“હમણાં હજુ”

“હમણાં હજુ”
(રાગઃ ભુલવા મને કહો છો સ્મરણો ભુલાય ક્યાંથી…)
હમણાં હજુ પ્રિયા તું,આવી અને ક્યાં ચાલી;
વાતો કરી નથી બે,દિલ તો હજુ છે ખાલી……હમણાં હજુ
કળીઓ કુસુમ કેરી,ખીલી હજુ છે હમણાં;
મીઠી સુવાસ એની,માણ્યા વગર ક્યાં ચાલી…..હમણા હજુ
સૂર્યાસ્ત થઇ ગયાને,વીતી નથી પળો બે;
સંધ્યા છે પૂરબહારે,જણ્યાં છતાં ક્યા ચાલી……હમણા હજુ
તારા વિના સમય આ,વર્ષો સમાન વહેશે;
યાદો તણા બે મોતી,વિણ્યા નહી ત્યાં ચાલી…..હમણા હજુ
સંગાથ તારો લઇને,રાચે “પ્રભુ” જ્યાં સાગર;
જાતા સમય કિનારે,આણ્યા વગર ક્યાં ચાલી….હમણા હજુ

૨૪/૦૩/૧૯૬૯

“વિશાળતા”

“વિશાળતા”
(રાગઃ એકવાર હું’ને મીંરા ગોકુળમાં ગ્યાતા….)

ગગન છો વિશાળ છે,અગમ્ય અપાર છે;
હ્રદયની વિશાળતા તો અકલપ્ય અપાર છે……ગગન છો
પવનના પ્રકોપમાં ધસમસતા વાદળાથી;
કલ્પનાના વાદળાનો વેગ બેસુમાર છે………ગગન છો
ઉષાની આભા હોકે સંધ્યાના શેરળાથી ;
રંગીલી યાદો કેરા,રંગ ભવ્યકાર છે………..ગગન છો
રવિ તણું તેજ હો કે,ચંદ્રમાની ચાંદની;
“પ્રભુ” પ્રીત તારલા વીણ,શુન્ય અંધકાર છે….ગગન છો

૨૦/૦૩/૧૯૬૯

“ચાલી ક્યાં ગઇ”

“ચાલી ક્યાં ગઇ”
(રાગઃ તારી આંખનો અફિણી, તારા બોલનો બંધાણી…..)
તારા ગાલ છે ગુલાબી,તારી આંખ છે શરાબી;
હળવું હોઠમાં હસી તું ચાલી ક્યાં ગઇ
સોળ કળાના પુર્ણ ચંદ્ર્ પર,મેઘાંડબર છાયેલું;
અથવા શાંત સરોવરિયામાં,પુષ્પ કમળ ખલેલું;
એવું મુખડુ છુપાવી………………ચાલી ક્યાં ગઇ
ચોળી ચણિયા ઉપર ઓઢ્યું,રંગ કસુંબલ સાળુ;
નાજુક નાજુક અંગ દીશે ત્યાં,રૂપ તણું અજવાળુ;
કરના કંગનો ખનકાવી…………….ચાલી ક્યાં ગઇ
હંસગતિથી ચાલ ચાલતી,દેહલતા મદમાતી;
નાજુક પગની પેની ઉપર,મહેંદી મુકી રાતી;
પગના પાયલ ઝનકાવી……………ચાલી ક્યાં ગઇ

૧૪/૦૮/૧૯૬

“પુર્ણિમા”

“પુર્ણિમા”
(રાગઃ બાલપણના સંભારણા સાંભરે રે………)
 
એક મદમાતી રાત થઇ પુર્ણિ…મા..રે
શશી તણી પ્રિયતમા ચાંદની અવની પર ઉતરતી,
પડે દૃષ્ટિ ત્યાં સૃષ્ટિ પર ચાંદરણા પાથરતી;
સ્વે…ત સોહામણી સાડી લઇ રે…………એક મદમાતી રાત
વિશાળ વ્યોમે વોખારાયેલી વાદળીઓ વિહરતી,
સંતાળી ચાંદલિયો ને ધીરે ધીરે સરતી;
વ્યા..કુળ જણા..તી ચાં..દની થઇ રે……..એક મદમાતી રાત
પાંખડિયો ખીલેલી સુંદર કુમુદ કેર ફૂલે
મદઘેલા,રસઘેલા,એ ભમરા ગું..ગું બોલે;
ખી..લ્યા પુષ્પોથી સુવા..સિત થઇ રે……..એક મદમાતી રાત
શિ..તળ શાંત સરોવરિયામાં સારસ જોડી સરતી,
વિ..હરતાં,વિ..લસતાં એ શબ્દ મધુરા કરતી;
ઉ..ભરતી મંદ લહેરે..જઇ રે………….એક મદમાતી રાત
એક એક શાખા વનરાની અંગડા લઇ ડોલે,
યૌવનમાં લજવાતી કો રમણી જાણે..મ્હાલે;
વા..યુ વસંત કે..રા લઇ..રે…………એક મદમાતી રાત
નિદ્રા ત્યાગેલા નયનો એ દૃષ્યો જોતાં ઠરતાં,
રઢિયાળી રાત્રીની એ ભંગ નિરવતાં કરતાં;
ટ..હુકો કો..કીલ કર..તી ગઇ રે……….એક મદમાતી રાત

૧૪/૦૬/૧૯૬૭

“હ્રદય”

“હ્રદય”
(રાગઃ પ્રભુનજીને પડદામાં રાખમાં પુજારી તારા……..)

રૂદિયાને નાનું તું કહીશમાં.ઓ માનવ તારા દિલડાને નાજુક કહીશમાં;
નિત ઉગી આથમે છે,ચંદ્ર,રવિ,તારા એવા,
વ્યોમથી નાનું એને,કહીશમાં(૩)…..ઓ માનવ
શંખ અને છીપલા,મોતી ભંડાર એવા,
સાગરથી નાનું એને કહીશમાં(૩)…..ઓ માનવ
સ્પર્શ થતાં લોહને સુવર્ણ સર્જાય એવા,
પારસમણિથી નાનું કહીશમાં(૩)…..ઓ માનવ
મણથી છે કાયા ભાર,જીવન આધાર એવા,
પ્રભુડાનો માંસ પીંડ કહીશમાં(૩)…..ઓ માનવ
૧૭/૦૩/૧૯૬૯