ ગાડી રૂકમાવતીના પુલ તરફ વાળી ત્યારે સામે દેખાતો પુલનો ગેટ અને પુલ ઉપર થી પસાર થતાં નજરે આવનાર હોલિયોકોઠો (લાઇટહાઉસ) ની કલ્પના માત્રથી અંગમાં એક અજબ રોમાંચ વ્યાપી ગયો.આજ લગભગ પાંચ વર્ષ બાદ માંડવી આવવાનું થયું.
છેલ્લે હું ધારૂં છું તેમ પપ્પાના ફઇ કમળાબાની માંદગી વેળાએ પાડોશી વજુભાઇ પાસેથી અર્જન્ટકોલ કરાવીને તેમણે કહેવળાવેલું કે,જનુને કે’જો હવે હું જાજુ નહી જીવું મને છેલ્લી વખત મળી જાય સાથે અનુરાધા અને અનિલને પણ જરૂર લાવે છોકરાવમાં જીવ લાગી ગયો છે,એટલે છેલ્લી વખત બન્નેને જોઇ લઉ ત્યારે પપ્પાએ મને કહ્યું હતું જા નુરાને કહે અત્યારે જ તાબડતોબ માંડવી જવાનું છે,તારી મમ્મી ક્યાં છે એને કહે બધા માટે ખપ પુરતો સામાન પેક કરીલે ખબર નથી કેટલા દિવસ રોકાવું પડશે.ખરેખર એ કમળાબાના અંતિમ દર્શન જ હતાં.અમારા માંડવી પહોચ્યાના ત્રીજા દિવસે જ એ અમને રડતાં મૂકી અનંતયાત્રાએ સિધાવ્યા.મરણોત્તર થતી વિધી પુરી કરીને ઘર બંધ કર્યુ અને ચાવી બકુલકાકાને સોંપી અમે પાછા આવતા રહેલા.
હું બીજા ધોરણમાં હતો ત્યારે પપ્પાની બદલી નવસારી થયેલી ત્યાર બાદ અમરેલી,પોરબંદર
જામનગર્,રાજકોટ એટલે હું અને અનુરાધા નવી સ્કૂલોના અનુભવ લેતા ભણતા રહ્યા.રાજકોટ બદલી થઇ ત્યારે હું કોલેજના પહેલા વરસમાં હતો અને હમણાં છેલ્લા વરસમાં અને અનુરાધા પહેલા વરસ માં હતી.માંડવી બદલીના સમાચાર પપ્પાએ આપ્યા ત્યારે ઘરમાં આનંદ આનંદ છવાઇ ગયો.સૌથી વધુ ખુશ હતાં નુરચાચા.માંડ્વી બદલીના સમાચાર જાણી ને મમ્મીને કહેલું
“ચાલો આખરે ફતિમાની આરજુ અલ્લાહે કબુલ કરી ખરી”
પપ્પાની પહેલી નિમણુંક માંડ્વીમાં થઇ ત્યારે બેન્કની ગાડી નુરચાચા ચલાવતા,ત્યાર બાદ પપ્પાને નવી ગાડી મળી એ પણ નુરચાચા જ ચલાવતા અને પછી તો માંડવીથી અમે જ્યાં જયાં ગયા નુરચાચા અમારી સાથે ને સાથે જ રહ્યા એક ફેમિલી મેમ્બર તરિકે.ગાડી પુલ પસાર કરી નવા નાકા તરફ્ વળી ત્યારે મેં કહ્યું
“નુરચાચા,ફાતિમાચાચી હાથનું નેજ્વું કરી એ ઉભા”
નુરચાચા સલાયા તરફ નજર કરીને હસ્યા.ગાડી અમારા ઘર પાસે ઊભી રહી ત્યારે વરંડામાં મુકેલ હીંચકાપર બેસી છાપું વાંચતા બકુલકાકા દોડીને સામે આવ્યા.રમાકાકીએ રસોડાની બારીમાંથી ડોકિયું કર્યું અને નેપકીનથી હાથ લુછતા લુછતા બહાર આવ્યા.
“આવી ગયા ભાઇ?”
મેં કાકીને અને પછી કાકાને પ્રણામ કર્યા,બકુલકાકાએ અનુરાધાનું માથું સુંગી કપાળે ચુંબન કર્યુ
“ભાભી આતો તમારાથી પણ લાંબી થઇ ગઇ અને આ અનિલ તો જનુભાઇથી એક મુઠ્ઠી ઉંચો લાગે છે”
કહી બકુલકાકા હસ્યા.
“એ બધું ઘરમાં પણ કહેવાય,આમ બારણામાં જ શું ઉભા રાખ્યા?”રમાકાકીએ ટ્કોર કરી.
“હે!..હા..હા..આવો..આવો”કાકા છોભાઇને બાજુ ખસ્યા.
સૌ ઘરમાં દાખલ થયા પાછળ નુરચાચા સાથે સામાન ઉપાડીને હું પણ દાખલ થયો ત્યારે બકુલકાકા સામે દોડી આવ્યા.
“તું રે’વા દેને ભાઇ નુરો બધું ઉપાડી લાવશે”
“હાથ મ્હો ધોઇ’લો એટલે થાળી પીરસાય જમવાનું તૈયાર જ છે” કહેતા કાકી રસોડામાં ગયા,પાછળ મમ્મી અને અનુ પણ ગયા.
“નુરા તું પણ હાથ મ્હો ધોઇલે મારાભાઇ ને હારોહાર જ્મવા બેસીજા” બકુલકાકાએ સામાન ગોઠવતાં નુરચાચાને કહ્યું
“ના,બકુલભાઇ હું સલાયા જાઉ છું,ઘેર ફાતિમા રાહ જોતી હશે,ગાડી પણ વાલજી મિસ્ત્રીના ગેરેજમાં આપવી છે,ફેન બેલ્ટ અને વાઇપરનું કામ કરાવવાનું છે,વરસાદ થશે તો પાછી મુશીબત”
“હા..હા..તું તારે ઘેર જા” પપ્પાએ કહ્યું એટલે નુરચાચાએ હાથ ઉચો કરીને પહેલી આંગળીમાં સુદર્શન ચક્રની જેમ ચાવી ફેરવતા ફેરવતા રવાના થયા.
“નુરા! ફરી પાછી ચાવી ફેરવીને?”રસોડાની બારીમાંથી જોતાં મમ્મીએ કહ્યું
“પડી પટોળે ભાત,ફાટે પણ ફીટે નહી”કહી પપ્પા હસ્યા.
“બસ થઇ રહ્યું”મમ્મીએ કહ્યું ને નુરચાચા હસ્તા હસ્તા જતા રહ્યા.
કમળાબાના અવસાન બાદ અમારૂં ઘર બકુલકાકા ને રમાકાકી જ સંભાળતા હતાં.દર રવિવારે બે કલાક ઘર ખુલ્લું રાખતા,માણસો આવીને સાફ સફાઇ કરી જતાં.ઘરના દરેક સામાનની ચીવટથી સંભાળ લેતા.બધા જમી પરવાર્યા ત્યાં સુધી ઘણી વાતો થઇ,બકુલકાકા અને પપ્પા વરંડામાં રાખેલ હિંચકા પર બન્ને વચ્ચે સીગારેટનું પાકીટ અને માચિસ રાખી આરામથી સીગારેટના કશ ખેંચી વાતો કરતા હતા.રમા કાકી,અનુ અને મમ્મી રસોડાના કામમાં ગુથાયોલા હતા.હું એકલો શું કરૂં?એટ્લે આંગણાના બારણા પાસેની દિવાલે ટેકવેલી સાઇકલ ખેંચતાં કહ્યું
“કાકા!બરાબર ચાલે છે ને?”
“અરે ફસક્લાસ”
“અરે!અત્યારે ખરા બપોરે?”
“અતુલને ત્યાં બીજે ક્યાં જશે? જા ભાઇ જા,તમારા માંડ્વી આવવાના સમાચાર આપ્યા ત્યારથી બેન્કમાં રોજ ફોન કરે છે.જા મળી આવ અને ઓલી બાબુડાની હાટડીની જગાએ એણે બનાવેલી બુટિક પણ જોઇ આવ”બકુલકાકાએ હાથથી જવાનો ઇશારો કરતાં કહ્યું.
બકુલકાકા અને રમાકાકી એક નિઃસંતાન દંપતી હતી.આમતો બકુલકાકા લગભગ પપ્પાની જ ઉમર ના હતાં,ઉભયને અમો ભાઇ બહેન પર સગી સંતતી જેટલો પ્રેમ હતો.વેકેશનમાં અમે બન્ને અચુક માંડ્વી આવતા,ઉતરવાનું તો કમળાબાને ઘેર જ પણ બન્ને આખો દિવસ બકુલકાકાને ઘેર જ પડ્યા પાથર્યા રહેતા,ઘણી વખત કમળાબા મીઠો ગુસ્સો પણ કરતાં અને તે માટે એકાદ દિવસ તેમના માન ખાતર તેમના સાથે રહેતા પણ બીજા દિવસે હતાં ત્યાંના ત્યાં.હું બકુલકાકાને અને અનુ રમાકાકી ને વડીલ ને બદલે સાચા મિત્ર માનતા,અનુ મમ્મીને ન કહે એવી અને હું પપ્પાને ન કહું એવી વાત અમે બન્ને આ દંપતીને કરતા અને અમને હંમેશા સાચી સલાહ મળતી.
મસ્જીદના ચોકમાં જ બાબુકાકાની કરિયાણા દુકાન હતી.બાબુકાકાનો અતુલ અને હું એકડિયા થી બીજા ધોરણમાં આવ્યા ત્યાં સુધી એક જ સ્કૂલમાં ભણતાં.બાબુકાકાની દુકાનની પાછળનો ભાગ આમતો વખાર તરિકે વપરાતો પણ એ અમારી વિવિધ પ્રવૃતિનું કેન્દ્ર સ્થાન હતું.અમે બન્ને ત્યાં બેસીને સ્લેટમાં લેશન કરતાં,ત્યાં જ બેસીને પતંગ બનાવતાં,પતંગ માટે માંઝો તૈયાર કરતાં.આજે એ જગાએ અતુલ બુટિકનું પાટીયું ઝુલતું હતું.આગળના ભાગનો દિદાર જ ફરી ગયેલો એ જોઇને મનમાં આનંદ થયો.હું સાઇકલ બાજુમાં મુકી બુટિકમાં દાખલ થયો,સામે જ ત્રણ મેનીક્વીઝને તૈયાર પોશાક પહેરાવી ઊભા રાખેલા હતાં અતુલ બારણાં તરફ પીઠ રાખી કારીગર બાઇને કહી રહ્યો હતો,
“શાંતાબેન આમાં મોરની ડિઝાઇનવાળા જ બટન લગાડો”
“પણ અતુલભાઇ ડ્રેસ બાર છે ને બટન ફકત સાતમાં લાગી શકે એટલા જ છે એટલે મને થયું કે,આ
મોરપીંછ કલરના વપરાતા નથી તો એ જ લગાડી દઇએ તો કેમ?
“ના..ના..નથી વપરાતા તેથી આ ડ્રેસમાં લગાડશું તો ડ્રેસની મજા મરી જશે.તમે એક કામ કરો એકમાં આ મોરની ડીઝાઇનવાળા બટન લગાડો ને એકમાં મોરપીંછ કલરના લગાડો ને પછી નક્કી કરો કે,ક્યા સારા લાગે છે.
“ના…હો એવી ડ્બલ મજુરીની જરૂરત નથી પણ બાકીના પાંચ ડ્રેસના બટન…….?શાંતાબેન વાક્ય પુરૂં કરે તે પહેલાં જ અતુલે કહ્યું
“હું હમણાં જ ભુજ ફોન કરી નરભેરામને કહી દઉ છું,એ માવલા સાથે બટન મોકલાવી આપે”અને એ ફોન કરવા પાછો ફર્યો.
“અરે..!તું ક્યારે આવ્યો?”કહી મને ભેટી પડ્યો.
“આજે જ રાજકોટથી આવ્યા,સવારના આઠ વાગે નિકળેલા,એક વાગે ઘેર.બાબુકાકા ને પ્રેમાકાકી કેમ છે?”
“બન્ને મઝામાં આવ આવ અંદર કેબીનમાં બેસીએ”કહી અતુલે કેબીનનો દરવાજો ખોલતા બુમ પાડી
“અરે…! વિઠ્ઠલ”
“એ આવ્યો ભાઇ”કહી એક આધેડ ઉમરની વ્યક્તિ દાખલ થઇ.
“જરા કાઉન્ટર સંભાળજો અને ભુજ ફોન કરીને નરભેરામને કહી દો કે,મોરની ડીઝાઇનના બટન પાંચ ડ્રેસ માટે માવલા સાથે મોકલાવી આપે”
“ભલે હમણાં જ કહી દઉ”
“આ બધું એકદમ ક્યારે કર્યું?”મેં ખુરશીમાં બેસતાં પુછ્યું
“આપણે મેટ્રીકમાં હતાં ત્યારે તને કાગળ લખેલો યાદ છે? પણ ત્યાર પછી આપણા વચ્ચે પત્ર વહેવાર જ નથી થયો.કમળાબાના અવસાન વખતે તું આવેલો પણ તારી હાલત જોઇને મનમાં ચાલતી મારી મુંઝવણ તને જણાવવાની મારી હિંમત ન ચાલી”
“કમળાબા તો કમળાબા જ હતા.મારા દાદા દાદી તો વહેલાં જ મારા જન્મ પહેલાં જ ગુજરી ગયેલા પણ કમળાબાને જોઇને લાગતું કે,દાદી હયાત હોત તો આવા જ લાગતા હશે.સાતમી ભણતો હતો ત્યાં સુધી વેકેશનમાં માંડવી આવતા ત્યારે હું અને અનુ એમને બાઝીને જ રાતના સુતા”
“હં..તો તને લખેલું ને કે,ભણવામાં મજા નથી આવતી,બાપાની દુકાને મસાલાના પડીકા પણ નથી
વાળવા પણ મન માને એવું કંઇક કરવું છે”
“હા..હા.અને મેં તને લખેલું કે,તું બકુલકાકાને મળજે તું મળેલો?”
“હા…આ બધું એમની સલાહથી તો થયું”
“એટલે?”
“તેમણે કહ્યું જો દિકરા આટલું ભણ્યો છો તો મેટ્રીક પુરી કરી લે અને સાથે ફેશન ડીઝાઇનીંગનો કોર્સ કર,ડ્રોઇન્ગની પરિક્ષાઓ તો તેં આપી જ છે.આજકાલ ફેશન ડીઝાઇનર પોતાના બુટિક ચલાવતાં થઇ
ગયા છે”
“હા..એ સાચી વાત છે,પછી?”
“બધુ સમયસર થઇ ગયું પણ પપ્પા આનાકાની કરતા હતાં”
“તો…?”
“તો શું..? મેં બકુલકાકાને વાત કરી મને કહે બાબુડાને કહેજે મને મળી જાય એટલે મેં પપ્પાને વાત કરી અને એ બકુલકાકાને મળી આવ્યા અને માની ગયા”
“હં……..”
“આવ,તને મારૂં વર્કશોપ દેખાડું”
અમે જ્યાં રમતાં ત્યાં કતારબંધ દશ સિલાઇ મશીન ગોઠવેલા હતાં.એક મોટું કટીંગ ટેબલ હતું અને ફરતાં સ્ટેન્ડ ઉપર સીવાયેલા તૈયાર ડ્રેસ લટકતાં હતાં.ડ્રેસની ડીઝાઇન જોઇને ખુબજ આનંદ થયો.બધા જ સીલાઇ મશીનપર લેડીઝ કારીગર સીલાઇ કરતી હતી.અમે પાછા કેબીનમાં આવ્યા ત્યારે મેં મારા મગજમાં ઘુમરાતો પ્રશ્ન કર્યો.
“આ બધી કારીગર લેડીઝ કેમ?કોઇ જેન્ટ્સ ન મળ્યા?”
“એ પણ બકુલકાકાનું જ સજેશન”
“એટલે?”
“એટલે એમ કે,જેન્ટસ કારીગર બીડી સીગારેટ પીવા બહાર જાય,પાન માવો લેવા, ખાવા જાય પછી થુકવા જાય તેમાં ટાઇમ પાસ કરે એટ્લે ધાર્યુ કામ પુરુ ન થાય.જ્યારે લેડીઝનું એવું કશુ ન હોય તેથી કામ પણ ધાર્યુ થાય ને પાછું ચીવટથી કરે.બધાને સવારના દશ વાગે અને બપોરે ચાર વાગે ચ્હા-કોફી સીલાઇ મશીનપર જ મળી જાય.પાછળ જ એમના માટે બાથરૂમની અલાયદી સગવડ કરી છે.મારા વર્ક શોપમાં એક કટીંગ માસ્તર સિવાય કોઇ જેન્ટસ નથી”
“તો…પછી બાબુકાકા?”
“કાંઠા પર એક ઓફિસ રાખી છે અને હોલસેલનો વેપાર છે”
“વાહ….! તો તો સરસ જમાવટ થઇ ગઇ”
(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply