“મહારાણી”(૨)
(ગતાંકથી ચાલુ)
“હા…!કરિયાણાની દુકાન બંધ કરતાં બાપુજીનું મન ન્હોતું માનતું પણ……”
“આખર માની ગયા”
“છેલ્લા ત્રણ વરસમાં બીજું પણ ઘણું બદલાઇ ગયું છે”
“આપણી મંડળીની વાત કર….ઓલ્યો લવજી?”
“બધી બ્રાન્ડની સાઇકલનો ડીલર છે અને હમણાં જ…લગભગ ત્રણ મહિના પહેલાં જ લ્યુનાની એજન્સી મળી છે”
“વાહ..! ને જગન?”
“બાપ સાથે ટર્નરનું કામ કરે છે,ગેસ કટીન્ગ તો એવું કરે છે,જાણે કપડું વેતરતો હોય”
“આવી ગયોને ધંધાની ભાષામાં?”
“…….”
“અરજણ…?”
“સુટ સ્પેશ્યાલિસ્ટ છે ભાઇ,ગામ આખામાં અરે કચ્છ આખામાં એ વન અરજણ તરિકે ઓળખાય છે”
“વજલો..? અહીં જ છે કે,ચન્ના માલમની મહાલક્ષ્મીમાં દરિયો ખેડે છે?”
“ના..રે..યાર એને તો ચાંદી થઇ ગઇ”કલદારનો અભિનય કરતાં કહ્યું
“એટલે..?”
“વજલાનો બાપ હીજુ માલમ દુલાશેઠની ગાડી ચલાવતો ને?”
“હા…તો?”
“એક દિવસ દુલાશેઠના મગજમાં શું આવ્યું,માંડવીથી ઠેઠ મુંબઇ પોતાની નવી ગાડી લઇને ગયેલા ત્યારે હીજુમાલમે જ ગાડી ચલાવેલી”
“તો…..?”
“એક દિવસ દુલાશેઠ હીજુને મહાલક્ષ્મી લઇ ગયા”
“રેસકોર્સ….?”
“હા, હીજુમાલમના મનમાં શું આવ્યું ભગવાન જાણે,ખીસ્સામાં હતાં એ બધા પૈસા એક ઘોડા પર રમી નાખ્યા ને એને મહાલક્ષ્મી ફળી ને જેકપોટ લાગ્યો”
“શું વાત કરે છે….?”
“હીજુમાલમ પૈસા લઇને પ્લેનમાં ભુજ આવ્યો ને ટેક્ષીમાં માંડવી”
“વજલો ત્યારે માંડ્વીમાં જ હતો,બાપ પાસે આટલા બધા પૈસા જોઇને વજલો સીધો મારી પાસે આવ્યો, મને કહે અતુલ તું હમણાં ને હમણાં મારી સાથે મારા ઘેર ચાલ,મેં કહ્યું એવું તે શું જરૂરી કામ છે?તો વજલાએ કહ્યું બધી વાત ઘેર ચાલીને કરશું અને આ બારે પડી એ જ સાઇકલ મારા પાસેથી લઇ મને પાછળ બેસાડી પોતાના ઘેર લઇ ગયો.તેના ઘેર ગયા બાદ ખબર પડી કે,હીજુમાલમને જેકપોટ લાગ્યો છે. બીજા દિવસે બધા પૈસા અને હીજુમાલમ બન્નેને બેન્કમાં બકુલકાકા પાસે લઇ ગયો”
“આ સરસ કામ કર્યું”
“બધી બેન્કીન્ગ ફોર્માલીટી પુરી કર્યા પછી હીજુમાલમને પાસબુક અને ચેકબુક આપીને બકુલકાકાએ હીજુ માલમને કહ્યું આ બન્નેને બરાબર સાચવજે અને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આ બન્ને સાથે મારી પાસે લાવજે ને પૈસા લઇ જજે”
“હં…પછી?”
“બે દિવસ પછી બકુલકાકાએ વજલાને ઘેર બોલાવ્યો”
“હં….”
“બકુલકાકાએ વજલાને પુછ્યું જો કોઇ તને નાખુદા તરિકે રાખી લોંચ ચલાવવા આપે તો એ તું તારા મેળે ચલાવી શકે?જેમાં બધું તારી મરજી મુજબ થાય તો તું કરી શકે? લાંચ નુરવાની,માલ સંભાળવા ની, ખલાસીઓ પાસેથી કામ કરાવવાની હિંમત છે તારામાં?મોસમની,વાવળાની અને દરિયાના રસ્તાની જાણ કારી છે તને?બકુલકાકા પુછતાં રહ્યા અને વજલો હકારમાં માથું હલાવતો રહ્યો.આખરે વજલા એ કહ્યું મને એકવાર બસ એક જ વાર લોંચ સોંપી તો જુઓ,ત્યારે બકુલકાકાએ કહ્યું મારી જવાબદારી પર અપાવું છું ઠપકો સાંભળવા તો નહી મળેને? ત્યારે વજલાએ બકુલકાકાના બન્ને હાથ પકડી કહેલું વિશ્વાસ રાખો આ વજલો મરતાં મરી જશે પણ તમને ઠપકો નહી અપાવે એટલે બકુલકાકાએ કહ્યું તો ઠીક છે,આવતીકાલે સલાયા શિપયાર્ડમાં હીજુને તેડીને આવજે”
“પછી…?”
“બીજા દિવસે બાપ દિકરો સલાયા ગયા ત્યારે બકુલકાકાએ હીજુમાલમને કહ્યું હીજુ તારો દિકરો ક્યાં સુધી પારકી લોંચમાં મજુરી કરશે?મેં ચન્નામાલમ સાથે વાત કરી છે,આ ઊભી નવીનકોર લાંચ “ભાગ્યલક્ષ્મી” એ પંદરલાખમાં વેંચવા તૈયાર છે,તું કે’તો હો તો તને અપાવી દઉ અને ત્યારે હીજુમાલમે બકુલકાકાના હાથ પકડી કહ્યું બકુલભાઇ હું તો અભણ માણસ છું અને તમને સાચો રસ્તો સુઝે છે તો હું ના કરનાર કોણ હેં? ત્યારે વજલાએ કહ્યું હવે મને સમજાણું કે,તમે કાલે મારી પરિક્ષા કેમ લેતા હતા સોદો પાકો થઇ ગયો ને “ભાગ્યલક્ષ્મી” વજલાને મળી ગઇ”
“વાહ…!બકુલકાકાનું કામ એટલે કહેવું પડે”
“ભાગ્યલક્ષ્મી વજલાને એવી ફળી કે,સલાયામાં મોટું મકાન બનાવ્યું,બે નવી મારૂતી લીધી ને બસ ભલા ભાઇ,આજે એ જ વજલો વિરજીશેઠ તરિકે ને હીજુમાલમ હિરજીભાઇ તરિકે ઓળખાય છે.
“વજલો!!!વિ..ર..જી..શેઠ થઇ ગયો? તો તો એના ઠાઠમાઠ જોવાજેવા હશે”
“જો ફોન કરૂં છું,હમણાં જ આવશે”કહી અતુલે ફોન ડાયલ કર્યો.
“હલ્લો..કોણ? વિરજીશેઠ છે?”અતુલે જરા ઘોઘરા અવાઝે પુછ્યું
“હા બોલો મું વિરજી બોલું સું”
“વજલા…હું અતુલ”
“અરે…!!! વા’રે કસ્મત!!અભો રે જરા જોઇ લઉ સુરજડાડો કઇ બાજુથી અગીયો’સ”
“એક ભાઇ તારી પુછા કરે છે ફોન આપુ છુ વાત કર”કહી અતુલે ફોન મને આપ્યો.
“એ..મ..ચો..ઇ..ઇઇજુ…મ…અઆ..લમ”મેં અમારા ગામના એક વડીલ ધારશીકાકાની નકલ કરી.
“અનિલ!!!!!!!!!!!ક્યારે આવ્યો?”
“આજે જ,ઓળખી લીધો તેંતો…”
“ધારશીકાકાની જેમ તું એક જ બોલી હ્કે સે,ફોન મક મું હમણાં જ આવું સું”
“આવે છે ને?”અતુલે પુછ્યું
“હા”
“તને કહ્યુંને,ફોન કરીશું એટલે તરત જ આવશે,તો હવે ચ્હા મંગાવું ને?કહી એણે કેબીન દરવાજો ખોલી કહ્યું
“વિઠ્ઠલ,જરા ભેનીબેનને ચ્હાનું કહેજો”કહી અતુલ પાછો ખુરશીમાં બેઠો.
“હું તને એક વાત પુછવાનો હતો,વજલાની વાતમાં ભુલાઇ ગયું.આ વિઠ્ઠલભાઇ તો મોટી ઉંમરના લાગે છે, છતાં “વિઠ્ઠલ” કહેવું એ જરા તોછડું નથી લાગતું?”
“અરે ભાઇ આ તો ચીંથરે વિટ્યું રતન છે,નવાપરામાં એની પોતાની દુકાન હતી અને સારી ચાલતી હતી, પણ બૈરીની બિમારીમાં દુકાન, મશીન બધું જ વે’ચી નાખ્યું,પછી ગિરધરની દુકાને બેસતો અને સીલાઇ કામ કરતો ત્યારે બધા વિઠ્ઠલા વિઠ્ઠલા કરતા”
“હશે પણ તેથી….??”અતુલે મને રોકતા કહ્યું.
“બૈરીની ચિંતામાં એકાદ કપડું બગડી ગયું ત્યારથી ગિરધરની તોછડાઇ વધી ગઇ પણ લાચારીથી પડ્યો હતો”
“પણ….”અતુલે ફરી મને અટકાવતા કહ્યું.
“મારા બુટિકના કટીંગ માસ્તરને કમળો થયો ને એ ગુજરી ગયા.બકુલકાકા આ વિઠ્ઠલ પાસેથી જ કપડાં સીવડાવતા હતાં.આ બધું બની ગયાના પછીના દિવસોમાં તેની દુકાને ગયા ત્યાં તો પાનની દુકાન થઇ ગઇ હતી,તપાસ કરતાં ખબર પડી કે,એ હવે ગિરધરને ત્યાં બેસે છે.બકુલકાકા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ગિરધર તેને ભાંડ્તો અને ગાળો દેતો હતો.વિઠ્ઠલનો દયામણો ચહેરો જોઇ બકુલકાકા તો હેબતાઇ ગયા પણ કાંઇ પણ બોલ્યા વગર દુકાનની સામેની દિવાલને ટેકો દઇ ઊભા રહ્યા,વિઠ્ઠલે જ્યારે ઉચું જોયું ત્યારે હાથની ટચલી આંગળીનો ઇશારો કરી મુતરડી તરફ બોલાવ્યો. વિઠ્ઠલ બકુલકાકા ને મળ્યો ત્યારે કહ્યું બકુલભાઇ હવે મારી દુકાન નથી એટ્લે તમારા કપડાં હું નહી સીવી શકું.સીવાસે અને તું જ સીવી આપીશ પણ હમણાં મારી સાથે ચાલ અને તેને અહીં લઇ આવ્યા.મને એક બાજુ બોલાવી ને કહ્યું જો દિકરા તને કટીંગ માસ્તરની જરૂર છે અને આ મુફલીસ જેવો દેખાતો માણસ એ વન કટીંગ માસ્તર છે અને મેં તેમને તે જ દિવસે નોકરી પર રાખી લીધા”
“એ તો સારૂં કર્યુ યાર તો પણ….”
“અનિલ,એ પળ હું ક્યારે નહી ભુલું જ્યારે મેં કહ્યું આવો વિઠ્ઠલભાઇ એ માણસ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો” કહેતાં અનિલની આંખ ભીની થઇ ગઇ.
“રડતાં રડતાં એ માણસે કહેલું મે’રબાની કરીને મને વિઠ્ઠલભાઇ ન કહેશો.વિઠ્ઠલા કરતાં વિઠ્ઠલ સારૂં અને એ માણસનું મન રાખવા જ વિઠ્ઠલ કહું છું.કટીંગ વખતે કે ઓછું કપડું વેસ્ટ જાય તેની એ માણસ ચીવટ રાખે છે મેં તેમને કહ્યું છે તમારા જુના ગ્રાહકના કપડા શીવવાની પણ તમને છુટ છે”સાંભળી મારી આંખ પણ ભીની થઇ ગઇ ત્યાં ભેનીબેન ચ્હા મુકી ગયા અને ચ્હાના કપને હાથ લાગે એ પહેલાં તો વંટોળિયા ની જેમ આવેલો વજલો મને ભેટી પડ્યો.
“તો….જનુકાકાની બદલી માંડવી થઇ ગઇ અમને?”
“હાસ્તો”
ખુરશીમાં બેસવા જતાં ટેબલ પર ચ્હાના બે કપ જોઇને બોલ્યો.
“સાલા ડોબા,મારી ચા કીયા?”અને કેબીનનો દરવાજો ખોલી બુમ પાડી.
“ભેનીમાસી…..”અને ભેનીબેન વજલા માટે ચ્હા લઇને દાખલ થયા.
“તારી મારૂતીનો અવાજ મેં સાંભળ્યો દિકરા”કહી ચ્હા મુકી ગયા.
“જોયું..આ..મા..સી,મા થી પણ વધારે ધીયાન રાખે અવી માસી”
“કેમ છે તારી ભાગ્યલક્ષ્મી?”
“અરે…!!! બે દી પે’લા આવત તો બતાવત બે દી પે’લા જ પે’લી ઘોસમાં ગઇ મોસમ ખુલી ગઇને?”
“લોંચ દરિયામાં ને નાખવો ગામમાં?”
“મું જાઉંસ ને મું’બી પં’દી કછ એસપેસમાં”
“કાં પ્લેનમાં નહીં?”
“ના યાર કાન બે’રા થઇ જાય સે,અમ પણ ઓછું હંભલાય સે”
“પૈસાનો અવાજ તો બરાબર સંભળાય છે ને?”મેં મજાક કરી
“……”સૌ હસી પડ્યા અને ચ્હા પીવાઇ ગઇ,ત્યાર બાદ ઘણી અરસ પરસની વાતો થઇ, એકાએક વજલો અતુલ તરફ ઝુકીને કશુંક ગણગણ્યો.
“ગાડી મઇથી અતરિયો તા’રે ઓલી મોટી બજારની મા’રાણી જતી’તી”
“કોણ રૂક્ષ્મણી?”
“હા.ઇ..જ રૂખી બીજુ કોણ?”
“……?”મેં પ્રશ્નાર્થ બન્ને તરફ જોયું.
“આને ઓળખાણ ન પડી”અતુલે કહ્યું
“તેં જોઇ હશે તા’રે આટ્લિક હશે,આજે જો તો ખબર પડે”હાથથી તેણીની ઉંચાઇ દેખાડ્તા વજલાએ કહ્યું
“પણ કોણ?”
“કરપાગોરની ગગી”
“કોણ…કરપોગોર? તમે કોની વાત કરો છો?”મેં અકળાઇ જતાં કહ્યું
“અરે..! અહીં આપણી બુટિકની બાજુની શેરીમાં જ રહે છે”અતુલે કહ્યું
“આરે હા!..હા!..પેલા ભારેનવાળા”
“એ જ”
“પેલી એક ચોટ્લો વાળેલો અને એક ચોટ્લાના વાળ ખુલ્લા ને ખોખલો ફ્રોક પહેરી ફરતી એ?”
“હા…એ જ જેને તું કચ્છીમાં પુછતો કે,તું રૂખી ક મખેલી(તું લુખી કે ચોપડેલી)”
“હા..હા..”
“આજે જો તો ખબર પડે.રૂપારી પણ અતરી સે જાણે અપસરા પાછી નેણ નાકે પણ નમરી,પણ રૂપનું ભારે અભેમાન બાપ!,મોટી ભજારની તીજી ગલીમાં બાપની બેકરી હંભારે સે”
“એમ?”
“કોઇથી ગાંજી જાય એમ નથ અને કોઇને ઘાસ પણ નથ લાખતી,ઘેરથી નકરીને બેકરી પર જતી હોય કે,પાછી આવતી હોય તીયારે રસતા પર માણસો જોતા રી જાય. આપરી બતીક હામે મસીદના ને હમીદ ચાચાની દુકાનના ઓટલે બેઠેલા બધા એના જ આસક સે,જો ખાતરી ન થતી હોય તો મજનુંઓ જોઇ આવ”
“હં..હું આવ્યો ત્યારે ઘણા નવરા નાથા ત્યાં બેઠેલા જોયા ખરા,પણ આવા ભર બપોરે તળકામાં શા માટે બેઠા છે,એ હવે સમજાયું”
“સું કરે બચારા?રૂખીનો કંઇ ધડો નઇ,સવારના કીયારેક આઠ વાગે બેકરી પર જતી હોય કયારેક નવ વાગે,કીયારેક એક વાગે ઘેર આવતી હોય કીયારેક બે વાગે.કીયારેક તઇણ વાગે બેકરી પર જતી હોય કીયારેક ચાર વાગે.બધા ઓલું કાંઉ કેવાય હા દરસણભુયખા સે.”વજલાએ કહ્યું
“અપસરા જોવી હોય તો હાલ હમરાં જ બતાડું”વજલા એ આંખ મિચકારી કહ્યું
“મારે ફાતિમાચાચીને મળવા સલાયા તો જવું જ છે એટ્લે આવું છું”
“અમ તો અમ”
(ક્રમશ)
Filed under: Stories | Leave a comment »