“પાર્થ પૂછે છે“
(રાગઃફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં…)
પાર્થ પૂછે છે કેશવ કહોને કહોને કૃષ્ણ મુરારી;
તમે બંસી કેમ વિસારી… … … … … … … … … … …
ગોકુળિયાની ગલી ગલીમાં જમુના કેરી પાળે,
વૃંદાવનના વૃક્ષો નીચે કદંબ કેરી ડાળે;
બંસી સુર રેલાયા જાણે સરિતા કેરા વારી,
તમે બંસી કેમ વિસારી… … … … … … … … … … …
સુર સરિતામાં કદંબ ન્હાયા ન્હાયા જળ જમુનાના,
ગોપી ને ગોપાલો ન્હાયા ન્હાયા વન વૃંદાના;
ધન્ય થયા નંદરાય જશોદા માતા જાતા વારી,
તમે બંસી કેમ વિસારી… … … … … … … … … … …
ગોકુળ છોડ્યા પછી કદી ના મુરલી મધૂર છેડી,
અધર ન ઉઘડ્યા કેશવ જાણે હાથ પડી ગઇ બેડી;
દામોદર શો દોષ થયો અમ આપ્તજનોથી ભારી,
તમે બંસી કેમ વિસારી… … … … … … … … … … …
ક્લેષ ન કર કુંતીસુત કોઇ દોષ ના ઉરમાં ધારો,
રાધાના વચન બંધાયો શ્યામ સખા આ તારો;
ધરોહર છે આ રાધાકેરી ના મુરલી રહી મારી,
તમે બંસી કેમ વિસારી… … … … … … … … … … …
૨૧/૧૧/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply