“ભાવરાવ”

“ભાવરાવ”

(ભગવાનનો માણસ)

      અમારી ફેક્ટરીમાં એક સામન્ય મજુર હતો.નામ તેનું ભાવરાવ.ભોળો ભટાક માણસ એટલે ભાવરાવ.ભાવરાવ એટલે પારકી છઠ્ઠીનો જાગતલ નિખાલસ,મિત્રપ્રેમી અને તરત ભોળવાઇ જવાના સ્વભાવવાળો મસ્તરામ માણસ.આ બધા સદગુણોના સાથે સાથે દારૂ જુગાર તથા આંક ફરકના જુગાર નો પણ શોખીન.આ બધા દુર્ગુણોને પ્રોત્સાહન મળે એવી એક કુદરતી બક્ષીસ તેને હતી.તેને જ્યારે સખત પૈસા ની જરૂર પડ્તી ત્યારે તેને ઉંઘમાં આંક ફરકના સંકેતો મળતા અને એ મુજબ આંક ફરક નો જુગાર એ રમતો.તેને એ જુગારના વલણમાં હંમેશા તેની જરૂરિયાતથી વધુ રકમ તેને મળતી તેમાંથી તે પોતાની ખપ પૂરતા જ પૈસા પોતા પાસે રાખી બાકીના પત્નિ કૌશલ્યાને આપી દેતો.આજ

દિવસ સુધીમાં ક્યારે પણ તેણે સારા નરસાની કોઇ ત્રિરાશી ન્હોતી માંડી.     

     એક દિવસ રાતના વાળુ વેળાએ કૌશલ્યાએ ભાવરાવને કહ્યું

“કહું છું આપણી ઉષાના સાસુ મને મળવા આવ્યા હતા”

“હં…”

“તેઓ ગોકુળિયા લગન પર જોર આપે છે તો કંઇક પૈસાનો જોગ સમયસર કરજો”

“ભલે જોઇશું”કહી ભાવરાવે જમી લીધું અને આરામથી લંબાવ્યું

         બે દિવસ બાદ મિત્રોને ઉધાર આપેલ પૈસાની ઉઘરાણી કરીને પૈસા ભેગા કરવા લાગ્યો.એક દિવસ સવારે દોલુમલ સિંધીની હોટલમાં ચ્હા પીધી અને ચ્હાના પૈસા ચુકવવાની સાથે ખીસ્સામાં જે જમા પૈસા હતા એ ધરી દઇને આંકડો મંડાવ્યો.રાત્રે ૧૨ વાગે ભાવરાવે લખાવેલ આંકડો  લાગ્યો અને વલણમાં રૂપિયા ૨૫૦૦ મળ્યા.ભાવરાવ તો ખુશખુશાલ થઇ ગયો,ચાલો ઉષાના લગ્નખર્ચની જોગવાઇ તો થઇ ગઇ.ભાવરાવ પાસે આટલી મોટી રકમ જોઇને મિત્રોએ બે ઘુંટડા ભઇ જાય એવી જીદ કરી અને મિત્રપ્રેમી ભાવરાવ ના ન પાડી શક્યો.

          વાત એટલેથી જ પતી હોત તો સારૂં હતું પણ દારૂના ઘેનમાં મસ્ત થયેલા મિત્રોએ તેને નંદુને ત્યાં તીનપત્તી રેવા ઘસડી ગયા.દારૂના ઘેનમાં પડ્યા પછી સારા નરસાનું ક્યાં ભાન રહે છે.ભાવરાવ તો ભોળીયો એટલે એ મિત્રોના પ્રોત્સાહનથી રમવાની લાલચ ન રોકી શક્યો.તેમાં પણ શરૂઆતમાં ચારેક બાજી તે જીત્યો પણ પછીની બાજી હારી જતાં હવે પછી સારી બાજી આવશે એ જ

લાલચમાં લગભગ બધું જ હારી ગયો.કહે છે કે,હાર્યો જુગારી બમણું રમે.ઉષાના લગ્નખર્ચના પૈસા

ભેગા કરવા મરણિયા થયેલા ભાવરાવની ભગવાને સાંભળી હોય તેમ તેને બહુજ સરસ બાજી આવી પણ ચાલ માટે પૈસા ક્યાં? જુગારમાં ઉધારી તો ચાલે નહી.તાહાથના પાના ગજાનનને સોંપી સામે જ પડેલી શામરાવની સાઇકલ ઉપાડી જતાં જતાં કહ્યું

“ભડના દિકરાઓ અહીં જ બેસજો ભાવરાવ ગયો ને આવ્યો”

     રાત્રે બે વાગ્યે ઘરની સાંકળ ખખડાવી,કૌશકલ્યાએ દરવાજો ખોલતાં જ

“મને ૨૦૦ રૂપિયા આપ”

“રાતપાળીમાં છો?ચ્હા બનાવું?”

“ચ્હા પડી ચુલામાં મને ૨૦૦ રૂપિયા આપ”

“પણ તમે બેસો તો ખરા”

“૨૦૦ રૂપિયા આપ….” કહેતાક કૌશલ્યાના ગળામાંથી મંગળસુત્ર ખેંચી ભાવરાવ અંધારામાં અદ્શ્ય થઇ ગયો.

       રામવિલાસ મારવાડી પાસેથી મંગળસુત્ર પર ૨૦૦ રૂપિયા લઇને નંદુને ત્યાં પહોચ્યો.ગૃહલક્ષ્મીના મંગળસુત્રના પૈસે ગયેલી લક્ષ્મી જાણે પાછી વળી તેમ ભાવરાવ બાજી પર બાજી જીતવા લાગ્યો.કાગળના ડુચા જેમ નોટો ખીસ્સામાં ભરી વધારાની માથાપર બાંધેલા ગમછામાં

બાંધી.સવારના કુકડાની બાંગે રામવિલાસ મારવાડીને ૨૧૦ રૂપિયા આપી મંગળસુત્ર પાછું લીધું.ઘેર

આવ્યો ત્યારે રડી રડીને કૌશલ્યાની આંખો સુજી ગઇ હતી.

“તું કહેતી હતી ને પૈસાનો જોગ કરજો? લે આ પૈસા લે આ પૈસા”કહી ખીસ્સામાંની ગમછામાંની નોટો

કૌશલ્યા પર પુષ્પવૃષ્ટી કરતો હોય તેમ ઉડાડી.

“કેમ જોયા શું કરે છે?” એકી ટસે જોયા કરતી કૌશલ્યા નજીક જઇને મંગળસુત્ર પહેરાવતા પુછ્યું

“હું આ પૈસાને હાથ પણ નહી લગાડું જેમાં મારા મંગળસુત્ર પર જોખમ હોય”કહી કૌશલ્યાએ મંગળસુત્રને આંખે લગાડ્યું

“તો….?”

“હા!…જો તમે હાથ પાણી લ્યો કે,હવે પછી ક્યારે પણ દારૂને હાથ નહી લગાડો,જુગાર કે મટકો (આંક ફરક)નહી રમો તો જ આ પૈસા ઉષાના લગ્નખર્ચમાં વપરાય”

            કૌશલ્યાએ ભાવરવને પીવા માટે આપેલ પાણીના લોટામાંથી અંજલી ભરી પાણી મુક્યું અને કાન પક્ડી તોબા કરીને કહ્યું

“હવે ખુશ?”

“એકદમ”સાવ સાચા ભગવાનના માણસ એવા ભોળા ભરથાર પર કૌશલ્યા વારી ગઇ.

“બુંદ બુંદ”

બુંદ બુંદ

 

જોઇ નીચોવી નફરતને તો મહોબ્બ્ત ટપકી બુંદ બુંદ્;

લૂ ઝરતાં ઉનાળે જાણે ઝાકળ ટપકી બુંદ બુંદ.

ઘેરી ઘોર નિરાશામાંથી આશા ટપકી બુંદ બુંદ;

ખારાપાટ મહીંકો મીઠી વીરડી ટપકી બુંદ બુંદ.

દુરાચારના દોજખ વચ્ચે મમતા ટપકી બુંદ બુંદ;

ધગધગતા અંગારે જાણે હીમ કો ટપકી બુંદ બુંદ.

સોમલ કેરા ઝહેર મહીંથી અમૃત ટપકી બુંદ બુંદ;

કલમધુફારીકરમાં લેતાં કવિતા ટપકી બુંદ બુંદ.

 

૨૨/૦૫/૧૯૯૦

“પ્રણય મારો”

પ્રણય મારો

 

કર્યો બેહાલ તરછોડી હતો તો પ્રણય મારો;

તમારી પ્રિત ના પામ્યો હતો આશિક તમારો.

સજી અરમાનની અચકન હતો તો પ્રણય મારો;

કર્યા અરમાનના લીરા જોઇ ઇનકાર તમારો.

ગણીતી ખુશનશીબી ખુશ હતો તો પ્રણય મારો;

બની ગઇ કમનશીબી જોઇ ધુત્કાર તમારો.

તમે ના ઓળખ્યા એને હતો તો પ્રણય મારો;

ધુફારીના વળે પાછો જોઇ ઇકરાર તમારો.

જે સુતો છે નનામીમાં હતો તો પ્રણય મારો;

કફનમાં પ્રિતનો પાલવ મળે આભાર તમારો.

 

૩૦/૦૩/૧૯૯૦ 

“ઊર્મિનો સાગર”

ઊર્મિનો સાગર

 

મારા ઉરમાં ઊર્મિનો સાગર છે ()

પ્રેમ થઇને સમીર ત્યાં વહે છે…….

રોજ એના કિનારે બેસું છું ()

પાંખ પહેરી ઉમંગ ઊડે છે……મારા ઉરમાં

કોડી ને કંકણો છે વેળુમાં ()

સુખ દુઃખના કરેલા સર્જન છેમારા ઉરમાં

કરી મંથન સમુદ્ર જોવું છે ()

મળે માશુકની તમન્ના છે………મારા ઉરમાં

 

૨૮/૧૧/૧૯૮૯

“રૂપાળી”

રૂપાળી

(રાગઃજીવનકિ સફરમેં રાહી… … …)

 

એક ઘરની છે ઉંચી અટારી,એમાં નિત ઊભે એક રૂપાળી;

ભૂરા વાળ ને ભૂરી આંખો વાળી,ગોરા ગાલે છે ટપકી કાળી… … …એક ઘરની

કદી કેશનું ગુંફન કરતી,કદી ઝુંમર કાને ધરતી;

કદી કંગનને ફેરવતી,નિત દેખું હું રીત નીરાળી… … … … … … … .એક ઘરની

નિત મીઠું મલકાતી,અને ગુંજન કરતી ગાતી;

મળે આંખો તો શરમાતી,કદી બેસે છે પકડી ને જાળી… … … … … .એક ઘરની

જાણે ઓચિંતી આવે,અણજાણપણું દરશાવે;

ચૂડી કાંચની ખનકાવે,કદી બોલે છે આવું છું માડી… … … …એક ઘરની

 

૨૭/૧૧/૧૯૮૯

“અટારી”

અટારી

(રાગઃ નયનદ્વારસે મનમેં વો આકેં તનમેં આગ લગાય….)

 

આવે અટારી પર પલકારે આંખથી ઓઝલ થાય ()

ના કશું બોલે હોઠ ખોલે મંદ મંદ મલકાય… …

(ચલતી)હો વ્હાલમ મન મારૂં મુંજાય આંખ શરમાય હૈયું હરખાય હાથથી જાય

હાય..હાય..હાય

આવે અટારી પર પલકારે આંખથી ઓઝલ થાય,

ઉષાથી આશા જાગે ને સંધ્યા સાથ વિલાય;

હોઠ ખુલે ના સામે મળે તો સુધ બુધ સૌ વિસરાય,

નયનો નીરખે નયનો માંહી નયનો પુલકિત થાય……..આવે અટારી પર

(ચલતી)હો વ્હાલમ મન મારૂં મુંજાય આંખ શરમાય હૈયું હરખાય હાથથી જાય

હાય..હાય..હાય

આવે અટારી પર પલકારે આંખથી ઓઝલ થાય,

કહી શકું હું મનની વાતો એને ના સમજાય;

મસ્ત હવાના ઝૌકા જેવી આવે ને જાય,

ક્યારેક મળશે આશામાં જીવધુફારીજાય…………….આવે અટારી પર

(ચલતી)હો વ્હાલમ મન મારૂં મુંજાય આંખ શરમાય હૈયું હરખાય હાથથી જાય

હાય..હાય..હાય

આવે અટારી પર પલકારે આંખથી ઓઝલ થાય

કશું બોલે હોઠ ખોલે મંદ મંદ મલકાય

 

૨૭/૧૧/૧૯૮૯

“હ્રદયની લાગણી”

હ્રદયની લાગણી

 

હ્રદયની લાગણી કેવી સુતરના તાંતણા જેવી;

જો ખેંચો વજ્ર સમ ભાસે તૂટે છે ઢીલમાં એવી.

હ્રદયની લાગણી કેવી સમન્વય કો અજબ જેવી;

બનાવે બનવાનું સુગંધિત હેમ હો એવી.

હ્રદયની લાગણી કેવી તણખલા ઘાસના જેવી;

મળેજો તણખલાં તો તુરંગો બાંધતી એવી.

હ્રદયની લાગણી કેવી સરિતા શાંતના જેવી;

મળેજો પૂરના પાણી જતી તાણી બધું એવી.

હ્રદયની લાગણી કેવી સુગંધિત પૂષ્પના જેવી;

ધુફારીના ચુંટી જાણે તો ઘાયલ કર કરે એવી.

હ્રદયની લાગણી કેવી વ્યોમના વાદળો જેવી;

વરસતાં વાદળો કાળા ને ઉજળા છેતરે એવી.

હ્રદયની લાગણી કેવી શુક્ષ્મતમ કો અણું જેવી;

સુખમાં રાઇ સમ ભાસે ને દુઃખમાં પર્વતો એવી

 

૨૨/૧૧/૧૯૮૯

“પાર્થ પૂછે છે”

પાર્થ પૂછે છે

(રાગઃફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં…)

 

પાર્થ પૂછે છે કેશવ કહોને કહોને કૃષ્ણ મુરારી;

તમે બંસી કેમ વિસારી… … … … … … … … … … …

ગોકુળિયાની ગલી ગલીમાં જમુના કેરી પાળે,

વૃંદાવનના વૃક્ષો નીચે કદંબ કેરી ડાળે;

બંસી સુર રેલાયા જાણે સરિતા કેરા વારી,

તમે બંસી કેમ વિસારી… … … … … … … … … … …

સુર સરિતામાં કદંબ ન્હાયા ન્હાયા જળ જમુનાના,

ગોપી ને ગોપાલો ન્હાયા ન્હાયા વન વૃંદાના;

ધન્ય થયા નંદરાય જશોદા માતા જાતા વારી,

તમે બંસી કેમ વિસારી… … … … … … … … … … …

ગોકુળ છોડ્યા પછી કદી ના મુરલી મધૂર છેડી,

અધર ઉઘડ્યા કેશવ જાણે હાથ પડી ગઇ બેડી;

દામોદર શો દોષ થયો અમ આપ્તજનોથી ભારી,

તમે બંસી કેમ વિસારી… … … … … … … … … … …

ક્લેષ કર કુંતીસુત કોઇ દોષ ના ઉરમાં ધારો,

રાધાના વચન બંધાયો શ્યામ સખા તારો;

ધરોહર છે રાધાકેરી ના મુરલી રહી મારી,

તમે બંસી કેમ વિસારી… … … … … … … … … … …

 

૨૧/૧૧/૧૯૮૯

 

“મહારાણી(૩)

“મહારાણી(૩)
(ગતાંકથી ચાલુ)

કેબીનમાંથી બહાર નીકળતાં કાઉન્ટર પર વિઠ્ઠલભાઇને વજલાએ કહ્યું
“કમ સો વીઠુ માલમ?”
“વીઠુ માલમ?”મેં પુછ્યું
“હા..ભાઇ..!વિરજીશેઠ કહે એ સાચું” કહી વિઠ્ઠલભાઇ હસ્યા.
“વરી ગાર ડીધીને?મું તો તમે મારા માટે મારી ચદી ખમીસ સીવતા’તા તઇએ પણ વજલો હતો ને આજે પણ સુ ને રઇસ.જોયે તો બે લાફા મારી લો પણ વિરજી શેઠ મ કે’જો”
“અરે…!નારાજ થઇ ગ્યો?નહી કહું બસ”કહી વિઠ્ઠલભાઇએ વજલાના ખભા પકડી લીધા અને પીઠ થાબડી.
મોટી બજારમાં અમે કચ્છ બેકરી પર આવ્યા ત્યારે રૂખી બ્રેડ બિસ્કીટની ગોઠવણીમાં વ્યસ્ત હતી.  
“હા…!બોલો?” પોતાનું કામ કરતાં બેપરવાઇથી પુછ્યું.
“કિલો ખારી ભિસકુટ”
“બીજું?”
“બસ”સો રૂપિયાની નોટ સરકાવતાં વજલાએ કહ્યું.હું વજલાની બાજુમાં ઊભો હતો.હું તો તેણીને એકી ટશે જોતો હતો.મને નવો ગ્રાહક સમજી ભ્રકુટી ખેંચીને તેણીએ મારા સામે જોયું.
“હા…! બોલો?”વજલાને બિસ્કીટ અને પૈસા પાછા આપતાં મને પુછ્યું.
“હું…તો” તેણીના આ ઓચિન્તા સવાલથી હું ગુંચવાતા બોલ્યો.
“શું..હું…તો?”
“અરે…!રૂખી આ મારે હારે જ સે,આપણા જનુકાકાનો અનિલ”
“તો શું કરૂં આરતી ઉતારૂં?,ને તું મને શું રૂખી રૂખી કર્યા કરશ રૂક્ષ્મણી કે’તા તારી જીભને ઝાટકા લાગે છે?તું વિરજીશેઠ હશે તો સલાયામાં મારે શું?..હુંહ્”ખભા ઉલાડ્તા એક નજર મારી તરફ પછી વજલા તરફ કરી પાછી પોતાના કામમાં લાગી ગઇ.
“હા…ભઇ રૂ..ખ..મ..ણી બસ”કહી વજલો અને હું દુકાનમાંથી બહાર આવ્યા.
“ગાડીમાં બેસતાં મારાથી બેકરી તરફ જોવાઇ ગયું ત્યારે રૂક્ષ્મણીએ કટાક્ષ ભરી એક નજર કરી.
“ડોબો”વજલાએ કહ્યું
“હે…!”મેં વજલા તરફ જોયું
“મેં નહી,રૂખીએ તુને કહ્યું ડો…બો”ગાડી ઉપાડતાં વજલાએ કહ્યું.
“ઉફ્!!!કમાલ નમુનો છે યાર!”મેં સ્વસ્થ થતાં કહ્યું  
“હા…યાર એક તો પોતે નમુનો સે પાછું એની બેકરી જવા ભિસકુટ ક્યાંય બનતા નથ”
“માંડવીની કોઇ બેકરીમાં નહી?”મેં આશ્ચર્યથી પુછ્યું
“ના,ઇનો બાપ કરપોગોર ભારેનની કોઇ ભિસકુટ ફેકતરીમાં કામ કરતો’તો ત્યાંથી શીખી આવીયોસે બે પૈસા ગાંઠે થયા એટલે કછ આવીને આ કછ બેકરી અગારી.માલ જાતે બનાવે તી પણ ઘરે ઇનાથી કોઇને ખબર ન પરે કે કવી રીતે ભનાવેસ.માણસો  ફક્ત માલ સેકવાનું ને અતારવાનું કામ કરે તેના પર કરપોગોર ચોકી કરે.ગયા વરસે બુઢ્ઢો ચાર મઇના ખાટ્લામાં રીયો તારથી બધો કારભાર આ નમુનો જ હંભરે સે”
“હં.!!!!”
નુરચાચાના ઘર પાસે વજલાએ પોતની વેન ઊભી રાખી મારી સાઇકલ ઉતારી કહ્યું
“ઘેર આવજે”
“હા..આવીસ”
             હું સાંજના નુરચાચા અને વજલાના ઘેરથી પાછો ફર્યો ત્યાં સુધી રૂક્ષ્મણી જ મારા મનમાં ઘુમરાયા કરતી હતી.અતુલને ત્યાં નક્કી થયા મુજબ રાત્રે સૌ મિત્રો તળાવની પાળે મળ્યા અને પછી વજલાની વેનમાં બધા કાશીવિશ્વનાથ ગયા.દર્શન કરી મંદિરની પાછળ દરિયા કિનારે રેતી માં બેઠા ત્યારે મેં મારા બધા મિત્રોના ખબર અંતર પુછ્યા,અનેક વાતો થઇ અને વાત ફરતી ફરતી રૂક્ષ્મણી પર આવી ગઇ.
“હં.!!! હવે આવ્યા મેઇન પોઇન્ટ પર,આખર તબલો સમ પર આવ્યો ખરો”લવજીએ ટીખળ કરી
અને જાણે એની જ રાહ જોવાતી હોય તેમ આખરે શરૂ થયું મોટી બજારની મહારાણીનું રૂક્ષ્મણી પુરાણ.સૌએ એક પછી એક પોતાના અનુભવ કહેવાનું શરૂ કર્યુ.
“અતુલ તને યાદ છેને?ઓલ્યા મમુ મસાલાવાળાની દુકાનના મેરામણે રૂખીને જોતાં ખાંડની બદલે મીઠું જોખેલું”
“રૂખીની ચપ્પલની પટી તૂટી ગયેલી તે સંધવા આવી તેમાં પમુડાએ પ્રાણુભાઇના નવા જોડા પર લાલ ના બદલે કાળી પાલીસ  લગાડેલી”
“ઓલો નટુ,એક જમાનામાં કાતરા મુછો રાખતો અને હંમેશા મુછપર તાવ દેતો ફરતો,એક દિવસ કાના માલમની દુકાને રૂખીના ઘેર આવેલ કોઇ મહેમાન માટે તાજછાપ સિગારેટનું પાકિટ લેવા આવી ત્યારે ત્યાં સિગારેટ સળગાવતા નટુની એક તરફની કાતરા મુછ સળગી ગઇ એનું પણ એને ભાન ન રહ્યું” 
“ઓલો વિશ્યો બાડો ગાંઠિયા પાડતો હતો,તેણે રૂખીને હસનની દુકાને ઊભેલી જોતાં ઝારાને બદલે કળ કળતા તેલમાં હાથ જાવા દિધેલો”
“ગાભાના મઠિયાએ તો સુમારની દુકાને ઊભેલી રૂખીને જોતાં જોતાં જ તપેલીના બદલે ચોકડીમાં ચ્હા ગાળેલી ને ગાભાની માર ખાધી નફામાં”
“ધના ધોબીએ તો કમાલ કરી,હાજીની દુકાને આવેલી રૂખીને જોવામાં દુલાશેઠની નવી નકોર પેન્ટ પર ગરમ ઇસ્ત્રી મુકી બાળી નાખી.”
“ખબર છે ને?રૂખીની દુકાન પાસે જ કલાપી ટોકીઝનું બોરડ લાગે છે,એક દિવસ ભનિયાનું બોરડ લગાડ્વા ઉપર ચડવું ને રૂખીનું કઇ ફિલમ છે એ જોવા ડોકિયું કરવું બન્ને એક સાથે થતાં ભનિયો બોરડ સમેત નીચે પડેલો અને બોરડ ફાટી કરીને એની ડોકમાં ભેરવાઇ ગયેલું”
“શેઠ સ્ટુડિયોમાં ફિલ્મનો રોલ લેવા રૂખી આવી,તેમાં પુનમ પ્રિન્ટીંગ પ્રેસના ચતિયાએ મશીનમાં પેપર ના બદલે પોતાનો હાથ જાવા દીધેલો”
“નવાપરામાં ગિરધરના નંગ નવલાએ…….”
“એ જ ગિરધર તો નહી જ્યાં વિઠ્ઠલભાઇ કામ કરતાં હતાં?”અરજણ આગળ કંઇ બોલે એ પહેલા મેં પુછ્યું.
“એ…જ મારા ભાઇ એ જ ગિરધરના નવલાએ બહેનપણી સાથે વાત કરવા પા કલાક રૂખી શું ઊભી રહી એટ્લામાં એક ગ્રાહકના પેન્ટના કાપડમાંથી બીજા ગ્રાહકની જાકિટ વેતરી નાખી”
“કમાલના પરચા છે”મેં ઘડિયાળ જોતાં વજલાને કહ્યું.
“પરચા? હજુ તો આ પાશેરાની પહેલી પુણી છે બીજા તો બાકી છે આમાં તો રાત આખી ઓછી પડે” લવજીએ ઊભા થતાં કહ્યું.
“ચાલો ભાઇ,મોડું થાય છે,ઘેર બધા રાહ જોતા હશે”મેં ઊભા થતાં કહ્યું
“અચ્યુતમ્ કેશવમ્ શ્રીરામ નારાયણમ્……..”લવજી તાળી પાડી ગાવા લાગ્યો.
“બસ..બસ..બસ..લવા મારાજ ખમૈયા કરો” વજલાએ હાથ જોડી કહ્યું.
“આ વળી શું? મેં પુછયું
“રૂખમણી પુરાણ આજ દિવસ પુરતું પુરુ થયું ને?એટલે આરતી તો ગાવી પડેને?”કહી લવજી વેનમાં બેઠો અને હસ્તાં હસ્તાં બધા વેનમાં ગોઠવાયા,વજલો એક એક કરીને બધાના ઘેર ઉતારી ગયો.
       માંડ્વીમાં મારા ઘરથી નજીક અતુલ બુટિક જ હતું અને એમાં પણ ભેનીમાશીની ચ્હામાં શું જાદુ હતું કે,એ મારૂં એક વ્યશન થઇ ગયું. મિત્રોને મળવા જતો,લાયબ્રેરીમાં છાપા,સામયિક, ચોપાનિયા વગેરે ઉથલાવતો,વાંચતો પણ મોટા ભાગનો સમય અહી જ પસાર થતો.રૂખી જ્યારે પણ અહીથી પસાર થતી અને જો મને બેઠેલો જુવે તો તેણી મને એક નવો આશિક માની એક કટાક્ષ ભરી નજર કરી પસાર થઇ જતી.
     એક દિવસ હું અતુલ બુટિકથી ઘેર જવા નીકળ્યો.મારૂં સાઇકલ પર બેસી બુટિક સામેની ગલી માં દાખલ થવું અને તેણીનું ગલીમાંથી બહાર આવવું બન્ને એક જ સમયે જ થતાં હું ખચકાઇ ગયો.મેં મારેલી બ્રેક જરા મોડી લાગી તેથી સાઇકલનું આગલું પૈડું અમસ્થું તેણીના પગને અડી ગયું.હું કંઇ સમજુ,બોલું તે પહેલાં તો તેણીએ મારી સાઇકલનું હેન્ડલ પકડી સાઇકલ મારી પાસેથી ખેંચતાં કહ્યું
“સાઇકલ ચલાવતાં આવડતી ન હોય તો બેસતો શું હોઇશ ડોબા”કહી તેણીએ તો મારવાના જનુનમાં આવીને હાથ ઉગામ્યો જે મેં પકડી લીધો.એ રૂપગર્વિતાનો અહમ્ કદાચ પહેલી વખત ઘવાયો.હાથ છોડાવી ને છણકો કરતી,બબડ્તી તેણી જતી રહી.બુટિકમાંથી વિઠ્ઠલભાઇ, અતુલ,ભેનીમાશી બધા બહાર ધસી આવ્યા.
“શું થયું?શું થયું?”  
“અરે…! કાંઇ નહી..રે…!હું સાઇકલ પર ઘેર જતો હતો,મારૂં ગલીમાં વળવું અને રૂખીનું ગલી માંથી બહાર આવવું એક સાથે થયું,સાઇકલની બ્રેક બરાબર લાગી નહી તેથી પૈડું અમસ્થું અડી ગયું તેમાં તો મને લાફો મારવાના મુડમાં આવી ગઇ જાણે રણચંડી”સાંભળી સૌ હસી પડ્યા  ઓટલા પર બેસતા મોટા ભાગના મજનુંઓને આ સાંભળી મજા આવી ગઇ કે,આખર રૂખીને કોઇ માથાનો મળ્યો ખરો.
    આ ઘટના પછી મને લાગે છે,તેણીનો અહમ્ ગવાતા વધુ મગરૂર થઇ ગઇ પણ વર્તનમાં ખાસ ફરક પડ્યો નહી,એ જ અદાથી બુટિક પાસેથી પસાર થતી હતી.એક દિવસ તેણી એ જ ગલીમાંથી ધોયેલા કપડાની ડોલ લઇને આવી રહી અને કડાકા સાથે કમોસમનો વરસાદ તૂટી પડ્યો.ગલીના નાકે આવી ત્યારે સફેદ વસ્ત્રોમાં સજ્જ અપ્સરાના આખાય શરીર પર ભીંના વસ્ત્રો એવા ચીપકી ગયા હતાં કે ઉપવસ્ત્ર વગરના તેણીના ભીંના વસ્ત્રો નીચેથી તેણીના આખા અંગની ભૂગોળ પ્રત્યક્ષ થતી હતી.આ પરિસ્થિતીમાં ગલીની બહાર ઓટલા પર બેઠેલા મજનુંઓ વચ્ચેથી કેમ પસાર થવું તેની અવઢવમાં તેણી ત્યાં જ ખચકાઇને ઊભી રહી ગઇ હતી. 
     દરરોજની જેમ બુટિકના કાઉન્ટર પાસે મારા માટે મુકેલી ખુરશી પર બેસી હું કચ્છમિત્ર વાંચતો હતો.મેં પાનુ ફેરવતાં ઉપર જોયું અને ગલીના નાકા પર આરસ પ્રતિમા સમ ખચકાઇ ઉભેલી રૂખીને જોતાં મને તેણીની સમસ્યા સમજાઇ ગઇ.મેં કાઉન્ટર પાસે ટીંગાતો મારો રેઇનકોટ ઉપાડ્યો અને જઇ ને તેણીને ઓઢાળ્યો ત્યારે અહોભાવના આંસુ તેણીની આંખમાંથી સરીને ગાલપર પડેલી વર્ષા બુંદ સાથે ભળી ગયા.હાથમાંની ડોલ જમીન પર મુકી,એક પળ માટે તેણી એકીટશે મને જોતી મારો હાથ પકડી ઊભી રહી ત્યાર બાદ મારા હાથને આંખે લગાડી,ચૂંમીને ડોલ ઉપાડી જતી રહી.
       એક રવિવારે ભાંગેલા નાકામાંથી દરિયાની નાળમાં ઉતરી સલાયામાંથી થઇને અમે મિત્રો પગે ચાલીને કાશીવિશ્વનાથ જઇ રહ્યા હતાં. વજલો તો મુંબઇ ગયો હતો જે અમને વેનમાં લઇ જતો હતો.હું ફાતિમાચાચીને મળીને કાશીવિશ્વનાથ આવું છું એમ કહી મિત્રોને રવાના કર્યા અને હું નુર ચાચાના ઘર તરફની સુનસાન ગલીમાં વળ્યો ત્યારે મને આભાસ થયો કે,કોઇ મારી પાછળ આવે છે.હું ખચકાઇને ઉભો રહી ગયો.મેં પાછા ફરીને જોયું તો રૂખી.હું મ્હોં ફેરવીને ચાલવા લાગ્યો.
“અનિલ”
સાંભળીને હું પાછો વળીને ઊભો રહ્યો.આંખો ઢાળી ધીમી ચાલે મારી નજદીક આવીને મારા બન્ને હાથ પકડી મારી આંખોમાં આંખ પરોવી તેણીએ કહ્યું,
“અનિલ,તું સ્વાવલંબી થઇ જાય,સેટલ થઇ જાય અને યોગ્ય સમય આવે ત્યાં સુધી હું તારી રાહ જોઇશ”              
તેણીની વાણીની ને નેણની ભાષા હું સમજુ તે પહેલાં ઓચિંતો વરસાદ તૂટી પડ્યો.સાથે લાવેલા રેઇનકોટ નીચે અમે બન્ને છુપાઇ ગયા ત્યારે તેણીના માદક સ્પર્શે મારા બધા સવાલોના જવાબ દઇ દીધા.
આ બધું ઘરની બારીમાંથી જોતા ફાતિમાચાચીએ બુમ પાડી.
“છોકરાઓ ઘરમાં આવી જાવ”
સાંભળી રેઇનકોટ નીચેથી નીકળી મ્હો છુપાવતી શરમાઇને રૂખી નુરચાચાના ઘરમાં દોડી ગઇ ને રેઇન કોટ ઉચું કરી ફાતિમાચાચી સામે જોઇ હું હસ્યો.       
 (સમાપ્ત)

“મહારાણી”(૨)

“મહારાણી”(૨)
(ગતાંકથી ચાલુ)
“હા…!કરિયાણાની દુકાન બંધ કરતાં બાપુજીનું મન ન્હોતું માનતું પણ……”
“આખર માની ગયા”
“છેલ્લા ત્રણ વરસમાં બીજું પણ ઘણું બદલાઇ ગયું છે”
“આપણી મંડળીની વાત કર….ઓલ્યો લવજી?”
“બધી બ્રાન્ડની સાઇકલનો ડીલર છે અને હમણાં જ…લગભગ ત્રણ મહિના પહેલાં જ લ્યુનાની એજન્સી મળી છે”
“વાહ..! ને જગન?”
“બાપ સાથે ટર્નરનું કામ કરે છે,ગેસ કટીન્ગ તો એવું કરે છે,જાણે કપડું વેતરતો હોય”
“આવી ગયોને ધંધાની ભાષામાં?”
“…….”
“અરજણ…?”
“સુટ સ્પેશ્યાલિસ્ટ છે ભાઇ,ગામ આખામાં અરે કચ્છ આખામાં એ વન અરજણ તરિકે ઓળખાય છે”
“વજલો..? અહીં જ છે કે,ચન્ના માલમની મહાલક્ષ્મીમાં દરિયો ખેડે છે?”
“ના..રે..યાર એને તો ચાંદી થઇ ગઇ”કલદારનો અભિનય કરતાં કહ્યું
“એટલે..?”
“વજલાનો બાપ હીજુ માલમ દુલાશેઠની ગાડી ચલાવતો ને?”
“હા…તો?”
“એક દિવસ દુલાશેઠના મગજમાં શું આવ્યું,માંડવીથી ઠેઠ મુંબઇ પોતાની નવી ગાડી લઇને ગયેલા ત્યારે હીજુમાલમે જ ગાડી ચલાવેલી”
“તો…..?”
“એક દિવસ દુલાશેઠ હીજુને મહાલક્ષ્મી લઇ ગયા”
“રેસકોર્સ….?”
“હા, હીજુમાલમના મનમાં શું આવ્યું ભગવાન જાણે,ખીસ્સામાં હતાં એ બધા પૈસા એક ઘોડા પર રમી નાખ્યા ને એને મહાલક્ષ્મી ફળી ને જેકપોટ લાગ્યો”
“શું વાત કરે છે….?”
“હીજુમાલમ પૈસા લઇને પ્લેનમાં ભુજ આવ્યો ને ટેક્ષીમાં માંડવી”
“વજલો ત્યારે માંડ્વીમાં જ હતો,બાપ પાસે આટલા બધા પૈસા જોઇને વજલો સીધો મારી પાસે આવ્યો, મને કહે અતુલ તું હમણાં ને હમણાં મારી સાથે મારા ઘેર ચાલ,મેં કહ્યું એવું તે શું જરૂરી કામ છે?તો વજલાએ કહ્યું બધી વાત ઘેર ચાલીને કરશું અને આ બારે પડી એ જ સાઇકલ મારા પાસેથી લઇ મને પાછળ બેસાડી પોતાના ઘેર લઇ ગયો.તેના ઘેર ગયા બાદ ખબર પડી કે,હીજુમાલમને જેકપોટ લાગ્યો છે. બીજા દિવસે બધા પૈસા અને હીજુમાલમ બન્નેને બેન્કમાં બકુલકાકા પાસે લઇ ગયો”
“આ સરસ કામ કર્યું”
“બધી બેન્કીન્ગ ફોર્માલીટી પુરી કર્યા પછી હીજુમાલમને પાસબુક અને ચેકબુક આપીને બકુલકાકાએ હીજુ માલમને કહ્યું આ બન્નેને બરાબર સાચવજે અને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આ બન્ને સાથે મારી પાસે લાવજે ને પૈસા લઇ જજે”
“હં…પછી?”
“બે દિવસ પછી બકુલકાકાએ વજલાને ઘેર બોલાવ્યો”
“હં….”
“બકુલકાકાએ વજલાને પુછ્યું જો કોઇ તને નાખુદા તરિકે રાખી લોંચ ચલાવવા આપે તો એ તું તારા મેળે ચલાવી શકે?જેમાં બધું તારી મરજી મુજબ થાય તો તું કરી શકે? લાંચ નુરવાની,માલ સંભાળવા ની, ખલાસીઓ પાસેથી કામ કરાવવાની હિંમત છે તારામાં?મોસમની,વાવળાની અને દરિયાના રસ્તાની જાણ કારી છે તને?બકુલકાકા પુછતાં રહ્યા અને વજલો હકારમાં માથું હલાવતો રહ્યો.આખરે વજલા એ કહ્યું મને એકવાર બસ એક જ વાર લોંચ સોંપી તો જુઓ,ત્યારે બકુલકાકાએ કહ્યું મારી જવાબદારી પર અપાવું છું ઠપકો સાંભળવા તો નહી મળેને? ત્યારે વજલાએ બકુલકાકાના બન્ને હાથ પકડી કહેલું વિશ્વાસ રાખો આ વજલો મરતાં મરી જશે પણ તમને ઠપકો નહી અપાવે એટલે બકુલકાકાએ કહ્યું તો ઠીક છે,આવતીકાલે સલાયા શિપયાર્ડમાં હીજુને તેડીને આવજે”
“પછી…?”
“બીજા દિવસે બાપ દિકરો સલાયા ગયા ત્યારે બકુલકાકાએ હીજુમાલમને કહ્યું હીજુ તારો દિકરો ક્યાં સુધી પારકી લોંચમાં મજુરી કરશે?મેં ચન્નામાલમ સાથે વાત કરી છે,આ ઊભી નવીનકોર લાંચ “ભાગ્યલક્ષ્મી” એ પંદરલાખમાં વેંચવા તૈયાર છે,તું કે’તો હો તો તને અપાવી દઉ અને ત્યારે હીજુમાલમે બકુલકાકાના હાથ પકડી કહ્યું બકુલભાઇ હું તો અભણ માણસ છું અને તમને સાચો રસ્તો સુઝે છે તો હું ના કરનાર કોણ હેં? ત્યારે વજલાએ કહ્યું હવે મને સમજાણું કે,તમે કાલે મારી પરિક્ષા કેમ લેતા  હતા સોદો પાકો થઇ ગયો ને “ભાગ્યલક્ષ્મી” વજલાને મળી ગઇ”
“વાહ…!બકુલકાકાનું કામ એટલે કહેવું પડે” 
“ભાગ્યલક્ષ્મી વજલાને એવી ફળી કે,સલાયામાં મોટું મકાન બનાવ્યું,બે નવી મારૂતી લીધી ને બસ ભલા ભાઇ,આજે એ જ વજલો વિરજીશેઠ તરિકે ને હીજુમાલમ હિરજીભાઇ તરિકે ઓળખાય છે.
“વજલો!!!વિ..ર..જી..શેઠ થઇ ગયો? તો તો એના ઠાઠમાઠ જોવાજેવા હશે”
“જો ફોન કરૂં છું,હમણાં જ આવશે”કહી અતુલે ફોન ડાયલ કર્યો.
“હલ્લો..કોણ? વિરજીશેઠ છે?”અતુલે જરા ઘોઘરા અવાઝે પુછ્યું
“હા બોલો મું વિરજી બોલું સું”
“વજલા…હું અતુલ”
“અરે…!!! વા’રે કસ્મત!!અભો રે જરા જોઇ લઉ સુરજડાડો કઇ બાજુથી અગીયો’સ”
“એક ભાઇ તારી પુછા કરે છે ફોન આપુ છુ વાત કર”કહી અતુલે ફોન મને આપ્યો.
“એ..મ..ચો..ઇ..ઇઇજુ…મ…અઆ..લમ”મેં અમારા ગામના એક વડીલ ધારશીકાકાની નકલ કરી.
“અનિલ!!!!!!!!!!!ક્યારે આવ્યો?”
“આજે જ,ઓળખી લીધો તેંતો…”
“ધારશીકાકાની જેમ તું એક જ બોલી હ્કે સે,ફોન મક મું હમણાં જ આવું સું”
“આવે છે ને?”અતુલે પુછ્યું
“હા”
“તને કહ્યુંને,ફોન કરીશું એટલે તરત જ આવશે,તો હવે ચ્હા મંગાવું ને?કહી એણે કેબીન દરવાજો ખોલી કહ્યું
“વિઠ્ઠલ,જરા ભેનીબેનને ચ્હાનું કહેજો”કહી અતુલ પાછો ખુરશીમાં બેઠો.
“હું તને એક વાત પુછવાનો હતો,વજલાની વાતમાં ભુલાઇ ગયું.આ વિઠ્ઠલભાઇ તો મોટી ઉંમરના લાગે છે, છતાં “વિઠ્ઠલ” કહેવું એ જરા તોછડું નથી લાગતું?”
“અરે ભાઇ આ તો ચીંથરે વિટ્યું રતન છે,નવાપરામાં એની પોતાની દુકાન હતી અને સારી ચાલતી હતી, પણ બૈરીની બિમારીમાં દુકાન, મશીન બધું જ વે’ચી નાખ્યું,પછી ગિરધરની દુકાને બેસતો અને સીલાઇ કામ કરતો ત્યારે બધા વિઠ્ઠલા વિઠ્ઠલા કરતા”
“હશે પણ તેથી….??”અતુલે મને રોકતા કહ્યું.
“બૈરીની ચિંતામાં એકાદ કપડું બગડી ગયું ત્યારથી ગિરધરની તોછડાઇ વધી ગઇ પણ લાચારીથી પડ્યો હતો”
“પણ….”અતુલે ફરી મને અટકાવતા કહ્યું.
“મારા બુટિકના કટીંગ માસ્તરને કમળો થયો ને એ ગુજરી ગયા.બકુલકાકા આ વિઠ્ઠલ પાસેથી  જ કપડાં સીવડાવતા હતાં.આ બધું બની ગયાના પછીના દિવસોમાં તેની દુકાને ગયા ત્યાં તો પાનની દુકાન થઇ ગઇ હતી,તપાસ કરતાં   ખબર પડી કે,એ હવે ગિરધરને ત્યાં બેસે છે.બકુલકાકા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ગિરધર તેને ભાંડ્તો અને ગાળો દેતો હતો.વિઠ્ઠલનો દયામણો ચહેરો જોઇ બકુલકાકા તો હેબતાઇ ગયા પણ કાંઇ પણ બોલ્યા વગર દુકાનની સામેની દિવાલને ટેકો દઇ ઊભા રહ્યા,વિઠ્ઠલે જ્યારે ઉચું જોયું ત્યારે હાથની ટચલી આંગળીનો ઇશારો કરી મુતરડી તરફ બોલાવ્યો. વિઠ્ઠલ બકુલકાકા ને મળ્યો ત્યારે કહ્યું બકુલભાઇ હવે મારી દુકાન નથી એટ્લે તમારા કપડાં હું નહી સીવી શકું.સીવાસે અને તું જ સીવી આપીશ પણ હમણાં મારી સાથે ચાલ અને તેને અહીં લઇ આવ્યા.મને એક બાજુ બોલાવી ને કહ્યું જો દિકરા તને કટીંગ માસ્તરની જરૂર છે અને આ મુફલીસ જેવો દેખાતો માણસ એ વન કટીંગ માસ્તર છે અને મેં તેમને તે જ દિવસે નોકરી પર રાખી લીધા”
“એ તો સારૂં કર્યુ યાર તો પણ….”
“અનિલ,એ પળ હું ક્યારે નહી ભુલું જ્યારે મેં કહ્યું આવો વિઠ્ઠલભાઇ એ માણસ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો” કહેતાં અનિલની આંખ ભીની થઇ ગઇ.
“રડતાં રડતાં એ માણસે કહેલું મે’રબાની કરીને મને વિઠ્ઠલભાઇ ન કહેશો.વિઠ્ઠલા કરતાં વિઠ્ઠલ સારૂં અને એ માણસનું મન રાખવા જ વિઠ્ઠલ કહું છું.કટીંગ વખતે કે ઓછું કપડું વેસ્ટ જાય તેની એ માણસ ચીવટ રાખે છે મેં તેમને કહ્યું છે તમારા જુના ગ્રાહકના કપડા શીવવાની પણ તમને છુટ છે”સાંભળી મારી આંખ પણ ભીની થઇ ગઇ ત્યાં ભેનીબેન ચ્હા મુકી ગયા અને ચ્હાના કપને હાથ લાગે એ પહેલાં તો વંટોળિયા ની જેમ આવેલો વજલો મને ભેટી પડ્યો.
“તો….જનુકાકાની બદલી માંડવી થઇ ગઇ અમને?”
“હાસ્તો”        
ખુરશીમાં બેસવા જતાં ટેબલ પર ચ્હાના બે કપ જોઇને બોલ્યો.
“સાલા ડોબા,મારી ચા કીયા?”અને કેબીનનો દરવાજો ખોલી બુમ પાડી.
“ભેનીમાસી…..”અને ભેનીબેન વજલા માટે ચ્હા લઇને દાખલ થયા.
“તારી મારૂતીનો અવાજ મેં સાંભળ્યો દિકરા”કહી ચ્હા મુકી ગયા.
“જોયું..આ..મા..સી,મા થી પણ વધારે ધીયાન રાખે અવી માસી”
“કેમ છે તારી ભાગ્યલક્ષ્મી?”
“અરે…!!! બે દી પે’લા આવત તો બતાવત બે દી પે’લા જ પે’લી ઘોસમાં ગઇ મોસમ ખુલી ગઇને?” 
“લોંચ દરિયામાં ને નાખવો ગામમાં?”
“મું જાઉંસ ને મું’બી પં’દી કછ એસપેસમાં”
“કાં પ્લેનમાં નહીં?”
“ના યાર કાન બે’રા થઇ જાય સે,અમ પણ ઓછું હંભલાય સે”
“પૈસાનો અવાજ તો બરાબર સંભળાય છે ને?”મેં મજાક કરી
“……”સૌ હસી પડ્યા અને ચ્હા પીવાઇ ગઇ,ત્યાર બાદ ઘણી અરસ પરસની વાતો થઇ, એકાએક વજલો અતુલ તરફ ઝુકીને કશુંક ગણગણ્યો.
“ગાડી મઇથી અતરિયો તા’રે ઓલી મોટી બજારની મા’રાણી જતી’તી”
“કોણ રૂક્ષ્મણી?”
“હા.ઇ..જ રૂખી બીજુ કોણ?”
“……?”મેં પ્રશ્નાર્થ બન્ને તરફ જોયું.
“આને ઓળખાણ ન પડી”અતુલે કહ્યું
“તેં જોઇ હશે તા’રે આટ્લિક હશે,આજે જો તો ખબર પડે”હાથથી તેણીની ઉંચાઇ દેખાડ્તા વજલાએ કહ્યું
“પણ કોણ?”
“કરપાગોરની ગગી”
“કોણ…કરપોગોર? તમે કોની વાત કરો છો?”મેં અકળાઇ જતાં કહ્યું
“અરે..! અહીં આપણી બુટિકની બાજુની શેરીમાં જ રહે છે”અતુલે કહ્યું
“આરે હા!..હા!..પેલા ભારેનવાળા”
“એ જ”
“પેલી એક ચોટ્લો વાળેલો અને એક ચોટ્લાના વાળ ખુલ્લા ને ખોખલો ફ્રોક પહેરી ફરતી એ?”
“હા…એ જ જેને તું કચ્છીમાં પુછતો કે,તું રૂખી ક મખેલી(તું લુખી કે ચોપડેલી)”
“હા..હા..”
“આજે જો તો ખબર પડે.રૂપારી પણ અતરી સે જાણે અપસરા પાછી નેણ નાકે પણ નમરી,પણ રૂપનું ભારે અભેમાન બાપ!,મોટી ભજારની તીજી ગલીમાં બાપની બેકરી હંભારે સે”
“એમ?”
“કોઇથી ગાંજી જાય એમ નથ અને કોઇને ઘાસ પણ નથ લાખતી,ઘેરથી નકરીને બેકરી પર જતી હોય કે,પાછી  આવતી હોય તીયારે રસતા પર માણસો જોતા રી જાય. આપરી બતીક હામે મસીદના ને હમીદ ચાચાની દુકાનના ઓટલે બેઠેલા બધા એના જ આસક સે,જો ખાતરી ન થતી હોય તો મજનુંઓ જોઇ આવ”
“હં..હું આવ્યો ત્યારે ઘણા નવરા નાથા ત્યાં બેઠેલા જોયા ખરા,પણ આવા ભર બપોરે તળકામાં શા માટે બેઠા છે,એ હવે સમજાયું”
“સું કરે બચારા?રૂખીનો કંઇ ધડો નઇ,સવારના કીયારેક આઠ વાગે બેકરી પર જતી હોય કયારેક નવ વાગે,કીયારેક એક વાગે ઘેર આવતી હોય કીયારેક બે વાગે.કીયારેક તઇણ વાગે બેકરી પર જતી હોય કીયારેક ચાર વાગે.બધા ઓલું કાંઉ કેવાય હા દરસણભુયખા સે.”વજલાએ કહ્યું
“અપસરા જોવી હોય તો હાલ હમરાં જ બતાડું”વજલા એ આંખ મિચકારી કહ્યું     
“મારે ફાતિમાચાચીને મળવા સલાયા તો જવું જ છે એટ્લે આવું છું”
“અમ તો અમ”
   (ક્રમશ)