“ક્રિસ્ટલની કણી”
(રાગઃ હિન્દ તું શા’થી પડ્યો છે કાળ ચક્કરમાં….)
છું કણી ક્રિસ્ટલ તણી કંઇ કાચની કટકી નથી,
ટકરાઇ છું પથ્થર વડે કંઇ સહેજમાં બટકી નથી.
અણમોલ ચીજ્નું અંગ છું કંઇ ચીજ અમસ્તી નથી,
કાચના કો પાત્ર સરખી ચીજ કંઇ સસ્તી નથી.
રત્ન કુળમાં ઉદભવી એ વાત અણજાણી નથી,
માણી મેં પણ જિંદગી કંઇ વેઠ મેં તાણી નથી.
શોભતા શો-કેશમાંથી કંઇ સહેજમાં આણી નથી,
છલકાઇ સુરાઓ ઘણી કંઇ એ બધા પાણી નથી.
સ્પર્શ નાજુક હોઠના કંઇ આંકડા રાખ્યા નથી,
પીવાઇ મદિરા મુઝ વડે કંઇ સ્વાદ મેં ચાખ્યા નથી.
જે માન મોભા મેળવ્યા કંઇ ખુશનસીબી કમ નથી,
હવે હું રહું કે ના રહું કંઇ અફસોસ યા તો ગમ નથી.
૧૩/૦૮/૧૯૮૮
(પ્રયત્ન ઓગષ્ટ’૮૮માં પ્રકાશિત)
Filed under: Poem |
Leave a Reply